તક્ષશિલા : પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને વિદ્યાસંસ્કારના કેન્દ્રરૂપ  જગવિખ્યાત નગરી. પ્રાચીન ભારતના રાવળપિંડી શહેરની પશ્ચિમે પાંત્રીસ કિમી.ના અંતરે આવેલું આ સ્થળ ગાંધાર પ્રાન્તની રાજધાની હતું. રામના ભાઈ ભરતે આની સ્થાપના  કરેલી અને પુત્ર તક્ષને અહીંનો રાજા નીમેલો. એના નામ ઉપરથી આ રાજધાની તક્ષશિલા તરીકે ઓળખાઈ, એવો વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ છે. ઈ. સ. પૂ.ના છઠ્ઠા સૈકામાં ઈરાનીઓની, બીજા સૈકામાં ઇન્ડો-બૅક્ટ્રિયનોની અને પહેલા સૈકામાં સીથિયનોની તો ઈસુના પ્રથમ સૈકામાં કુષાણોની અને પાંચમા સૈકામાં હૂણોની રાજસત્તા અહીં પ્રવર્તતી હતી. ઈસુના છઠ્ઠા સૈકામાં આ શહેરનો નાશ થયો. મધ્ય એશિયા અને ભારત વચ્ચેના વેપારી માર્ગ ઉપરનું સ્થાન હોઈ એનું રાજકીય મહત્વ તો હતું જ પણ એક વિદ્યાકેન્દ્ર તરીકેની એની ખ્યાતિ વિશ્વમાં હતી.

ઈ. સ. પૂ. સાતમી સદીથી ઈસવી છઠ્ઠી સદી સુધી તક્ષશિલા અપ્રતિમ ખ્યાતિ ધરાવતું વિદ્યાકેન્દ્ર હતું. ઉજ્જયિની, મથુરા, મિથિલા, રાજગૃહ, વારાણસી જેવાં મહાનગરો તથા કુરુ–કોશલ જેવા પ્રદેશોમાંથી નાતજાતના ભેદભાવ વિના વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ શિક્ષણ લેવા આવતા હતા. આ વિદ્યાકેન્દ્ર ગુરુકુલ સ્વરૂપનું હતું. વિદ્યાર્થીઓ ગુરુ–આચાર્યને  ઘેર રહેતા હતા. ગરીબ વિદ્યાર્થીઓ દિવસે ગુરુના ઘરનું કામ કરતા અને રાતે અભ્યાસ કરતા. શ્રીમંત વિદ્યાર્થીઓ ફી ભરીને ભણતા. વિષમ પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.

તક્ષશિલાનું ભૌગોલિક સ્થાન

આચાર્ય જીવક, ભગવાન કૌટિલ્ય, વૈયાકરણી પાણિનિ, કોશલ સમ્રાટ પ્રસેનજિત અહીંના વિદ્યાર્થી હતા. જીવક અને કૌટિલ્ય અહીં આચાર્યપદે રહેલા. બ્રાહ્મણદર્શનનું આ વિદ્યાકેન્દ્ર હોઈ અહીં ત્રણ વેદ, વ્યાકરણ અને દર્શન મુખ્ય વિષયો હતા. ઉપરાંત વૈદક, શલ્યકર્મ,  ગજવિદ્યા, ધનુર્વિદ્યા, યુદ્ધવિદ્યા, જ્યોતિષ, નામું, વાણિજ્ય, કૃષિ, ખગોળ, સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે વિષયોનું અહીં અધ્યાપન થતું. અહીં વિશેષજ્ઞતા માટે જ વિદ્યાર્થીઓ આવતા.

ચારિત્ર્યનું ઘડતર, વ્યક્તિત્વનો વિકાસ, ધર્મ અને નીતિનું સિંચન, સંસ્કૃતિનું સંરક્ષણ વગેરે આ વિદ્યાકેન્દ્રનાં વ્યાવર્તક લક્ષણો હતાં. આજની મુક્ત વિદ્યાપીઠનું આ પૂર્વકાલીન સ્વરૂપ હતું. પદવી પરીક્ષા ન હતી. અભ્યાસ પૂરો કર્યા પછી વ્યાવહારિક અનુભવ માટે વિદ્યાર્થીઓ દેશાટને જતા.

તક્ષશિલા ખાતેનો બૌદ્ધ સ્તૂપ

હૂણોના આક્રમણને પરિણામે આ નગરનો નાશ થયો  તે પહેલાં ચીની પ્રવાસી  ફાહિયાન અહીં આવ્યો હતો; પરંતુ સાતમી સદીમાં  આવેલા યુઅન શ્વાંગે આ નગરની મુલાકાત લીધી તે વખતે તે ખંડિયેર અવસ્થામાં હતું, આ નગરના અવશેષો પ્રજાને પ્રત્યક્ષ કરવાનું  પ્રથમ કાર્ય જનરલ કનિંગહામે 19મી સદીના  ઉત્તરાર્ધમાં કર્યું હતું. પરંતુ તેનું વ્યવસ્થિત ઉત્ખનન સર જ્હૉન માર્શલના માર્ગદર્શન હેઠળ આ સદીની શરૂઆતમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યારપછી 1944–45માં સર મોર્ટિમર વ્હીલરે તેના પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો.

રસેશ જમીનદાર