તખ્તાજાન, આર્મેન

January, 2014

તખ્તાજાન, આર્મેન (જ. 10 જૂન 1910; અ. 13 નવેમ્બર 2009) : રશિયાના વિશ્વવિખ્યાત વનસ્પતિશાસ્ત્રી અને ઉત્ક્રાંતિવિદ (evolutionist). તેમણે ઉચ્ચશિક્ષણ લેનિનગ્રેડ અને મૉસ્કોમાં પ્રાપ્ત કર્યું હતું. લેનિનગ્રેડની બૉટનિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ધ અકૅડમી ઑવ્ સાયન્સીસમાં જોડાયા બાદ તે કોમારૉવ બૉટનિકલ ઇન્સ્ટિટ્યૂટના નિયામક બન્યા. વનસ્પતિ-વિસ્તરણ અને વર્ગીકરણનો ઘનિષ્ઠ અભ્યાસ કરી 1942માં વનસ્પતિ-વર્ગીકરણની સરળ પદ્ધતિ પ્રસિદ્ધ કરી. અનેક સંશોધનોને આધારે 1954માં ‘આવૃત્ત બીજધારીઓનો ઉદભવ’ (ધ ઑરિજિન ઑવ્ ઍન્જિયોસ્પર્મ્સ) ગ્રંથમાં વર્ગીકરણની સંપૂર્ણ પદ્ધતિ પ્રસિદ્ધ કરી. 1969માં ‘સપુષ્પ વનસ્પતિઓ : ઉદભવ અને વિકિરણ’ એ તેમના રશિયન ગ્રંથનો ક્યૂ બૉટનિકલ ગાર્ડનના ચાર્લ્સ જૅફરીએ અંગ્રેજીમાં કરેલો અનુવાદ ‘ફ્લાવરિંગ પ્લાન્ટ્સ – ઑરિજિન ઍન્ડ ડિસ્પર્સલ’ પ્રકાશિત કર્યો. ત્યારબાદ તેમની ખ્યાતિ વિશ્વભરમાં વ્યાપી ગઈ. સંશોધનાત્મક અવલોકનોને આધારે બનાવેલું વર્ગીકરણ વધારે સચોટ અને ઉત્ક્રાંતિનાં વલણોને અનુરૂપ બન્યું. વનસ્પતિશાસ્ત્રનાં વિવિધ ક્ષેત્રોમાં થયેલાં સંશોધનોનાં તારણોને અનુસરી 1980માં ‘બૉટનિક્લ રિવ્યૂ’માં ઉત્ક્રાંતિ-આધારિત વર્ગીકરણ પ્રસિદ્ધ કર્યું, જે પ્રશંસા પામ્યું અને ક્રૉન્ક્વિસ્ટ, ડહાલગ્રેન અને બેનસન જેવા વર્ગીકરણ-વિજ્ઞાનીઓએ આ વર્ગીકરણને પાયારૂપ ગણી પોતાની વર્ગીકરણની પદ્ધતિઓ પ્રસિદ્ધ કરી. આ સામયિકમાં ‘સપુષ્પ : વનસ્પતિઓ’ મેગ્નોલિયોફાઇટાના વર્ગીકરણની રૂપરેખામાં પ્રકાશિત થયેલું વર્ગીકરણ અત્યંત આધુનિક, પરિપૂર્ણ તથા ઉત્ક્રાંતિને અનુરૂપ ગણવામાં આવે છે.

તેમની વર્ગીકરણપદ્ધતિ જર્મન ઉત્ક્રાંતિવિદ હાન્સ હૉલિયર પર આધારિત છે. તેમણે મેગ્નોલિયોફાઇટા વિભાગને મેગ્નોલિયોપ્સિડા અને લીલિયોપ્સિડા – એમ બે વર્ગમાં વર્ગીકૃત કર્યો. આ વર્ગીકરણમાં મેગ્નોલિયોપ્સિડામાં 7 ઉપવર્ગો, 20 ઉપરિગોત્રો, 71 ગોત્ર અને 343 કુળનો અને લીલિયોપ્સિડામાં 3 ઉપવર્ગો, 8 ઉપરિગોત્રો, 21 ગોત્રો અને 77 કુળનો સમાવેશ કરવામાં આવેલો છે.

તેમના મતાનુસાર મેગ્નોલિયોફાઇટાની ઉત્પત્તિ બેનેટાઇટેલ્સ જેવા અશ્મીભૂત અનાવૃત્ત બીજધારી પૂર્વજમાંથી થઈ છે. આવૃત્તબીજધારીમાં દ્વિદળી (મેગ્નોલિયોપ્સિડા) પ્રાથમિક પ્રકારની છે; જ્યારે એકદળી (લીલિયોપ્સિડા) ઉન્નત પ્રકારની છે. લીલિયોપ્સિડાની ઉત્પત્તિ મેગ્નોલિયોપ્સિડાના ગોત્ર નિમ્ફિએલ્સમાંથી થઈ છે.

જૈમિન વિ. જોશી