તકલામાકાન : ચીનની વાયવ્ય દિશાએ સિંકયાંગ પ્રાંતમાં આવેલું એશિયાનું સૌથી સૂકું રણ. ભૌગોલિક સ્થાન : 39° ઉ. અ. અને 83° પૂ. રે.. તેનું ક્ષેત્રફળ 6,48,000 કિમી. છે.
તેની ઉત્તરે ટીએનશાન ગિરિમાળા, દક્ષિણે કુનલુન ગિરિમાળા અને પશ્ચિમે પામીરની ગિરિમાળા છે. પૂર્વ તરફ ચીનનો કીંધાઈ પ્રાંત છે. તેની વચ્ચેથી તારીમ નદી વહે છે જે લોપનારના ખારા સરોવરમાં સમાઈ જાય છે. રણની સપાટી ઉપર ચમકતી રેતી છે. રેતીના ઢૂવા વાતા પવનને લીધે ખૂબ ગતિથી સરકતા રહે છે. તારીમ ઉપરાંત ત્યાં કાશ્ગર, હોનાન અને કરકન નદીઓ છે. ઝરણાંએ ખેંચી લાવેલા નિક્ષેપથી વાયવ્ય અને નૈર્ઋત્ય ભાગમાં રણદ્વીપો બનેલા છે.
અહીંની આબોહવા વિષમ છે. ઉનાળો અને શિયાળો સખત હોય છે. ઉનાળામાં સરેરાશ તાપમાન 38° સે. અને શિયાળામાં સરેરાશ તાપમાન 9° સે. થઈ જાય છે. ઉનાળામાં વધુમાં વધુ તાપમાન 45°–48° સે. રહે છે. આ રણ પર્વતોથી ઘેરાયેલું હોય છે. તેથી ચોમાસાના ભેજવાળા પવનો અંદરના ભાગ સુધી પહોંચતા નથી. વચ્ચેનો ભાગ નિર્જન અને સાવ સૂકો છે. ક્યારેક વરસાદનાં ઝાપટાં પડે ત્યારે ટમારિસ્ક ઘાસ ઊગી નીકળે છે. રણદ્વીપમાં જ્યાં પાણીની સગવડ હોય છે ત્યાં અનાજ, ચણા, કપાસ તથા બી વિનાની દ્રાક્ષ ઊગે છે. રણદ્વીપની જમીન ફળદ્રૂપ છે.
આ પ્રદેશમાં હરણ, જંગલી ભુંડ, વરુ અને શિયાળ વગેરે પ્રાણીઓ છે. પાળેલાં પ્રાણીઓમાં ઊંટ અને ઘોડા, બકરાં અને ઘેટાં છે.
લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. રણદ્વીપો સિવાય અન્યત્ર ખેતી થતી નથી. લોકો તુર્ક જાતિના છે. ચીનથી ભારત આવવાનો ‘સિલ્ક રૂટ’ આ પ્રદેશમાંથી પસાર થાય છે. ઇટાલિયન પ્રવાસી માર્કોપોલોએ કાશ્ગર અને હોનાનની મુલાકાત લીધી હતી. તારીમ ખીણના પ્રદેશમાંથી પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. ઇસ્લામના આગમન પૂર્વે અહીં બૌદ્ધ ધર્મની બોલબાલા હતી. આ પ્રદેશમાંથી ચાંદીના જેવી ખનિજો મળી આવવાની શક્યતા છે. રણદ્વીપોમાં વસ્તી પાંખી છે.
શિવપ્રસાદ રાજગોર