ડ્રેબલ, માર્ગરેટ

January, 2014

ડ્રેબલ, માર્ગરેટ (જ. 5 જૂન 1939, શેફીલ્ડ, સાઉથ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ સ્ત્રી-નવલકથાકાર. કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ, ‘અ સમર બર્ડ-કેજ’ (1963), ‘ધ ગેરિક ઇયર’ (1964), ‘જેરૂસલેમ ધ ગોલ્ડન’ (1967), ‘ધ વૉટર ફૉલ’ (1969), ‘ધ રેડિયન્ટ વે’ (1987) વગેરે કૃતિઓમાં તેમણે મુખ્યત્વે વ્યક્તિની આસપાસ પ્રસરતા રૂઢિબદ્ધ અને નકારાત્મક વાતાવરણ સામેની તેની અથડામણને આલેખી છે.

સર્જનાત્મક સાહિત્ય ઉપરાંત તેમણે વર્ડ્ઝવર્થ અને આર્નલ્ડ બેનેટ જેવા સર્જકો વિશે વિવેચન લખ્યું છે. તેમણે ‘ધી ઑક્સફર્ડ કંપેનિયન ટુ ઇંગ્લિશ લિટરેચર’ની પાંચમી આવૃત્તિનું સંપાદન કર્યું છે (1984) તેમજ ઇંગ્લૅન્ડની બ્રિટિશ કાઉન્સિલ તેમજ અન્ય સાંસ્કૃતિક સંસ્થાઓ માટે વ્યાખ્યાનો વગેરે વિવિધ પ્રવૃત્તિઓ કરી છે. તેમણે ‘ધ સેવન સિસ્ટર’ (2002), ‘ધ રેડ ક્વીન’ (2004), ‘ધ સી લેડી’ (2006), ‘ધ પ્યૉર ગોલ્ડ બેબી’ (2013) નવલકથાઓ લખેલી છે.

2006માં યુનિવર્સિટી ઑવ્ કેમ્બ્રિજે માનાર્હ ડી.લિટ્.ની પદવી આપી 2011માં ગોલ્ડન પેન ઍવૉર્ડ તેમને એનાયત થયો.

દિગીશ મહેતા