ડ્રેસડેન : જર્મનીના પૂર્વ તરફના વિસ્તારમાં આવેલું ઐતિહાસિક શહેર અને  તે જ નામ ધરાવતા જિલ્લાનું વહીવટી  મથક. તે બર્લિન શહેરની દક્ષિણે 177 કિમી.ના અંતરે આવેલું છે. એલ્બ નદીના બંને  કાંઠા પર વસેલા આ શહેરની વસ્તી 5,12,200 (2008) છે. દેશના અગ્નિ ખૂણામાં ચેકોસ્લોવેકિયાની સરહદ પર આવેલું આ શહેર અણુસંશોધન અને દવાસંશોધનનું મહત્વનું કેન્દ્ર છે.

અહીં યંત્રસામગ્રી, હવાઈ જહાજ, વીજળીનાં સાધનો, પ્રિસિશન ઉપકરણો તથા કાપડ અને ચિનાઈ માટીનાં વાસણ બનાવવાના ઉદ્યોગોનો વિકાસ થયો છે. પ્રાગ અને હૅમ્બર્ગ વચ્ચેના આવાગમનમાં જળમાર્ગ તરીકે તેનો બહોળો ઉપયોગ થાય છે.

સ્લાવિક મૂળના આ શહેરનો સર્વપ્રથમ ઉલ્લેખ 1206માં થયો હતો. 1485થી તે સમ્રાટોના નિવાસ તરીકે જાણીતું બનેલું. ઓગણીસમી સદીમાં સેક્સૉની રાજ્યના અસ્તિત્વ દરમિયાન અને તે પછી 1918 સુધી તે એક ભવ્ય પાટનગર તરીકે ખ્યાતિ પામેલું. બીજા વિશ્વયુદ્ધ પહેલાં કળા અને સંસ્કૃતિના ધામ તરીકે તે વિખ્યાત બન્યું હતું. કલા અને સાહિત્ય ઉપરાંત બરોક સ્થાપત્યશૈલીનો તે ઉત્કૃષ્ટ નમૂનો ગણાતું. ઝવીંગર શાહી મહેલ અને સીંપર ગૅલરી સિદ્ધ ચિત્રકારોનાં ચિત્રો માટે તથા પૉર્સલિન અને ચિનાઈ માટીની કારીગરીની બેનમૂન કૃતિઓ માટે તે ખ્યાતિ પામેલું. તેથી જ તે એલ્બ નદી ઉપરના ફ્લૉરેન્સ તરીકે ઓળખાતું. બીજા વિશ્વયુદ્ધમાં થયેલા શહેરના ભારે વિનાશ પછી ઑપેરાહાઉસ, ગૅલરી અને શાહી મહેલનું ખૂબ ચીવટપૂર્વક સમારકામ કરી 1985માં આમજનતા માટે ખુલ્લાં મૂકવામાં આવ્યાં છે.

નિયતિ મિસ્ત્રી