ડ્રેટન માઇકેલ

January, 2014

ડ્રેટન માઇકેલ (જ. 1563, હાર્ટશિલ; અ. 23, ફેબ્રુઆરી 1631, વૉરવિકશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ કવિ. તે બૅન જૉનસન અને વિલિયમ ડ્રમન્ડ જેવા સમકાલીન લેખકોના વર્તુલમાં સક્રિય હતા. જીવન દરમિયાન તેમને બહુ સંપત્તિ કે સફળતા પ્રાપ્ત ન થયાં, પણ વેસ્ટમિન્સ્ટર ઍબીમાં તેમનું સુંદર સ્મારક સમાવાયું છે, જે તે સમયના ઉમરાવવર્ગમાં તેમની સ્વીકૃતિનું પ્રતીક છે. તેમનું સર્વપ્રથમ પુસ્તક ‘ધ હાર્મની ઑવ્ ધ ચર્ચ’ (1591); તેમાં બાઇબલના ફકરાનું કાવ્યરૂપાંતર કરવામાં આવ્યું હતું અને તેથી સત્તાવાળા રોષે ભરાયા હતા. તેમજ તેનો નાશ કરવો જોઈએ એમ કહી વખોડી કાઢ્યું હતું.

છુટ્ટે હાથે લખતા રહેલા અને પોતાની જ કૃતિઓને વારંવાર મઠારી વિવિધ સમયે પુન: પ્રકાશિત કરતા રહેલા આ કવિએ ઐતિહાસિક સ્થળવિશેષ અને ધાર્મિક વસ્તુવાળી ઓડ, સૉનેટ અને સેટાયર – એમ સંખ્યાબંધ સ્વરૂપોમાં રચાયેલી કૃતિઓ પ્રકાશિત કરી. આમાં ‘આઇડિયા’ નામનો સૉનેટ-ગુચ્છ 1619, ‘ધ શેફર્ડ્ઝ ગાર્લેન્ડ’ (1619) નામનો ગોપજીવન વર્ણવતો કાવ્યસંગ્રહ અને ઇંગ્લૅન્ડનાં વિવિધ સ્થળવિશેષને સાંકળી લેતી દીર્ઘ કાવ્યકૃતિ ‘પૉલિઑલ્બિઓન’ (1612–1622) મુખ્ય છે.

દિગીશ મહેતા