ડ્રેજર : નહેર, નદી કે બારામાંથી કાંપ, રેતી, પથ્થર વગેરે ખોદી કાઢી ઊંડાણ વધારવા માટે વપરાતું વિશિષ્ટ જહાજ. જહાજ સરળતાથી બારામાં પ્રવેશી શકે તે માટે કાંપ વગેરે ખોદી કાઢી જળનું ઊંડાણ વધારવાની અને ત્યારબાદ તે ઊંડાણ જાળવી રાખવાની જરૂર પડે છે. પહેલી ક્રિયાને પ્રાથમિક તળકર્ષક (dredging) અને બીજી ક્રિયાને દેખભાળ કે યથાવત્ સ્થિતિ જાળવી રાખતું તળકર્ષણ કહે છે.
મધ્યયુગમાં કાંપ વગેરે ખસેડવાની ક્રિયા હાથ, બળદ કે ઘોડાનો ઉપયોગ કરીને કરવામાં આવતી હતી. હાલ આ કાર્ય વરાળ, ડીઝલ અને વીજળીથી ચાલતાં યંત્રો દ્વારા થાય છે. વરાળયંત્ર, આંતરિક દહન (internal combustion) એંજિન, દ્રવચલવિદ્યા પ્રણાલી (hydraulic system), ન્યુમૅટિક સિસ્ટમ વગેરેનો સંચાલન માટે ઉપયોગ કરે છે.
ડ્રેજર યાંત્રિક અને દ્રવસંચાલિત એમ બે પ્રકારનું હોય છે. યાંત્રિક ડ્રેજર રહેંટ, ગ્રાહ (grab) અને ડીપર પ્રકારનું હોય છે. દ્રવસંચાલિત ડ્રેજર પદાર્થને ચૂસીને દૂર કરે છે.
રહેંટ : આ પ્રકારની ડ્રેજરમાં ડોલચાની શ્રેણી સીડી સાથે સંલગ્ન હોય છે તેથી આ પ્રકારની ડ્રેજર ડોલ સીડીવાળી ડ્રેજર તરીકે ઓળખાય છે. ડોલચામાંનો કાંપ વગેરે પદાર્થ ડ્રેજરના નાળચામાં કે નાલીમાં નાખવામાં આવે છે. ડોલચાની ધાર મૅંગેનીઝ સ્ટીલની હોવાથી ઘસારો ઓછો લાગે છે. હાલ તેનું સંચાલન ઇલેક્ટ્રિક મોટરથી થાય છે.
ગ્રાહ ડ્રેજર : આ ડ્રેજર મુખ્યત્વે ઊંટડા કે બહાર નીકળતા બૂમમાંથી (સઢની નીચેની કાઠી) નીકળતી સાંકળ કે કેબલ સાથે લટકાવેલ ગ્રાહ ડોલની બનેલી હોય છે. જ્યારે વજનદાર ગ્રાહને નીચે ઉતારવામાં આવે છે ત્યારે તે પાણીની અંદર નીચે રહેલાં કાંપ, રેતી વગેરને ખોદે છે. ત્યારબાદ તેને ઉપર ખેંચી લેવાતાં કાંપ, રેતી વગેરેને પોતાના નાળચામાં કે સહાયક નાળચામાં નાખે છે. આ ડ્રેજરમાં ડ્રેજર પોન્ટુન ઉપર તળિયું ખોદવા માટે એકથી ચાર સુધીના વિવિધ ઊંટડાઓનો ઉપયોગ થાય છે. સાંકળની જગ્યાએ તારનાં દોરડાંનો ઉપયોગ થાય છે. ગ્રાહ ઊંટડાઓ વરાળ, ડીઝલ-એંજિન કે વીજળીથી ચાલે છે. સખત પદાર્થના ખોદાણ માટે ગ્રાહને દાંતા જડવામાં આવે છે. ખડકો ઊંચકવા બહુગ્રાહી(poly grab)નો ઉપયોગ થાય છે. ડ્રેજરના ડેક ઉપર ઊંટડા રખાય છે. દરિયાના નરમ અને સખત તળિયાના ખોદકામ માટે ગ્રૅબ ડ્રેજરનો ઉપયોગ થાય છે.
ડીપર ડ્રેજર : કઠણ પદાર્થ, પરવાળાના ખડકો વગેરેને ખોદવા તેનો ઉપયોગ થાય છે. આમાં બૂમની આરપાર ખસતો ભુજ (arm) મુખ્ય ભાગ છે. તેના વડે ડ્રેજરનો સંચાલક ડીપરની ઊભી તથા આડી હિલચાલનું નિયંત્રણ કરે છે. ડ્રેજિંગ કરતી વખતે ડીપરને સાગરના તળિયામાં બળપૂર્વક જોરથી ખોસવામાં આવે છે. પછી ડીપરને ઉપર ઊંચકવામાં આવે છે. અને ખોદાઈને ભેગો થયેલો કાંપ નજીકના બાર્જમાં કે પડતર ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવે છે.
ડીપર ડ્રેજરમાં આગળની બાજુએ બે અને પાછળ કેન્દ્રમાં વચ્ચે એક ખનિત્ર (spade) બીમ કે સ્ટીલ પ્લેટના નળાકાર રૂપે હોય છે. તે ડ્રેજરના માળખાની ખાંચમાં બાજુએ ઊભું ખોદી શકે છે. તેનું સંચાલન ગરગડીથી થાય છે. ખનિત્ર ડ્રેજરને સ્થિર રાખે છે. તેને લીધે મોજા કે પ્રવાહને કારણે ડ્રેજર અસ્થિર બનતો નથી કે કાંપ ઉલેચવામાં અડચણ થતી નથી. આગળ રહેલા બે ખનિત્ર વહાણને સ્થિર પ્લૅટફૉર્મ પર ટેકવે છે જેથી તેના ઉપર કામ થઈ શકે છે. પાછળનું ખનિત્ર ડ્રેજર આગળ ગતિ કરે ત્યારે તેને અનુસરે છે. સામાન્ય રીતે આ ડ્રેજર નાળચા વિનાનું ગતિહીન હોય છે. રેતીનું ઘટ્ટ પડ અને ઢગલો (conglomerate) તોડવા શૈલભંજક(rock-breaker)નો ઉપયોગ થાય છે.
દ્રવસંચાલિત ડ્રેજર : આ ડ્રેજર દ્વારા દરિયાતળના કાંપ વગેરેનું ખોદકામ વિદ્યુત-પાવડાથી થાય છે અને તેનું સંચાલન અપકેન્દ્રી (centrifugal) પંપ દ્વારા પરિવહનની સળંગ ક્રિયા રૂપે થાય છે. રેતી ઉલેચવાનો પંપ સીડીને છેડે રહેલ પદાર્થને ખેંચવાનું કામ કરે છે. પદાર્થ ઢીલો હોય તો સરળતા રહે છે. રેતીનું પડ ઘટ્ટ હોય તો રોટરી કર્તક (cutter)નો ઉપયોગ થાય છે. આ પ્રકારનું ડ્રેજર ચૂસણ-ડ્રેજર તરીકે પણ ઓળખાય છે. પદાર્થને બહાર કાઢવા માટે નાળચા કે પાવડા જેવાં સાધનો અને માટીને લઈ જવા તથા ઉદ્ધરણ (reclamation) માટે પાઇપનો ઉપયોગ થાય છે. ભારત સરકાર ડ્રેજરોનો સ્વતંત્ર એકમ નિભાવે છે.
શિવપ્રસાદ રાજગોર