ડ્રેકો (ઈ. પૂ. સાતમી સદી) : ઍથેન્સમાં પ્રથમ લેખિત કાયદાસંગ્રહ દાખલ કરનાર કાનૂન-નિર્માતા. ઍથેન્સમાં ઈ. સ. પૂ. સાતમી સદીમાં લેખિત કાયદા દ્વારા દેવાદાર ખેડૂતોને રક્ષણ આપવા અને પ્રજા પર કરવામાં આવતા જુલમો રોકવા, ડ્રેકો નામના ઉમરાવને આર્કનપદે નીમવામાં આવ્યો. હમણાં સુધી ઍથેન્સમાં માત્ર ઉમરાવવર્ગનાં હિતોને અનુલક્ષીને અલિખિત એવી ન્યાયપ્રથા અનુસરવામાં આવતી હતી. પરંતુ ડ્રેકોએ ઈ. સ. પૂ. 621માં ઍથેન્સનો પ્રથમ લેખિત કાયદા-સંગ્રહ ઘડ્યો. તેણે ઘડેલા બધા જ કાયદાનો સંગ્રહ અપ્રાપ્ય છે, પરંતુ તેના ફોજદારી કાયદા ત્યાર પછી સોલોને પણ અપનાવ્યા હતા. ડ્રેકોના ફોજદારી કાયદા ઘણા કડક હતા. સામાન્ય વસ્તુની ચોરી બદલ ઘણી આકરી સજા કરવામાં આવતી. કોબીજની ચોરી માટે મોતની સજા કરવામાં આવતી. કોઈ ખૂનના ગુનામાં, મૃત્યુ આકસ્મિક રીતે થયું છે કે ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું છે તે જાણ્યા બાદ ગુના અનુસાર સજા કરવામાં આવતી. આ કાયદાસંગ્રહ દ્વારા પ્રથમ વાર ખૂનીને સજા કરવાની જવાબદારી ઍથેન્સની સરકારની બની. તે પહેલાં ખૂની ગુનેગારને સજા કરવાની જવાબદારી ગુનાનો ભોગ બનનારના કુટુંબની રહેતી હતી. પરિણામે લોહિયાળ કૌટુંબિક ઘર્ષણો થતાં હતાં.
ન્યાય આપવા માટે ડ્રેકોએ ઉમરાવોની બનેલી, ન્યાયાધીશોની એક સમિતિ નીમી હતી. ઍથેન્સમાં આળસુ બેસી રહે તેમના માટે પણ સજા નક્કી કરવામાં આવી હતી. ડ્રેકોએ બંધારણીય સુધારા કરીને નવા વેપારી વર્ગને મતાધિકાર આપ્યો. પોતાના ખર્ચે શસ્ત્રો પૂરાં પાડી શકે એવા ધનિકોનો જ તેમાં સમાવેશ થતો હતો. તેથી આર્કનપદે ચૂંટાવાની નવા શ્રીમંત વર્ગને યોગ્યતા પ્રાપ્ત થઈ. તે સમયને ધ્યાનમાં લેતાં ડ્રેકોના સુધારા પ્રગતિશીલ હતા. તેના કાયદાથી ઍટિકાના પ્રદેશમાં વ્યવસ્થા સ્થાપી શકાઈ તથા જમીનદારોની અસીમ ક્રૂરતા નિયંત્રિત થઈ. શક્તિશાળી લોકો દ્વારા નિર્બળોના થતા શોષણમાં ઘટાડો થયો અને ગુનાઓનું પ્રમાણ ઘટ્યું.
ડ્રેકોના ઘણાખરા કાયદા કડક હતા. તેથી આજે પણ કઠોર કાયદાને ડ્રેકોનિયન કાયદો કહેવામાં આવે છે. જોકે ડ્રેકોના કાયદાથી ગરીબ દેવાદાર ખેડૂતોનાં દેવાંને માફ કરવા કે તેમનું શોષણ થતું અટકાવવા કંઈ થયું નહિ. લોકોનો અસંતોષ વધ્યો, તેથી ઈ. સ. પૂ. 594માં આર્કન બનેલા સોલોને તેના મોટાભાગના કાયદા રદ કર્યા. ડ્રેકો તેના કાયદા કરતાં, કાયદાભંગની સજા માટે વધારે જાણીતો બન્યો હતો.
જયકુમાર ર. શુક્લ