ડ્રેક, ફ્રાન્સિસ

January, 2014

ડ્રેક, ફ્રાન્સિસ (જ. 1540/43, તાવિયેસ્ક; અ. 28 જાન્યુઆરી 1596, પોર્ટબેલો, પનામા) : એલિઝાબેથ યુગનો ઇંગ્લૅન્ડનો રાષ્ટ્રવીર, કાબેલ નૌકાધિપતિ અને પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર પ્રથમ અંગ્રેજ વહાણવટી. તેનો જન્મ ચુસ્ત પ્રૉટેસ્ટન્ટ પંથી અને કૅથલિકવિરોધી ખેડૂત પિતાને ત્યાં થયો હતો.

તેર વરસની વયે એપ્રેન્ટિસ તરીકે સમુદ્રની ખેપમાં જોડાયેલ. તે 1566માં કેપ વર્ડે તથા દક્ષિણ અમેરિકા વચ્ચેના ગુલામોના વેપાર અર્થેની સફરમાં અને 1567માં જુઆન દ ઉલુઆની નિષ્ફળ ચડાઈમાં જોડાયો. તેમાં. અચાનક સ્પૅનિશ હુમલાને કારણે ઘણા માણસો માર્યા ગયા હતા. 1572માં રાણી તરફથી સ્પેનનાં વહાણો અને દક્ષિણ અમેરિકાનાં સ્પૅનિશ સંસ્થાનો લૂંટવામાં તેણે ભાગ લેતાં તેને સોનું, રૂપું વગેરે ઘણું ધન મળ્યું. 13મી ડિસેમ્બર, 1577ના રોજ 160 માણસો અને પેલિકન (ગોલ્ડન હિંદ) સહિત પાંચ વહાણો લઈને તે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળ્યો. રસ્તામાં પોર્ટુગીઝ વહાણોને લૂંટ્યાં ને એક વહાણ કબજે કર્યું. દક્ષિણ અમેરિકાના પૂર્વ કિનારે તોફાનમાં તેનાં વહાણો સપડાયાં. મેગેલનની સામુદ્રધુની પાર કરી તેણે ચીલી અને પેરુના કિનારે આવેલાં શહેરો તથા વહાણો લૂંટ્યાં. ઉત્તર તરફ હાલના સાન ફ્રાન્સિસ્કોના સ્થળે પહોંચી તે પ્રદેશનો ઇંગ્લૅન્ડની રાણીને નામે કબજો લઈને તે સૂચવતી તકતી મૂકી. ત્યાંથી ફિલિપાઇન્સ, સેલિબિસ, જાવા થઈને કેપ ઑવ્ ગુડ હોપને રસ્તે 26મી સપ્ટેમ્બર, 1580ના રોજ તે ઇંગ્લૅન્ડ પહોંચ્યો. આ સાહસ બદલ તેને ઉમરાવપદ મળ્યું હતું. 1581માં તે પ્લીમથનો મેયર અને 1585માં પાર્લમેન્ટનો સભ્ય બન્યો.

ફ્રાન્સિસ ડ્રેક

1585માં 25 યુદ્ધજહાજો અને 2000 માણસોના કાફલા સાથે ઍટલાન્ટિક સમુદ્ર ઓળંગી સ્પૅનિશ સંસ્થાનોમાં આવેલાં કાર્ટેજીના વગેરે શહેરો તેણે લૂંટ્યાં. 1587માં કેડીઝમાં પડેલા સ્પૅનિશ નૌકાકાફલાનાં વહાણોનો નાશ કર્યો. 1588માં અજેય ગણાતા સ્પૅનિશ આર્મેડાનો હુમલો ખાળીને તેને ગ્રેપ લાઇન્સના યુદ્ધમાં નામોશીભરી હાર આપી. સ્પેનના દરિયા ઉપરના પ્રભુત્વને ફટકો માર્યો. 1589માં ડ્રેકે લિસ્બન ઉપર ચડાઈ કરી પણ તેમાં તેને નિષ્ફળતા મળી અને હજારો માણસો મરણ પામ્યા. આ હારથી છ વરસ સુધી ડ્રેક કામગીરી વિના રહ્યો. 1595માં ડ્રેક અને હૉકિન્સ દક્ષિણ અમેરિકામાં સંસ્થાનો લૂંટવા ગયા પણ સ્પૅનિશ લોકોએ સામનો કરતાં નિષ્ફળતા મળી. આ યુદ્ધમાં હૉકિન્સનું મરણ થયું અને પનામાના પૉર્ટ બેલો નજીક ડ્રેકનું મરડાથી મરણ થયું. ડ્રેકનાં સાહસોથી ઇંગ્લૅન્ડની સાગર ઉપરની સત્તાનો પાયો નખાયો અને તે મહાસત્તા બન્યું.

શિવપ્રસાદ રાજગોર