ડોમિનિકા : કૅરિબિયન સમુદ્રમાંનો એક નાનો  ટાપુ અને સ્વતંત્ર દેશ.

ભૌગોલિક સ્થાન : 15° 30´ ઉ. અ. અને 61° 20´ પ. રે..  વેનેઝુએલાના કિનારાથી 515 કિમી. અંતરે તે આવેલો છે. એક જમાનામાં બ્રિટનનું  રક્ષિત રાજ્ય હતું. હાલ રાષ્ટ્રકુટુંબનો સદસ્ય દેશ છે. ડોમિનિકા ટાપુ એ જ્વાળામુખી પર્વતોની બનેલી પહાડી ભૂમિ પર આવેલ છે. આ પર્વતમાળા જંગલોથી  છવાયેલી અને ઉત્તરથી દક્ષિણ તરફ પથરાયેલી છે, જે મોરને ડાયબ્લોટીન (આશરે 1447મી) પાસે પૂરી થાય છે. તેના વચગાળે મેદાન આવેલું હોઈને તે ખંડિત છે. આ વિસ્તારમાં  પશ્ચિમે  વહેતી તેઓયુ નદી તેમજ પૂર્વમાં વહેતી પગુઆ અને કેસેલબ્રુસ નદીઓ આવેલી  છે. આ સિવાય પણ કેટલીક અન્ય નદીઓ અને ઝરણાં છે.

ટાપુની ઉત્તરે  ફ્રેંચ ટાપુઓ ગ્વાડેલુપ અને દક્ષિણે માર્ટિનિક, તેની પૂર્વ બાજુએ ઍટલેન્ટિક મહાસાગર અને પશ્ચિમ બાજુએ કૅરિબિયન સમુદ્ર તથા લીવર્ડ ટાપુઓ આવેલા છે. આ ટાપુનું ક્ષેત્રફળ 790 ચોકિમી. છે. તેની લંબાઈ લગભગ 47 કિમી. અને પહોળાઈ 16 કિમી છે. તેની વસ્તી 71,293 (2011) છે. આ ટાપુમાં મુખ્યત્વે  અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા બોલાય છે. મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે.

ડોમિનિકાની આબોહવા ગરમ છે. સરાસરી તાપમાન આખા વર્ષ દરમિયાન 26° સે.થી 32° સે. જેટલું રહે છે. ટાપુ પર વરસાદનું પ્રમાણ વધુ રહે છે. પર્વતીય વિસ્તારોમાં સરાસરી 6250 મિમી. જેટલો અને કિનારાઓ પર 1750 મિમી. જેટલો વરસાદ પડે છે.

ડોમિનિકામાં  આવેલા જ્વાળામુખી પર્વતો લગભગ મૃત કે સુષુપ્ત અવસ્થામાં છે, પણ ટાપુની દક્ષિણે આવેલું ગરમ પાણીનું સરોવર અને ગરમ પાણીના ઝરા એ વાતની સાક્ષી પૂરે છે કે આ ટાપુ પર જ્વાળામુખીય અસરો હજુ પણ ચાલુ છે. ટાપુ  પર જ્વાળામુખીયુક્ત ભૂપૃષ્ઠ હોવાને કારણે જમીન ફળદ્રુપ છે અને ગાઢાં ઉષ્ણકટિબંધી જંગલો વિપુલ પ્રમાણમાં આવેલાં છે.

ટાપુ પર પક્ષીજીવન ઘણું સમૃદ્ધ છે. 135 જાતનાં વિવિધ પક્ષીઓ  તેના પર જોવા મળે છે; જેમાં પોપટ, ભૂરા માથાવાળાં હમિંગબર્ડ, ટ્રેમ્બલર, ઇગ્વાના, ઓપોસમ, અગુતી અને  ચામાચીડિયાં વગેરેનો સમાવેશ થાય છે.

ડોમિનિકા ટાપુ પર મોટા ભાગની પ્રજા આફ્રિકી જાતિની અને અમેરિકી તથા યુરોપીય મિશ્રવંશી  છે. આ ઉપરાંત અન્ય નાનાં જૂથો યુરોપીય અને એશિયાઈ વંશી છે. ડોમિનિકાના પહેલા વસાહતીઓ મુખ્યત્વે ફ્રેન્ચ આદિ યુરોપી હતા. આને કારણે બોલાતી ભાષા ફ્રેન્ચ ‘પેત્વા’ છે. દેશની રાજ્યભાષા અંગ્રેજી છે અને તેનો ઉપયોગ વિશેષ થાય છે. મોટાભાગના લોકો રોમન કૅથલિક ધર્મના છે. આ દેશનું પાટનગર રોઝીઉ છે. તે દેશનું મોટામાં મોટું શહેર છે. પૉર્ટસ્મથ ત્યાંનું બીજા નંબરનું મોટું શહેર છે.

1970થી ડોમિનિકાનો વિકાસ ઝડપી થયો, તેનું કારણ દેશના મૃત્યુ-દરનો ઝડપી ઘટાડો છે. મોટાભાગના ટાપુવાસીઓ ગ્રામવિસ્તારોમાં રહે છે અને ખેતીકામ કરે છે.

ડોમિનિકા કૅરિબિયન દેશોમાં સૌથી ગરીબ રાષ્ટ્રોમાંનું એક છે. 1970 સુધીનાં વર્ષોમાં આર્થિક રીતે નબળી પરિસ્થિતિ, ઉત્પાદનોનું ઘટતું જતું પ્રમાણ, ખાનગી મૂડીનું ઘટેલું રોકાણ અને 1979 ને 1980માં વાવાઝોડાએ વેરેલા મહાવિનાશે પરિસ્થિતિને વધુ વણસાવી હતી. 1980 પછી યુ.કે., યુ.એસ. અને સંયુક્ત રાષ્ટ્રોની  મદદને લીધે પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે.

ડોમિનિકાનો મુખ્ય પાક કેળાં છે, જેની બહારના દેશોમાં  મોટે પાયે નિકાસ થાય છે. આ ઉપરાંત ખેડૂતો ગ્રેપફ્રૂટ, લીંબું, સંતરાં અને શાકભાજીની ખેતી કરે છે. નારિયેળ એ અહીંનું મહત્વનું ફળ છે. તેથી કોપરાં, કોપરેલ અને સાબુના ઉદ્યોગો વિકસ્યા છે.

ખેતી-આધારિત અન્ય ઉદ્યોગોમાં ફળોનો રસ કાઢવાનો તથા દારૂ ગાળવાનો ઉદ્યોગ નોંધપાત્ર છે.

કેટલાક હસ્તઉદ્યોગો પણ અગત્યના છે. સ્થાનિક ઉદ્યોગોમાં જેવા કે બહારથી આયાત કરેલી તમાકુમાંથી સિગારેટ બનાવવાના તથા દેશનાં એકમાત્ર જાણીતા ખડક પુમિસનું ખોદકામ કરવાના ઉદ્યોગોનો સમાવેશ થાય છે.

દેશમાં પશુપાલનનો વ્યવસાય પ્રાથમિક અવસ્થામાં છે. એ જ રીતે મત્સ્ય-ઉદ્યોગ પણ બહુ જ થોડા પ્રમાણમાં ચાલે છે. દેશના ઔદ્યોગિક વિકાસ માટે 1974માં ઔદ્યોગિક વિકાસ કૉર્પોરેશનની સ્થાપના કરાઈ છે. દેશના નિકાસ માટે સ્ટીમરો ઊંડાં પાણીમાં લાંગરી શકે તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મુખ્ય નિકાસ કેળાં, નારિયેળ, કોપરેલ તથા ફળોનો રસ છે. જ્યારે મુખ્ય આયાતી ચીજોમાં અનાજ, ધાતુઓ અને તૈયાર માલનો સમાવેશ થાય છે.

ડોમિનિકાનું સમૃદ્ધ પર્યાવરણ અને શાંત આબોહવાને કારણે ટાપુ પર પર્યટન-ઉદ્યોગને વિકસાવવાની ઘણી શક્યતાઓ છે. ટાપુ પર કલુષિત થયા વગરના વિશાળ વિસ્તાર તેના અદભુત કિનારા અને નૌવિહાર અને માછીમારીની સગવડને લીધે સહેલાણીઓને આકર્ષિત કરે છે. એ જ રીતે 1975માં બનાવેલો નૅશનલ પાર્ક પણ પર્યટકોને માટે મહત્વનું સ્થાન છે.

ઈસ્ટ કૅરિબિયન ડૉલર ડોમિનિકાનો નાણાનો મુખ્ય એકમ છે.

સ્ટીમરો પાટનગર રોઝીઉ પાસે આવેલા બંદરે આવે છે. અહીંનું મુખ્ય વિમાનમથક ‘મેલવિલ હૉલ’ રોઝીઉથી આશરે 64 કિમી. દૂર છે. 1982માં રોઝીઉથી આશરે 4.8 કિમી. દૂર બીજું વિમાનમથક કોનફીલ્ડ ખુલ્લું મુકાયું છે. દેશમાં આશરે 604 કિમી. પાકા અને આશરે 940 કિમી.ના કાચા રસ્તા બાંધવામાં આવેલા છે. દેશમાં રેલવેવ્યવહારનો ખાસ વિકાસ થયેલો નથી.

પાંચથી સોળ વર્ષનાં બાળકોને માટે જ્યાં શક્ય હોય ત્યાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવાયું છે. શાળાઓ સરકાર હસ્તક છે. 61 પ્રાથમિક શાળાઓની સાથે ત્રણ માધ્યમિક શાળાઓ ત્યાં છે. ઉચ્ચ શિક્ષણ આપતી ત્રણ કૉલેજો તથા માધ્યમિક શિક્ષકો માટે ટીચર્સ ટ્રેનિંગ કૉલેજ પણ ત્યાં છે. વેસ્ટ ઇન્ડીઝ વિશ્વવિદ્યાલયની શાખા પણ ડોમિનિકામાં છે.

ટાપુમાં ત્રણ સમાચારપત્રો પ્રકાશિત થાય છે. તેમનો ફેલાવો લગભગ 8500 નકલનો છે.  ડોમિનિકાને પોતાનું સરકારી માલિકીનું રેડિયો-મથક છે તેમજ બારબેડોઝ ટેલિવિઝન પરથી કાર્યક્રમો પ્રસારિત થાય છે. ટાપુને પોતાની દૂરસંચાર-વ્યવસ્થા પણ છે.

ઇતિહાસ : ડોમિનિકાનું શાસન બંધારણ પ્રમાણે ચાલે છે. આ બંધારણ 3 નવેમ્બર, 1978માં દેશના સ્વતંત્રતાના દિવસે અમલમાં આવેલું છે. તે દિવસથી ડોમિનિકા ગણરાજ્ય બન્યું. તે સંસદીય લોકશાહી ધરાવે છે.

દેશના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપતિ છે. અહીંની સંસદમાં 21 સદસ્યો ચૂંટાઈને આવે છે. 1 ઍક્સઑફિશિયો સભ્ય અને બીજા 9 સદસ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય છે, રાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના પ્રતિનિધિઓ કરે છે, જે પાંચ વર્ષ સુધી હોદ્દા પર રહે છે. રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિમણૂક કરે છે. તે પ્રધાનમંડળનું પ્રમુખપદ સંભાળે છે. 18 વર્ષ પૂરાં કર્યાં હોય તેવા નાગરિકોને મતદાનનો અધિકાર  આપવામાં આવેલ છે.

રાષ્ટ્રસમૂહ(કૉમનવેલ્થ)નું સભ્ય ઉપરાંત તે સંયુક્ત રાષ્ટ્રો, અમેરિકન રાજ્યોના મંડળનું અને કૅરિબિયન કૉમ્યુનિટીનું સભ્યપદ ધરાવે છે.

ડોમિનિકાનું રાજ્ય દેશની સામાજિક પરિસ્થિતિ તથા ગરીબાઈ અને અલ્પ વિકાસની પરિસ્થિતિ ઉકેલવા ગંભીર પ્રયત્નો કરે છે. દેશ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની મદદ દ્વારા ઝૂંપડપટ્ટીઓને દૂર કરીને વધારે સારા આવાસો લોકોને મળે તે માટેના કાર્યક્રમોનો અમલ કરે છે. સરકાર લોકોને દવાખાનાં, હૉસ્પિટલો અને પ્રાથમિક સારવારનાં કેન્દ્રો દ્વારા સારી વૈદ્યકીય સેવા પૂરી પાડે છે.

ઈ. સ. 1493માં ક્રિસ્ટૉફર કોલંબસે આ ટાપુ શોધી કાઢ્યો. તેના મૂળ રહેવાસી કરીબ (carib) લોકો હતા; પરન્તુ હાલમાં ત્યાંની વસ્તી આફ્રિકાના ગુલામોના વંશજોની છે. બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે ત્યાં કબજો જમાવવા સંઘર્ષ થયો હતો. અંતે 1783માં બ્રિટને તેના ઉપર સંપૂર્ણ અંકુશ મેળવ્યો. 1805માં તે બ્રિટિશ તાજની વસાહત બન્યું અને 1958થી 1962 સુધી વેસ્ટ ઇન્ડીઝના સમવાયતંત્ર(Federation)નું સભ્ય રહ્યું હતું. 1978માં તેણે રાષ્ટ્રસમૂહના દેશો(Commonwealth of Nations)માં રહીને પ્રજાસત્તાક રાજ્ય તરીકે સંપૂર્ણ સ્વતંત્રતા મેળવી. વેસ્ટ ઇન્ડીઝમાં 1980-1995 દરમિયાન યુજેનિયા ચાર્લ્સ પ્રથમ મહિલા વડાપ્રધાન હતી. 2003માં ડોમિનિકાના પ્રમુખ વર્નોન શૉ હતો. 2 ઑક્ટોબર, 2003થી નિકોલસ લિવરપુલ પ્રમુખ થયો. ઈ. સ. 2000થી ત્યાંનો વડોપ્રધાન પિયર ચાર્લ્સ હતો. તેનું જાન્યુઆરી, 2004માં અવસાન થયું. તે પછી 8 જાન્યુઆરી, 2004થી રૂઝવેલ્ટ સ્કેરીફ વડાપ્રધાન બન્યો. ડોમિનિકાએ ચીન સાથે રાજદ્વારી સંબંધો બાંધ્યા. ઈ. સ. 2005માં ચીને ડોમિનિકામાં સ્પૉર્ટ્સ સ્ટેડિયમ, રસ્તા, શાળાઓ અને દવાખાનાં બાંધી આપવાની જવાબદારી સ્વીકારી. જાન્યુઆરી, 2007માં વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્કેરીફે જણાવ્યું કે 2006માં ડોમિનિકાનો 4 % વિકાસદર ઇન્ટરનેશનલ મૉનેટરી ફંડની મદદને આભારી હતો. માર્ચ, 2009માં ઇન્ટરનેશનલ મૉનેટરી ફંડે ડોમિનિકાને કરવેરા વધારી આર્થિક સ્થિતિ સુધારવા જણાવ્યું.

જયકુમાર ર. શુક્લ

ગિરીશ ભટ્ટ