ડૉમ, જોઆઓ દ કાસ્ટ્રો

January, 2014

ડૉમ, જોઆઓ દ કાસ્ટ્રો (જ. 7 ફેબ્રુઆરી 1500, લિસ્બન; અ. 6 જૂન 1548, ગોવા) : પોર્ટુગીઝોની ર્દષ્ટિએ ગોવાના ખ્યાતનામ ગવર્નરોમાં સૌથી છેલ્લો ગવર્નર (1545–1548). પોર્ટુગીઝોએ ગુજરાતના સુલતાન બહાદુરશાહ સાથે ડિસેમ્બર, 1534 અને સપ્ટેમ્બર, 1535ની સંધિ હેઠળ અનુક્રમે વસઈનો વિસ્તાર મેળવીને અને દીવમાં કિલ્લો બાંધીને ગુજરાતના દરિયાકિનારા પર પોતાનું સ્થાન મજબૂત બનાવી લીધું હતું. બહાદુરશાહના મૃત્યુ (1537) પછી નવા સુલતાન મહમૂદ ત્રીજાના શાસન દરમિયાન 1538 પછી 1546માં દીવમાંથી પોર્ટુગીઝ સત્તા નાબૂદ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો.

એપ્રિલ, 1546માં પોર્ટુગીઝોના કબજા હેઠળના દીવના  કિલ્લાને સૂરતના સૂબા ખ્વાજા સફર સલ્માનીના નેતૃત્વ હેઠળ 10,000 સૈનિકોએ ઘેરો ઘાલ્યો. જૂન, 1546માં ખ્વાજા સલ્માનીનું ઘેરા વખતે મૃત્યુ થયું.  તેથી તેના પુત્ર રમઝાન રુમીખાનના નેતૃત્વ હેઠળ આ ઘેરો ચાલુ રહ્યો. ઑગસ્ટ, 1546માં ડૉમ જોઆઓ દ કાસ્ટ્રો ગોવાના વાઇસરૉય – ગવર્નર તરીકે આવ્યો. તેણે ઑક્ટોબર, 1546 સુધીમાં ઘેરાઈ ગયેલા પોર્ટુગીઝોને મદદ કરવા સૈન્ય મોકલ્યું અને નવેમ્બર, 1546માં કાસ્ટ્રો પોતે મોટા  જહાજી કાફલા સાથે દીવ આવ્યો. દીવના કિલ્લાના દરવાજા નજીકના યુદ્ધમાં રમઝાન રુમીખાન સહિત ગુજરાતના 3000 સૈનિકો માર્યા ગયા અને 600ને કેદી તરીકે પકડી લેવામાં આવ્યા. આ યુદ્ધમાં વાઇસરૉયના 19 વર્ષના પુત્ર ફર્નાન્ડો દ કાસ્ટ્રોનું મૃત્યુ થયું હતું.

ગુજરાતના લશ્કરની હાર પછી કાસ્ટ્રોએ દીવને લૂંટવાનો હુકમ કર્યો. તેણે દરિયાકાંઠા પરનાં બંદરો અને ગામોને ઉજ્જડ કરીને ભયનું વાતાવરણ સજર્યું. કાસ્ટ્રોએ દીવ પર પ્રાપ્ત કરેલા વિજયના માનમાં તેનું ગોવામાં બહુમાન કરવામાં આવ્યું.

પોર્ટુગીઝ લશ્કરે વર્તાવેલા ત્રાસથી દીવ શહેર લગભગ ખાલી થઈ ગયું હતું. તેથી કાસ્ટ્રોએ ખંભાતના અખાતનાં બંદરોમાં ઢંઢેરો પિટાવીને દીવમાં વસવાટ કરવા માટે વેપારીઓને જાનમાલનું રક્ષણ આપવાની બાંયધરી આપી. આથી ઘણા વેપારીઓ દીવ પાછા ફર્યા. ગુજરાતના લશ્કરની હાર પછી ગુજરાતના સુલતાન મહમૂદ ત્રીજાએ દીવને જીતી લેવા લશ્કરી તૈયારીઓ કરી. આ સમાચાર પ્રાપ્ત થતાં કાસ્ટ્રો દીવ આવ્યો, પરંતુ ઘેરાવાનો ભય જતો રહેતાં તે પાછો ફર્યો. પાછા વળતાં તેણે  પ્રભાસ પાટણ લૂંટ્યું અને સૌરાષ્ટ્રનાં બંદરોમાં લાંગરેલાં 180 જેટલાં જહાજોને પણ આગ ચાંપી.

ર. લ. રાવળ