ડોમસ : પ્રાચીન રોમનાં મકાનોની રચનાના ત્રણ પ્રકારમાંનો એક પ્રકાર. રોમમાં  ત્રણ પ્રકારના આવાસ બનાવાતા. ઍપાર્ટમેન્ટ પ્રકારના ઇન્સ્યુલા, નગરની બહાર કે ગ્રામીણ વિસ્તારમાં બનાવાતા વિલા તથા શહેરના અલાયદા સ્વતંત્ર આવાસ ડોમસ. આ શબ્દ ગ્રીક તથા હેલેનિક ભાષામાંથી આવ્યો છે. ડોમસ એક માળના હતા, જેમાં મધ્યમાં આવેલ ચોકની ચારે તરફ ઓરડા રચાતા. આ ઓરડા સીધા પરસાળમાંથી ચોકમાં ખૂલતા. ડોમસમાં ઓરડા સમમિતીય રીતે એ રીતે ગોઠવાય કે સમગ્ર આવાસનો એક પણ ઓરડો રસ્તા પર ન ખૂલે. ઘણી વાર રસ્તા પર બારીઓ પણ મુકાતી નહિ. જોકે આવા અંતર્મુખ આવાસના એક ભાગ રૂપે ક્યારેક રસ્તા પર ખૂલતી દુકાનો બનાવાતી.

હેમંત વાળા