ડૉગરલ : રમૂજી વિષયવસ્તુ ધરાવતી અથવા અવ્યવસ્થિત છંદવાળી કે તાલ અથવા માત્રામેળ વિનાની કે ઢંગધડા વિનાની નિમ્ન કોટિની પદ્યરચના. લૅટિન જેવી પ્રશિષ્ટ અને નિયમાધીન ભાષાના આડેધડ કરાયેલ ઉપયોગ માટે dog-Latin વપરાય છે તેના પરથી આ કંઈક તિરસ્કારસૂચક શબ્દ પ્રયોજાયો હોવાનું મનાય છે. તેનો સૌ પહેલો પ્રયોગ ચૉસરમાં ‘rhym dogerel’ તરીકે થયેલો જોવા મળે છે.
સામાન્ય રીતે આવી રચનાઓમાં ગાંભીર્ય કે ઊંડી લાગણીઓનો અભાવ હોય છે અને પરિણામે પદ્યરચના કશું મહત્વ ધરાવતી નથી. કેટલાક સાહિત્ય-વિવેચકોના મતે આવી પદ્યરચનાઓ નબળી સર્જકતાનું પરિણામ હોય છે. જોકે ક્યારેક કેટલાક સર્જકો જાણીબૂજીને વ્યંગ્ય, કટાક્ષ કે ઉપહાસ કરવા માટે પણ આવી રચનાઓ લખતા હોય છે. તેને પ્રતિકાવ્ય કે વિડંબનાકાવ્ય તરીકે ઓળખવામાં આવે છે.
ધનંજય પંડ્યા