ડૉક્ટર, હીરજીભાઈ (જ. 13 એપ્રિલ 1894, વડોદરા; અ. 1989, વડોદરા) : વીણાવિશારદ, તંતુવાદક અને સંગીતશાસ્ત્રના જ્ઞાતા. પિતા રુસ્તમજી, માતા ગુલબાઈ. 1911માં મૅટ્રિક તથા મુંબઈ યુનિવર્સિટીના બી. એ. અને બી.એસસી. (1917). શાળાકાળ દરમિયાન બરજોરજી જીજીકાઉ પાસે વાયોલિનના પ્રશિક્ષણનો પ્રારંભ કર્યો અને સતત આઠ વર્ષના રિયાઝ પછી તેના પર પ્રભુત્વ મેળવ્યું, જે માટે વડોદરાનરેશે તેમને સુવર્ણચંદ્રક એનાયત કર્યો. 1915માં ખાંસાહેબ જમાલુદ્દીનખાં પાસે દિલરુબાવાદનના અભ્યાસનો પ્રારંભ કર્યો અને સાથોસાથ તે વાદ્યની ટૅકનિકનો પણ અભ્યાસ કર્યો.

કૉલેજકાળ દરમિયાન ઑલ બરોડા ટેનિસ ચૅમ્પિયનશિપ મેળવી. 1925માં જાણીતા સંગીતશાસ્ત્રકાર પં. વિષ્ણુ નારાયણ ભાતખંડેનો પ્રથમ સંપર્ક થયો. વડોદરાના શ્રીમંત સયાજીરાવે 1928માં તેમની રાજ્યના સંગીત મહાવિદ્યાલય (હાલની કૉલેજ ઑવ્  ઇન્ડિયન મ્યૂઝિક ડાન્સ ઍન્ડ ડ્રામા)ના પ્રાચાર્ય તરીકે તથા શ્રીમંત સરકારના કળાવંત ખાતાના વડા (Director of Amusement) તરીકે નિયુક્તિ કરી. એમણે સંગીત મહાવિદ્યાલયના સંચાલન, પ્રશિક્ષણ, અભ્યાસક્રમ, ખ્યાલ ગાયકી, સ્વરલિપિ પદ્ધતિ ઇત્યાદિમાં  આમૂલ પરિવર્તન દાખલ કર્યું. 1933માં શ્રીમંત સરકારે એક ખાસ સન્માન-સમારંભ યોજી તેમને વિશિષ્ટ પુરસ્કાર અર્પણ કર્યો. તેમના શિષ્યવર્ગમાં આફતાબે મૌસિકી ઉસ્તાદ ફૈયાઝખાં, તસદ્દુકહુસેનખાં, ફિદાહુસેનખાં, નિસારહુસેનખાં, આબિદહુસેનખાં, આતાહુસેનખાં જેવા અગ્રણી સંગીતકારોનો સમાવેશ થાય છે. એમના લખેલા ‘ઉત્તર હિંદુસ્તાની સંગીતનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પુસ્તકને પાઠ્યપુસ્તક તરીકે દાખલ કરવામાં આવ્યું.

1950માં તેઓ આ સંસ્થામાંથી નિવૃત્ત થયા અને ત્યાર પછી વડોદરા યુનિવર્સિટી સાથે  સંલગ્ન ડિગ્રી કૉલેજના પ્રિન્સિપાલ તરીકે તેમણે સેવા આપી. ત્યાંથી નિવૃત્ત થયા પછી પણ તે સદૈવ સાધનારત રહ્યા. વાયોલિન, દિલરુબા અને વિચિત્રવીણા જેવાં અતિકષ્ટસાધ્ય વાદ્યો પર તેમણે કૌશલ પ્રાપ્ત કર્યું હતું. આકાશવાણી પર વિચિત્રવીણાના ‘એ’ ગ્રેડના કલાકાર (exempted artist) હતા. લખનૌની ભાતખંડે યુનિવર્સિટી ઑવ્ હિંદુસ્તાની મ્યૂઝિકની સેનેટના સભ્ય તથા ઘણાં સંગીત મહાવિદ્યાલયોના પરીક્ષક પણ રહ્યા. 1934માં અલ્લાહાબાદ ખાતે યોજાયેલ સંગીત પરિષદમાં સંગીતના વિષયની શાસ્ત્રીય ચર્ચાસમિતિના અધ્યક્ષ તરીકે એમની નિમણૂક થઈ હતી. તેમણે આકાશવાણી પરથી ગુજરાતી તેમજ અંગ્રેજીમાં ઘણા અભ્યાસપૂર્ણ વાર્તાલાપો આપ્યા હતા. એમણે આશરે  210 રાગોનાં 420 જેટલાં ગીતોની હસ્તપ્રત તૈયાર કરી હતી જે અપ્રગટ રહી છે.

રાસબિહારી દેસાઈ