ડોગરા : ડોગરા પર્વતીય વિસ્તારની ખીણના મેદાનમાં રહેતા હિન્દુ રાજપૂતો. જમ્મુ અને કાશ્મીર પ્રદેશમાં જમ્મુથી પૂર્વેના ડોગરા પર્વતનો ખીણનો મેદાની વિસ્તાર જે દક્ષિણે પંજાબની સરહદે રાવી નદી સુધી વિસ્તરેલો છે તે ડોગરા વિસ્તાર તરીકે ઓળખાય છે. ડોગરા રજપૂતો પોતાના મૂળ વતન તરીકે સરાયનસર અને માનસર બે પવિત્ર સરોવરવાળા વિસ્તારને  દર્શાવે છે. મૂળ ‘ડુંગર’માંથી ‘ડુગરા’ અને અપભ્રંશ થતાં ‘ડોગરા’ શબ્દ આવ્યો તેમ એક મત છે. બીજા મતે  રાજસ્થાની શબ્દ ‘ડુંગર’માંથી ‘ડોગર’ અને ‘ડોગરા’ શબ્દ આવ્યો હશે. જમ્મુ –કાશ્મીરના ભૂતપૂર્વ રાજાઓ ડોગરા રાજપૂતો છે. 98.7 % જેટલા લોકો જમ્મુ અને કાશ્મીરમાં વસે છે જ્યારે બાકીના હિમાચલપ્રદેશ તથા પંજાબમાં.

તેઓ જાટ પ્રજા જેવા મજબૂત બાંધાના, દેખાવે સુંદર, ચપળ અને બહાદુર છે. તેમની સાથે બ્રાહ્મણો-પંડિતો, ખત્રીઓ, ઠક્કરો તથા મુસ્લિમધર્મીઓ રહે છે. આ પ્રદેશમાં વર્ષોથી એક પછી એક મુઘલ, અફઘાન, શીખ અને ડોગરા રાજપૂતોએ રાજ્ય કર્યું છે. અઢારમી સદીમાં એક મુસ્લિમ રાજાએ ભારે ત્રાસ ગુજાર્યો અને હિન્દુઓને બળજબરીથી મુસ્લિમ બનાવ્યા. આ મુસ્લિમો આજે પણ હિન્દુ રિવાજો પાળે છે.

ડોગરા રજપૂતોમાં ઊંચા અને નીચા રજપૂતો – એમ બે પેટા જૂથો પડે છે. ઊંચા  નીચા જૂથની કન્યા લે ખરા, પણ આપતા નથી. ડોગરામાં પહેલાં બેટીને દૂધ પીતી કરવાની તથા સતીની પ્રથા હતી. આજે બંધ છે. ઊંચા રાજપૂત ડોગરા અન્યની જમીનો ભાડે રાખી મરીની ખેતી કરાવે છે. નીચા રજપૂતો તેમને ત્યાં મજૂરી કરે છે. તેઓ શરીરે મજબૂત બાંધાના હોઈ લાંબા સમયથી લશ્કરમાં જોડાતા આવ્યા છે અને રાજ્યવહીવટ પણ સંભાળ્યો છે. આઝાદી પહેલાં અને પછીથી તેઓ મોટા પ્રમાણમાં  લશ્કરમાં જોડાયેલા છે અને તેમની એક મોટી રૅજિમેન્ટ પણ છે.

તેમની આગવી ભાષા અને લિપિ છે, જે ભારતીય પરિવારની ભાષાઓમાં ડોગરી ભાષા તરીકે સમાવિષ્ટ થઈ છે. તે પહેલાં ડોગરી ભાષા કાશ્મીર રાજ્યની વહીવટી ભાષા  પણ હતી. તેની લિપિ ગુરુમુખીના પ્રાચીન સ્વરૂપ જેવી દેખાય છે. તેને ‘ટાકરી’ લિપિ તરીકે ઓળખાવે છે. તેની ઉપર પંજાબી ભાષાનો ઘણો પ્રભાવ છે. તેથી ગ્રિયર્સન તેને પંજાબીની પેટા ભાષા ગણે છે. પણ સિદ્ધેશ્વર વર્મા તે સ્વતંત્ર ભાષા હોવાનું જણાવે છે.

હાલ દેવનાગરી લિપિનો ઉપયોગ વધુ થવા લાગ્યો. છે. ડોગરા લોકોમાં લોકસાહિત્યની પરંપરા ઘણી પ્રાચીન છે. 1945–46માં આ ભાષાના વિકાસ માટે ડોગરી સંસ્થા સ્થપાઈ હતી. આઝાદી પછી આ ભાષાનું સાહિત્ય વધુ પ્રકાશમાં આવ્યું છે. ભારતીય સાહિત્ય અકાદમીએ 1969માં તેને સ્વતંત્ર ભાષા તરીકે સ્વીકારી છે. 1993ના આંકડા મુજબ આશરે દશ લાખ લોકો ડોગરી ભાષા બોલે છે.

ડોગરા હિન્દુ રાજપૂતો હોઈ હિન્દુ ધર્મવિધિઓ પાળે છે તથા વિવિધ દેવદેવીઓની પૂજા કરે છે. તેઓ પોતાના પરંપરાગત જ્ઞાતિ-બંધારણમાં ર્દઢ વિશ્વાસ ધરાવે છે.

અરવિંદ ભટ્ટ