ડેમૉક્રૅટિક રિપબ્લિક ઑવ્ કૉંગો

January, 2014

ડેમૉક્રૅટિક રિપબ્લિક ઑવ્ કૉંગો (ઝાઇર)  : આફ્રિકા ખંડમાં વિસ્તારની દૃષ્ટિએ અલ્જીરિયા પછી દ્વિતીય ક્રમે આવતો દેશ.

ભૌગોલિક સ્થાન :  6 ઉ. અ.થી 14 દ. અ. અને 12 પૂ. રે.થી 32 પૂ. રે.ની વચ્ચે આવેલો છે. મધ્ય આફ્રિકામાં આવેલું પ્રજાસત્તાક રાજ્ય. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાં તે બેલ્જિયન કોંગોનું સંસ્થાન હતું. આ રાજ્યનો વિસ્તાર 23,44,798 ચો. કિમી. જેટલો છે. આફ્રિકાના લગભગ મધ્ય વિસ્તારમાં આવેલો આ દેશ ઉત્તરે મધ્ય આફ્રિકી પ્રજાસત્તાક, દક્ષિણે સુદાન, પૂર્વે યુગાન્ડા, રવાન્ડા (Rwabda) બુરુન્ડી, ટાન્ઝાનિયા (ટાંગાનિકા સરોવરની એક બાજુથી બીજી બાજુ સુધી) દક્ષિણે ઝામ્બિયા, નૈઋત્યે ઍંગોલા, પશ્ચિમે દક્ષિણ આટલાંટિક મહાસાગર અને વાયવ્યે રિપબ્લિક ઑવ્ ધ કોંગો સાથે સીમા ધરાવે છે.

પ્રાકૃતિક રચના – ભૂમિ : આ દેશની ભૂમિને ત્રણ મુખ્ય પ્રદેશોમાં વિભાજી શકાય : (1) ઉષ્ણકટિબંધનાં વરસાદી જંગલોનો પ્રદેશ : ઉત્તરના મોટા ભાગના વિસ્તારને આવરી લેતાં આ જંગલો એટલાં બધાં ગાઢ છે કે સપાટી સુધી સૂર્યનાં કિરણ પણ પહોંચી શકતાં નથી. વિષુવવૃત્ત આ જંગલમાંથી પસાર થાય છે. અહીં વર્ષનો સરેરાશ વરસાદ 2000 મિમી. કે તેથી વધારે છે. (2) સવાના – ઉષ્ણકટિબંધનાં ઊંચા ઘાસનાં મેદાનો – દક્ષિણના મોટા ભાગના વિસ્તારને આવરી લે છે. અહીં વાર્ષિક સરેરાશ વરસાદ 950 મિમી. જેટલો પડે છે. (3) ઉચ્ચ પ્રદેશ – સમુદ્રની સપાટીથી સરેરાશ 900 મી.ની ઊંચાઈએ આવેલો ઉચ્ચ પ્રદેશ તેની પૂર્વ અને અગ્નિ સરહદો સુધી વિસ્તરેલો છે. 1500થી 4900 મી. ઊંચાઈ સુધીની ઉચ્ચ પ્રદેશની આ હારમાળામાં સૌથી ઊંચા શિખર માર્ગેરિતાની ઊંચાઈ 5109 મી. છે. આ વિસ્તારમાં સરેરાશ 1200 મિમી. વરસાદ પડે છે. સુદૂર પૂર્વે રેવેન્ઝોરી (Rwenzori) પર્વતીય હારમાળા હિમનદીથી આચ્છાદિત જોવા મળે છે. અહીં લાવાવિક પર્વતો આવેલા છે. 17મી જાન્યુઆરી, 2002ના રોજ માઉન્ટ નીરાગોન્ગો (Nyiragongo) પ્રસ્ફોટન પામ્યો હતો. જેથી પારાવાર નુકસાન થયું હતું. ત્યારબાદ છ મહિના પછી આ પર્વતની બાજુમાં પણ પ્રસ્ફોટન થયું હતું. આની સાથે સંકળાયેલી અન્ય પર્વતશ્રેણીમાં 2006 અને 2010નાં વર્ષોમાં પણ પ્રસ્ફુટન થયું હતું.

નદી-સરોવરો : ઉષ્ણકટિબંધીય આબોહવાને કારણે કોંગો નદીની જળપ્રણાલિકા નિર્માણ પામી છે. કોંગો નદી દ્વારા નિર્માણ પામેલાં મેદાનોનો વિસ્તાર લગભગ 10,00,000 ચો. કિમી. જેટલો છે. આ નદીની શાખાનદીઓમાં કસાઈ (Kasai), સાન્ધા, ઉબાંગી, રુઝીઝી, અરુવીમી અને લુલોન્ગા છે. આ નદી દ્વારા નિર્માણ પામેલા જળવિભાજક ક્ષેત્ર જે વિશ્વમાં દ્વિતીય ક્રમ ધરાવે છે. ‘આલ્બેરટીન ફાટ’ (Albertine Rift) કે જેણે દેશના આકાર નિર્માણમાં મહત્વનો ફાળો આપ્યો છે. આ ફાટને કારણે જ્વાળામુખીનું પ્રસ્ફુટન અવારનવાર જોવા મળે છે, જેને પરિણામે અહીં મોટાં સરોવરો રચાયાં છે. જે કોંગોની પૂર્વ સરહદે આવેલાં છે. જેમાં આલ્બર્ટ, એડવર્ડ, કીવુ અને ટાંગાનિકા સરોવર વધુ મહત્વના છે. લાવાયિક પ્રક્રિયાને કારણે નદી માર્ગમાં બોયોમા ધોધ અને લિવિગ્સેગન ધોધ જાણીતા છે.

આબોહવા, વનસ્પતિ અને પ્રાણીસંપત્તિ  : આ દેશ વિષુવવૃત્ત ઉપર અને ઉષ્ણકટિબંધના વિસ્તારમાં આવેલો હોવાથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ખાસ તફાવત જોવા મળતો નથી. અહીં સરેરાશ 27 સે. તાપમાન અને વાર્ષિક સરેરાશ વરસાદ આશરે 1500થી 2000 મિમી. જેટલો અનુભવાય છે. વિશ્વમાં એમેઝોનનાં વરસાદી જંગલો પછી વિસ્તારની દૃષ્ટિએ કોંગોના જંગલોનો ક્રમ આવે છે. તેનો વિસ્તાર લગભગ 64,750 ચો. કિમી. છે. આ સદાબહાર જંગલો નદીના મેદાની વિસ્તારમાં છવાયેલાં છે જેનો ઢોળાવ પશ્ચિમે આટલાંટિક મહાસાગર તરફનો છે. દક્ષિણે અને નૈઋત્ય દિશાએ ઉચ્ચપ્રદેશીય વિસ્તારમાં સવાના જંગલો આવેલા છે. ઉત્તરે ગીચ ઘાસનાં મેદાનો જોવા મળે છે. આમ અહીં વરસાદી જંગલોમાં જૈવવિવિધતા પણ નિર્માણ પામી છે. આથી પ્રાણીસંપત્તિમાં આફ્રિકન જંગલી હાથી, ચિમ્પાન્ઝી અને પિગ્મી ચિમ્પાન્ઝી, પર્વતીય ગોરીલા, ઓકાપી (આફ્રિકાનું વાગોળનારું સસ્તન પ્રાણી), જંગલી ભેંસ, દીપડો, ચિત્તો, ગેંડો, હિપોપૉટેમસ, શિયાળ, બબૂન વાનર, હરણ, જિરાફ તેમ જ નદીવિસ્તારમાં સાપ, મગર પણ જોવા મળે છે. અહીં વિવિધ પ્રકારનાં પક્ષીઓ પણ જોવા મળે છે. અહીં મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ગારુમ્બા, કાહુઝી-બીએગા, સાલોન્ગા અને વીરુન્ગા છે. કોંગો 17 જેટલી વિશાળ જૈવવિવિધતા ધરાવતો દેશ છે.

અર્થતંત્ર : વિશ્વમાં સૌથી વધુ ખનીજસંપત્તિ ધરાવતા દેશોમાંનો આ એક દેશ છે. અહીં વિપુલ પ્રમાણમાં કુદરતી વાયુ અને ખનિજતેલનો અનુમાનિત જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે. આ દેશમાં તાંબા અને કોબાલ્ટ અયસ્કનું પ્રમાણ સૌથી વધુ છે. સોનું, મૅંગેનીઝ, કલાઈ, રૂપું, જસત, કેડિયમ, યુરેનિયમ, બૉક્સાઇટ જેવી ધાતુમય ખનીજો પ્રાપ્ત થાય છે. કોલ્ટાન, કાસીટ્રાઇટ(Cassiterite)અયસ્ક અને ટીટેનિયમ ખનીજ દાણચોરી રૂપે વિદેશમાં જતી હોવાથી ત્યાં સંઘર્ષો થતા રહે છે. આ દેશનું અર્થતંત્ર આ ખનીજોના નિકાસ ઉપર અવલંબે છે. મુખ્ય ઔદ્યોગિક વિદેશની કંપનીઓ દ્વારા ખનીજોનું ઉત્પાદન મેળવાય છે. અહીંના કાસાઈ (Kasai) અને કટાંગા (Katanga) પ્રાંતમાંથી મહત્તમ ખનીજો મેળવાય છે. કિન્શાસા, શબા (કટાંગા) અને કાસાઈ મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો છે.

આ દેશની માત્ર 3 ટકા જેટલી જમીનનો ઉપયોગ ખેતી તથા વૃક્ષોના પાક માટે કરવામાં આવે છે. ખેતીમાં મુખ્યત્વે મકાઈ, મગફળી, કસાવા, કેળાં, ડાંગર વગેરેનો પાક લેવામાં આવે છે. રોકડિયા પાકોમાં કોકો, કૉફી, કપાસ અને ચાનું વાવેતર કરવામાં આવે છે. વરસાદી જંગલોમાંથી રબર તથા ઇમારતી લાકડું મેળવવામાં આવે છે. 4 ટકા જેટલી ભૂમિ સ્થાયી રૂપે ચરાણ તરીકે ઉપયોગમાં લેવાય છે.

આ દેશમાં ખનીજસંપત્તિના ભંડાર હોવા છતાં ઔદ્યોગિક વિકાસ મર્યાદિત રહ્યો છે, તેનું મુખ્ય કારણ ટૅકનૉલૉજીનો અભાવ છે. જીવનજરૂરિયાતને લક્ષમાં રાખીને અહીં સિમેન્ટ, પોલાદ, કાપડ, ટાયર, ખાદ્યપ્રકમણ, હળવાં અને ભારે પીણાં વગેરેનું ઉત્પાદન મેળવાય છે.

પરિવહન : આ દેશનું ભૂપૃષ્ઠ, જંગલો, નદીઓ અને આર્થિક સધ્ધરતાને કારણે પરિવહનનું પ્રમાણ મર્યાદિત છે. આ દેશમાં ‘ટ્રાન્સ – આફ્રિકન ધોરી માર્ગોનું જાળું’ પથરાયેલું છે. જેમાં ટ્રીપોલી – કેપટાઉન ધોરી માર્ગ, લાગોસ–મોમ્બાસા ધોરી માર્ગ અને બેઇરા (Beira) – લોબીટો ધોરી માર્ગનો સમાવેશ થાય છે. એકંદરે જોઈએ તો અહીં મોટરમાર્ગોની લંબાઈ આશરે 33000 કિમી. છે. જ્યારે રેલમાર્ગોની લંબાઈ આશરે 4,500  કિમી. છે. આ દેશમાં નદીઓનું પ્રમાણ વધુ હોવાથી જળમાર્ગો ‘ધોરી નસ’ સમાન છે. આશરે 1,20,000 કિમી. લંબાઈ ધરાવતા જળમાર્ગો જે દેશના 2/3 ભાગમાં જોવા મળે છે. જેમાં સરોવરોના જળમાર્ગનો પણ સમાવેશ થાય છે. આ દેશના જળમાર્ગો અને રેલમાર્ગો દ્વારા ખનિજોની નિકાસ થાય છે.

આ દેશમાં 2016ના વર્ષથી ‘કોંગો એરવેઝ’(Congo Airways)નો પ્રારંભ થયો. આ હવાઈ સેવાનું મુખ્ય હવાઈ મથક ‘કિન્શાસા આંતરરાષ્ટ્રીય યુરોપિયન હવાઈ મથક’ છે. મોટે ભાગે આ હવાઈ મથક યુરોપિયન હવાઈ સેવા સાથે સંકળાયેલું છે. આંતરરાજ્ય હવાઈ સેવાનું પણ આ મુખ્ય કેન્દ્ર છે. આ સિવાય બુકાવુ અને કિસનગનીનો વિકાસ કરાયો છે. ‘લુમ્બાશી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક’ પણ હવે કાર્યરત થયું છે.

આ દેશમાં વીજળી મેળવવા માટે કોલસો અને ખનિજતેલનો ઉપયોગ થાય છે. કોંગો નદી ઉપર ‘ઇન્ગા બંધ’ (Ingadam) દ્વારા જળવિદ્યુત પણ મેળવાય છે. વીજળીની વપરાશ વધતાં હવે ‘સૂર્યઊર્જા’ને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

વસ્તી : આ દેશની વસ્તી 2023 મુજબ આશરે 790 લાખ છે. (મનોરમા-2023) જેમાંથી 2/3 જેટલા લોકો ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. અહીં આશરે 242 પ્રકારની સ્થાનિક બોલીઓનો વપરાશ જોવા મળે છે. રાષ્ટ્રીય ભાષા તરીકે કીટબુ (કીકોંગો) લિંગાલા, સ્વાહિલી અને ત્શિલુબા છે. જ્યારે સરકારી ભાષા ફ્રેંચ છે. 3/4 ભાગની વસ્તીએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો છે. આ સિવાય ઇસ્લામ અને સ્થાનિક આફ્રિકી  ધર્મમાં માનનારા લોકો જોવા મળે છે.

અહીં 15થી 49 વયજૂથોમાં શિક્ષણનું પ્રમાણ આશરે 75 % છે. પ્રાથમિક શિક્ષણ મફત પણ  નથી અને ફરજિયાત પણ નથી. વિશ્વના સંદર્ભમાં મૃત્યુદર જોઈએ તો દ્વિતીય ક્રમ (ચાડ દેશ પછી) ધરાવે છે. સામાન્ય રીતે 14થી 49 વયજૂથના નાગરિકો HIV/AIDSના રોગથી પીડાય છે. મલેરિયા અને પીળો તાવ (Yellow fever) મહત્તમ લોકોમાં જોવા મળે છે. 60 % કરતાં વધુ લોકોમાં પૌષ્ટિક ખોરાકનો અભાવ જોવા મળે છે.

ઇતિહાસ : 1482થી પોર્ટુગીઝ નાવિકો ઝાઇર નદીના મુખ પાસે આવવા લાગ્યા તે પહેલાં 700ની આસપાસ અગ્નિ ઝાઇર વિસ્તારમાં સંસ્કૃતિની શરૂઆત થઈ હતી, આશરે 1400થી વરસાદી જંગલોની દક્ષિણે ઘાસનાં મેદાનોમાં અલગ અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં જેમાં કૉંગો, કુબા, લુબા, લુંડા રાજ્યો મુખ્ય હતાં. લગભગ સત્તરમી અને અઢારમી સદી દરમિયાન પૂર્વ સરહદે બીજાં નાનાં રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં.

પંદરમી સદીના અંતમાં પોર્ટુગલે કૉંગો રાજ્ય સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા. કૉંગો રાજ્યના પ્રતિનિધિઓએ પોર્ટુગલ તથા રોમન કૅથલિક દેવળના મુખ્ય મથક વેટિકનની મુલાકાત લીધી અને થોડા સમયમાં કૉંગો રાજ્યે રોમન કૅથલિક સંપ્રદાયનો સ્વીકાર કર્યો. સોળમી સદીની શરૂઆતથી પોર્ટુગીઝો તેમજ બીજી યુરોપીય પ્રજાએ કૉંગો રાજ્યમાં ગુલામોનો વ્યાપાર શરૂ કર્યો અને ઓગણીસમી સદીની શરૂઆત સુધીમાં ઝાઇર વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં લોકોને ગુલામ બનાવીને ઉત્તર તેમજ દક્ષિણ અમેરિકામાં મોકલવામાં આવ્યા.

1876થી હેન્રી સ્ટેન્લી જેવા અંગ્રેજ સહિત ઘણા યુરોપીય અન્વેષકોએ ઝાઇરના આંતરિક વિસ્તારોની માહિતી પ્રાપ્ત કરી. 1878થી બેલ્જિયમના રાજવી લિયોપોલ્ડ IIએ આ વિસ્તાર પર કબજો જમાવવા સ્ટેન્લીને જવાબદારી સુપરત કરી, અને 1 જુલાઈ, 1885માં ઝાઇર નદીના કિનારાનો વિસ્તાર લિયોપોલ્ડ IIની અંગત માલિકીનું સંસ્થાન બન્યો. તેને ‘કૉંગો ફ્રી સ્ટેટ’ નામ આપવામાં આવ્યું.

લિયોપોલ્ડના ક્રૂર શાસનને લીધે લોકોને ખૂબ સહન કરવું પડ્યું. જંગલોમાં રબર એકઠું કરવા તથા રેલવે બાંધવા માટે તેમના પર ત્રાસ ગુજારવામાં આવતો. છેવટે 1908માં બેલ્જિયમની સરકારે કૉંગો ફ્રી સ્ટેટ પર સીધો અંકુશ સ્થાપ્યો અને તેનું નવું નામ બેલ્જિયન કૉંગો રાખવામાં આવ્યું. 1920 પછી બેલ્જિયમે બૅલ્જિયન કૉંગોના ખનિજ ઉદ્યોગનો વિકાસ કરીને તાંબું, હીરા, સોનું વગેરેમાંથી અઢળક નફો પ્રાપ્ત કર્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બેલ્જિયન કૉંગોએ પશ્ચિમી સાથી સત્તાઓને કીમતી કાચો માલ પૂરો પાડ્યો. 1945 પછી બેલ્જિયન કૉંગોના અર્થતંત્રનો ઝડપી વિકાસ થયો. સરકાર દ્વારા શૈક્ષણિક તેમજ આરોગ્યને લગતી સુવિધાઓ ઊભી કરવામાં આવી. પરંતુ લોકોનો સરકારમાં અવાજ ન હતો.

1950 પછી બેલ્જિયન કૉંગોની સ્વતંત્રતા માટેની લડતનો આરંભ થયો. 1957માં સંસ્થાનના લોકોને શહેર સમિતિઓમાં પ્રતિનિધિઓને ચૂંટવાની છૂટ મળી. પરંતુ સ્વતંત્રતા માટેની માગણી ચાલુ રહી. 1959માં બેલ્જિયમના શાસન સામે હિંસા ફાટી નીકળી. છેવટે 30 જૂન, 1960ને દિવસે બેલ્જિયમે બેલ્જિયન કૉંગોના સંસ્થાનને સ્વતંત્ર જાહેર કર્યું અને તેનું નામ કૉંગો રાખવામાં આવ્યું.

સ્વતંત્રતા પછી રાજકીય પક્ષોમાં ઉગ્ર મતભેદને લીધે સ્થિર સરકાર સ્થાપી ન શકાઈ. સમાધાન રૂપે જૉસેફ કાસાવુબુ પ્રમુખ અને પેટ્રિસ લુમુમ્બા વડાપ્રધાન થયા; પરંતુ થોડા દિવસમાં કૉંગોમાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો. જુલાઈ, 1960માં નવા રાષ્ટ્રમાંથી શબા પ્રાંતે (અત્યારનો શબા વિસ્તાર) છૂટા પડીને નવા સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જાહેરાત કરી. તાંબાની ખાણોવાળો આ વિસ્તાર કૉંગોનો ખૂબ સમૃદ્ધ વિસ્તાર છે. ઑગસ્ટ, 1960માં હીરાનું ઉત્પાદન કરતા કાસાઈ પ્રાંતે પણ સ્વતંત્ર થવાની જાહેરાત કરી. સપ્ટેમ્બરમાં પ્રમુખ કાસાવુબુએ વડાપ્રધાન પેટ્રિસ લુમુમ્બાને બરતરફ કર્યા. તેમને કેદમાં પૂરવામાં આવ્યા અને 1961માં કટાંગાના કારાવાસમાં તેમની હત્યા કરવામાં આવી; પરંતુ લુમુમ્બાના ટેકેદારોએ કાસાવુબુ સામે હરીફ સરકાર રચવાની જાહેરાત કરી. બંને જૂથો વચ્ચે યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે કૉંગો સરકારની વિનંતીથી સંયુક્ત રાષ્ટ્રોએ ત્યાં શાંતિ સ્થાપવા લશ્કર મોકલ્યું, જેમાં ભારતીય લશ્કરનો પણ સમાવેશ કરવામાં આવ્યો. કૉંગોના આંતરિક રાજકીય સંઘર્ષને થાળે પાડવા તેની મુલાકાતે ગયેલા સંયુક્ત રાષ્ટ્રોના તે વખતના મહામંત્રી ડાગ હૅમરશીલ્ડનું વિમાન માર્ગમાં જ તોડી પાડવામાં આવ્યું. ઑગસ્ટ 1961માં હરીફ રાજકીય જૂથો વચ્ચે સમાધાન થયું. પરિણામે કટાંગા પ્રાંત સિવાય આખા દેશમાં એકતા સ્થપાઈ અને સિરિલ ઍદુબા નવી સરકારના વડાપ્રધાન થયા. જાન્યુઆરી, 1963માં સંયુક્ત રાષ્ટ્રોએ કટાંગાને કાગોમાં જોડાવાની ફરજ પાડી. જૂન, 1964માં સંયુક્ત રાષ્ટ્રોનાં શાંતિદળો કૉંગોમાંથી ખસી ગયાં અને કટાંગાના અલગ રાજ્ય માટેનું આંદોલન કરનાર મોઇસે શોમ્બે નવા સંગઠિત દેશના વડાપ્રધાન થયા. આ સમયે ઘણા વિસ્તારોમાં સૈનિકોના બળવા થયા. પરંતુ 1965ના અંત સુધીમાં ભાડૂતી શ્વેત સૈનિકોની મદદથી સરકારે આ બળવા દબાવી દીધા. માર્ચ, 1965માં નવી રાષ્ટ્રીય ચૂંટણીઓને પરિણામે શોમ્બેએ મિશ્ર સરકાર રચી, પરંતુ તે તૂટી પડી. કૉંગોના લશ્કરે સરકાર પર અંકુશ સ્થાપ્યો અને કર્નલ જૉસેફ ડિઝાયર મોબુતુ દેશના પ્રમુખ બન્યા.

પ્રમુખ મોબુતુએ દેશના અર્થતંત્રને બેઠું કરવા પ્રયાસ આદર્યા. તેમણે મજબૂત રાષ્ટ્રીય સરકાર સ્થાપી. પરિણામે અર્થતંત્રમાં સુધારો થવા લાગ્યો. મોબુતુએ કાગોમાં યુરોપીય વગને નાબૂદ કરવાની અને આફ્રિકાના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાની નીતિ અખત્યાર કરી. તેમણે મોટાભાગનાં નગરોનાં યુરોપીય નામને બદલે આફ્રિકી નામ રાખ્યાં. 1971માં કૉંગોને ‘ઝાઇર’ નામ આપવામાં આવ્યું. લોકોને પણ યુરોપીય નામને સ્થાને આફ્રિકન નામ ધારણ કરવાનું કહેવામાં આવ્યું. જૉસેફ ડિઝાયર મોબુતુએ પોતે 1972માં પોતાનું નામ મોબુતુ સેસે સેકો રાખ્યું. 1990થી મોબુતુએ ઝાઇરમાં લોકશાહી સુધારા દાખલ કર્યા. 1991ની ચૂંટણી માટે વિરોધી રાજકીય પક્ષોને પોતાના ઉમેદવારો ઊભા રાખવાની છૂટ આપી. તે પહેલાં વિરોધપક્ષનું દેશના રાજકારણમાં કોઈ સ્થાન ન હતું. લોકો સરકારની ટીકા પણ કરી શકતા ન હતા. ચૂંટણી પછી પણ મોબુતુ રાજ્યના વડા તરીકે ચાલુ જ રહ્યા.

ઝાઇર : ઝાઇરમાં વિરોધ પક્ષના નેતાઓએ માગણી કરી કે પ્રમુખ મોબુતુએ બહુપક્ષી લોકશાહીની છૂટ આપવી જોઈએ. જાન્યુઆરી, 1992માં કેટલાક બળવાખોર સૈનિકોએ સરકારને ઉથલાવવાનો પ્રયાસ કર્યો. પરન્તુ તે પ્રયાસ નિષ્ફળ બનાવાયો. રાજકીય અસ્થિરતાને લીધે રાજ્યનું અર્થતંત્ર નબળું પડ્યું હતું. 1993માં પણ રાજકીય કટોકટી ચાલુ રહી. તેને લીધે આર્થિક મંદી અને ભૂખમરો પણ વ્યાપક બન્યો. 1992થી રાજ્યમાં પ્રમુખ મોબુતુની અને આંતરરાષ્ટ્રીય માગણી સંતોષવા પરિષદમાં ચૂંટેલા વડાપ્રધાન એટિની શિસેકેડીની. એમ બે સરકારો હતી. પ્રમુખ મોબુતુનાં વિરોધી દળો લોકશાહી સુધારા માટે અને મોબુતુને દૂર કરવા લડતાં હતા. જાન્યુઆરી, 1994માં મોબુતુએ બંને સરકારોને વિલીન કરી – (જોડી દીધી) અને કેન્ગો વા ડોન્ડોને વડો પ્રધાન નીમ્યો; અને એક સરકાર બની. અર્થતંત્ર ખાડે ગયું અને ખાણઉદ્યોગ બંધ થયો. ફુગાવો પુષ્કળ વધ્યો. 1994માં આશરે દસ લાખ રવાન્ડાના લોકો ઝાઇરમાં આશ્રય લેવા આવ્યા. વડાપ્રધાન કેન્ગો 1995માં ફુગાવાને થોડો ઓછો કરી શક્યા. 1996માં ઝાઇરની રાજકીય સ્થિતિ બગડી. હજારો રવાન્ડન નિરાશ્રિતો તેમના દેશમાં પાછા ગયા. તેઓ હુતુ જાતિના લોકો હતા. પ્રમુખ મોબુતુ અને વિરોધી નેતા એટિની શિસેકેડી વચ્ચેના મતભેદો 1996માં ચાલુ રહ્યા.

મે, 1997માં પ્રમુખ મોબુતુનું 31 વર્ષ ચાલેલું શાસન પડી ભાંગ્યું. પડોશનાં ત્રણ રાજ્યોના ટેકાથી તેની સામે બળવો થયો હતો, તે સાત મહિના ચાલુ રહ્યો હતો. લોકશાહી દળોના સંઘના (Alliance of Democrative Forces) બળવાખોર નેતા લોરેન્ટ કબીલા દેશનો નવો નેતા બન્યો. તેણે મે, 1997 દેશનું ‘ડેમૉક્રૅટિક રિપબ્લિક ઑવ્ ધ કૉન્ગો’ નામ આપ્યું. ત્યારથી દેશ ‘કૉન્ગો’ નામથી પણ ઓળખાય છે.

29મે, 1997ના રોજ કબીલા પ્રમુખ બન્યો. તેણે ચૂંટણી એપ્રિલ 1999માં કરવાની તથા રાજકીય પક્ષોની પ્રવૃત્તિઓ અને જાહેર દેખાવોની મનાઈ ફરમાવી.

1998માં કૉન્ગોમાં બીજો આંતરવિગ્રહ થયો. કૉન્ગોના તુત્સી જાતિના લોકોએ ઑગસ્ટ, 1998માં, પૂર્વ કૉન્ગોના કીવું પ્રાંતોમાં બળવો શરૂ કર્યો હતો. રવાન્ડા અને યુગાન્ડાની સરકારોએ બળવાખોરોના ટેકામાં લશ્કરો મોકલ્યાં. અંગોલા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની સરકારોએ કબીલાને ટેકો આપ્યો. ઈ. સ. 2000માં કૉન્ગોમાં શાંતિ સ્થાપવા માટે યુનાઇટેડ નૅશન્સની સિક્યૉરિટી કાઉન્સિલે શાંતિ સ્થાપવા લશ્કર મોકલવા કબૂલ્યું. 16 જાન્યુઆરી, 2001ના રોજ પ્રમુખ લોરેન્ટ કબીલાનું તેના મહેલમાં, પાટનગર કિન્શાસામાં ખૂન થયું. ત્યાર બાદ જોસેફ કબીલાઅ સત્તા હાંસલ કરી. છેલ્લાં પાંચ વર્ષથી (1998-2002) ચાલતા આંતરવિગ્રહનો ડિસેમ્બર, 2002માં કરેલ શાંતિ કરારથી અંત આવ્યો. 2 એપ્રિલ, 2003ના રોજ આંતરવિગ્રહના બધા મોટા પક્ષોએ દક્ષિણ આફ્રિકાના સનસિટીમાં શાંતિના કરાર પર સહીઓ કરી. પ્રમુખ જૉસેફ કબીલાએ સંક્રમણ સમયની સરકારના વડા તરીકે શપથ લીધી. તેની સરકાર જુદા જુદા પક્ષોના જોડાણવાળી સરકાર હતી. કબીલાની સરકારને ઉથલાવવા માટે 28 માર્ચ, 2004ના રોજ બળવાખોર સૈનિકોએ નિષ્ફળ પ્રયાસ કર્યો. તેમણે વફાદાર સૈનિકોએ હરાવ્યા. જૂન, 2004માં પણ એવો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. ઉપર્યુક્ત આંતરવિગ્રહમાં પડોશના છ દેશો જુદા જુદા સમયે સામેલ થયા હતા. પ્રાદેશિક નિષ્ણાતોના અંદાજ અનુસાર તેમાં સંઘર્ષ, યુદ્ધને કારણે થતાં દર્દો તથા દુષ્કાળ દરમિયાન આશરે 30 લાખ કરતાં વધારે લોકો મરણ પામ્યાં. મે, 2005માં કૉન્ગો-(કિન્શાસા)ની નૅશનલ ઍસેમ્બ્લીએ બંધારણનો મુસદ્દો માન્ય કર્યો. તેમા લઘુમતીઓને અધિકારો તથા પ્રમુખ બે વાર પાંચ વર્ષની મુદત માટે રહી શકે એમ ઠરાવ્યું. જૂન, 2005માં થનાર ચૂંટણી છ મહિના માટે મુલતવી રાખવામાં આવી. ઈ. સ. 2006માં કૉન્ગોમાં બહુપક્ષી લોકશાહી ચૂંટણીઓ થઈ અને જૉસેફ કબીલા પ્રમુખપદે ચૂંટાયો. દક્ષિણ આફ્રિકાના પ્રમુખ મબેકી અને બીજા પ્રાદેશિક નેતાઓના ઘનિષ્ઠ પ્રયાસોથી લડાઈ અટકી. કૉન્ગોની 1965 પછીની પ્રથમ મુક્ત, બહુપક્ષી લોકશાહી ચૂંટણીઓ 2007માં પૂરી થઈ. ડિસેમ્બર, 2006માં કબીલાએ એન્ટોઇન ગીઝેન્ગાને વડો પ્રધાન નીમ્યો. ગીઝેન્ગાએ ફેબ્રુઆરી, 2007માં તેના પ્રધાનમંડળની રચના કરી. 2008માં પ્રમુખ જૉસેફ કબીલાએ બળવાખોર અને ગેરશિસ્તવાળી લશ્કરી ટુકડીઓનો સામનો કરવો પડ્યો. 2009ના આખા વર્ષ દરમિયાન કૉન્ગોમાં અશાંત પરિસ્થિતિ, ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થા ચાલુ રહ્યાં. 2018ના વર્ષમાં દેશમાં સૌપ્રથમ વાર સામાન્ય ચૂંટણી થઈ તે ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ તે વધુ મહત્વનું ગણી શકાય. ભૂતકાળમાં થયેલા જાતિસંઘર્ષોને કારણે આજે પણ 6 લાખ કરતા વધુ લોકો પડોશી દેશોમાં નિર્વાસિત તરીકે વસે છે.

જયકુમાર ર શુક્લ

નીતિન કોઠારી