ડેબ્રો, જિરાર્ડ (જ. 4 જુલાઈ 1921, કૅલે, ફ્રાન્સ; અ. 31 ડિસેમ્બર, 2004, પૅરિસ) : 1983નું અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવનાર વિખ્યાત ફ્રેન્ચ અર્થશાસ્ત્રી. પૅરિસ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ સાયન્સની ઉપાધિ 1949માં મેળવ્યા બાદ પોસ્ટ-ડૉક્ટોરલ સ્કૉલર તરીકે વધુ સંશોધનાર્થે અમેરિકા ગયા. 1950–55 દરમિયાન શિકાગો યુનિવર્સિટી સાથે સંલગ્ન કાઉલ્સ ફાઉન્ડેશન ફૉર ઇકૉનૉમિક રિસર્ચ ખાતે સંશોધનકાર્ય કર્યું. 1955–61 દરમિયાન યેલ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના ઍસોસિયેટ પ્રોફેસરના પદ પર કામ કર્યું. 1962–74 દરમિયાન કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તથા 1975 પછી તે જ યુનિવર્સિટીમાં ગાણિતિક અર્થશાસ્ત્ર વિષયના પ્રાધ્પાપક તરીકે કામગીરી સ્વીકારી.

જિરાર્ડ ડેબ્રો

અમેરિકા અને યુરોપની ઘણી યુનિવર્સિટીઓએ તથા સંશોધન સંસ્થાઓએ તેમને માનદ સભ્યપદ, ઉપાધિઓ તથા ઍવૉર્ડો બક્ષ્યા  છે.

અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તારવવાની પ્રક્રિયામાં નવી વિશ્લેષણાત્મક પદ્ધતિઓ દાખલ કરવા માટે તથા સામાન્ય આર્થિક સમતુલાને લગતા સિદ્ધાંતના નવસંસ્કરણમાં તેમણે આપેલા વિશિષ્ટ પ્રદાન માટે તેમને 1983નું અર્થશાસ્ત્ર માટે નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. અર્થતંત્રના જુદા જુદા વિભાગોમાં મુક્ત સ્પર્ધા દ્વારા માગ અને પુરવઠા વચ્ચે સામાન્ય સમતુલા પ્રસ્થાપિત થાય છે  અને તેને લીધે સમગ્ર અર્થતંત્રમાંથી વસ્તુઓની અછત તથા અધિશેષ(surpluses)ની પરિસ્થિતિ નિવારી શકાય છે એવું તેમણે પ્રતિપાદિત કર્યું છે.

તેમણે વિપુલ લેખનકાર્ય કર્યું છે, જેમાંથી 1959માં પ્રકાશિત ગ્રંથ ‘ધ થિયરી ઑવ્ વૅલ્યૂ’ : ઍન ઍક્ઝિઓમૅટિક ઍનૅલિસિસ ઑવ્ ઇકૉનૉમિક ઇક્વિલિબ્રિયમ’ અર્થશાસ્ત્ર પર લખાયેલા ગ્રંથોમાં ઉચ્ચ કોટિનો ગણાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે