ડૂબવાથી મૃત્યુ (drowning) : શરીરના શ્વસનમાર્ગમાં પ્રવાહી પ્રવેશે તેને ચૂષણ-(aspiration) પ્રવેશથી થતું મૃત્યુ કહે છે. મોટેભાગે સમુદ્રજલમાં કે મીઠા પાણીમાં આવાં મૃત્યુ વિશેષ જોવા મળે છે પરંતુ અન્ય પ્રવાહીમાં પણ આવાં મૃત્યુ થાય છે. પાણી કે પ્રવાહીમાં આખું શરીર ડૂબે ત્યારે જ નહિ પરંતુ વ્યક્તિનું નાક કે મુખ ડૂબે તોપણ મૃત્યુ નીપજે છે.

ડૂબવાની ક્રિયાપ્રવિધિ (mechanism of drowning) : તરતાં આવડતું ન હોય એવી વ્યક્તિ પાણીમાં પડે ત્યારે શરીરના વજન અને પડવાના વેગથી વ્યક્તિ પાણીમાં નીચે જાય છે. માનવશરીરમાં વજનનું 75 % પાણી અને 5 % ચરબી હોય છે. ચરબીની વિશિષ્ટ ઘનતા 0.92 છે. શરીરની વિશિષ્ટ ઘનતા પાણી કરતાં થોડી ઓછી છે તેથી કુદરતી રીતે શરીર પાણી પર તરી શકે છે. તેને કુદરતી તરણશક્તિ (natural buoyancy) કહે છે. આથી શરીર પાણીની સપાટી ઉપર આવે છે. તેમાં શરીર અને કપડાં વચ્ચેની હવા તેમજ સ્વબચાવ માટે હાથપગનું હલનચલન મદદ કરે છે. સપાટી ઉપર આવતી વ્યક્તિ ઊંડા શ્વાસ લે છે અને બચાવ માટે બૂમો પાડવા પ્રયત્ન કરે છે ત્યારે પાણી ફેફસાંમાં જતી હવા સાથે શ્વસનમાર્ગમાં જાય છે અને થોડું પાણી હોજરીમાં જાય છે. તેને કારણે સખત ઉધરસ આવે છે અને તે વખતે પણ ફેફસાંમાંથી નીકળતી હવાની જગ્યાએ પાણી ભરાતું જાય છે. તેને કારણે શરીરની વિશિષ્ટ ઘનતા વધે છે અને શરીર ફરીથી નીચે જાય છે. હાથપગના હલનચલનથી શરીર ફરીથી સપાટી ઉપર આવે છે, ફરી થોડું વધારે પાણી શરીરમાં પ્રવેશે છે અને શરીર ડૂબે છે. ઘણી વખત આમ થયા બાદ છેવટે શરીર તળિયે ડૂબે છે અને વ્યક્તિ બેહોશ બને છે. શ્વસનમાર્ગ અને ફેફસાંમાં ગયેલું પાણી ઉત્તેજક તરીકે કાર્ય કરે છે. ફેફસાંમાંનું પાણી શ્લેષ્મ (mucus) અને હવાના મિશ્રણ સાથે શ્વસન પ્રયાસોથી વલોવાય છે અને તેથી બારીક ફીણ ઉત્પન્ન થાય છે. વાયુપોટાઓ(air vesicles)માં ફીણ ભરાય છે અને તીવ્ર શ્વાસાવરોધના કિસ્સામાં બને છે તેમ, સ્નાયુઓમાં સામૂહિક સંકોચન થાય છે. હાથપગના સ્નાયુઓમાં તે વિશેષ જોવા મળે છે. આવું સંકોચન થતી વખતે પાણીમાંના કાદવ, રેતી કે છોડ ઉપર હાથની મુઠ્ઠી બંધ થઈ જાય છે. આવી સ્થિતિ દરમિયાન મૃત્યુ થાય તો છોડ, કાદવ કે રેતી વગેરે બંધ મૂઠીમાં રહી જાય છે અને ડૂબવાથી મૃત્યુ થયાની તે સાબિતી પૂરી પાડે છે.

ડૂબવાથી થતા મૃત્યુના પ્રકારો : મુખ્યત્વે તે બે પ્રકારનું હોય છે. (1) સામાન્ય પ્રકારનું ડૂબવું (typical drowning) અને (2) અસામાન્ય કે વિશેષ પ્રકારનું ડૂબવું (atypical drowning).

(1) સામાન્ય પ્રકારનું ડૂબવું : તેની પ્રક્રિયામાં શ્વસનમાર્ગ અને ફેફસાંમાં ભરાયેલાં પાણી કે પ્રવાહીથી થતા અવરોધને કારણે મૃત્યુ થાય છે. તેને આર્દ્ર (wet) ડૂબવું પણ કહેવાય છે. શબપરીક્ષણ દરમિયાન આવાં મૃત્યુનાં સ્પષ્ટ ચિહનો જોવા મળે છે. આર્દ્ર ડૂબવાના કિસ્સામાં પાણી/પ્રવાહી શ્વાસમાં જવાથી વ્યક્તિને છાતીમાં અતિશય પીડા થાય છે. ફેફસાંમાં પાણીનો પ્રવેશ જીવવાની તકો ઘટાડે છે. શ્વાસમાં જતા મીઠા કે સમુદ્રના ખારા પાણીથી થતા શારીરિક વિકારો જુદા જુદા હોય છે.

મીઠું પાણી રુધિરજળ(plasma)ની સરખામણીએ ઓછા આસૃતિદાબવાળું (hypotonic) હોય છે. તેથી ફેફસાંમાં ગયેલું પાણી કૂપિકી કલા (alveolar membrane) દ્વારા ઝડપથી લોહીમાં પ્રવેશે છે. તેને કારણે લોહીનું કદ વધે છે (hypervolaemia). લોહીના રક્તકોષો ફૂલે છે કે તૂટી જાય છે. તેમાંનું પોટૅશિયમ છૂટું પડે છે. આને રક્તકોષલયન (haemolysis) કહે છે. 2 કે 3 મિનિટમાં જ લોહીની સાંદ્રતા (concentration) 50 % થઈ જાય છે. તેને કારણે હૃદયનો વિકાર થાય છે. લોહીના કોષોનું તૂટવું, સોડિયમની ઊણપ થવી, પોટૅશિયમનું વધવું, ઑક્સિજનના વહનમાં ઘટાડો થવો વગેરે વિવિધ પ્રક્રિયાઓને કારણે હૃદયના ક્ષેપકના તંતુઓનું કંપન (fibrilation) થાય છે. હૃદયના ધબકારા બંધ થાય છે અને વ્યક્તિ 4થી 5 મિનિટમાં મૃત્યુ પામે છે.

સમુદ્રના ખારા પાણીનો આસૃતિદાબ વધુ હોય છે અને તેથી લોહીના રુધિરજળમાંનું પાણી ફેફસાંમાં ખેંચાઈ આવે છે. તે ઉપરાંત ક્ષાર-આયનોનું અસંતુલન પણ થાય છે, જેમાં મુખ્યત્વે સોડિયમ અને ક્લોરાઇડ લોહીમાં પ્રવેશે છે. હૃદયનો કોઈ વિશેષ વિકાર થતો નથી. તેથી કદાચ મીઠા પાણી કરતાં ખારા પાણીમાં વ્યક્તિ વધારે સમય જીવિત રહે છે. ફેફસાંમાં પાણી ભરાવાથી તે સૂજી જાય છે અને રુધિરાભિસરણ અટકે છે. તેને કારણે હૃદયગતિ અવરોધાય છે, જેને 8થી 12 મિનિટ લાગે છે. અંતે લોહીનું ઉપલું દબાણ ઘટવાથી મૃત્યુ નીપજે છે.

(2) વિશેષ પ્રકારનું ડૂબવું : તેના ત્રણ પ્રકાર છે : (ક) શુષ્ક ડૂબવું (dry drowning). જ્યારે પાણી કે પ્રવાહી સ્વરયંત્ર (larynx) અથવા નાસાગ્રસની (nasopharynx)માં પ્રવેશે ત્યારે સ્વરયંત્રના સ્નાયુઓ સંકોચાય છે. તેથી શ્વસનમાર્ગ અને ફેફસાંમાં પાણી પ્રવેશતું નથી અથવા તો ક્યારેક નહિવત્ પાણી પ્રવેશે છે. વ્યક્તિનું શ્વાસમાં અવરોધને કારણે મૃત્યુ થાય છે. ડૂબવાના કિસ્સાઓમાંથી 20 % આ પ્રકારના મળે છે. આવા કિસ્સામાં પુનર્જીવન(resuscitation)ના પ્રયાસ સફળ થઈ શકે છે.

(ખ) નિમજ્જન સંલક્ષણ (immersion drowning) : ઠંડું પાણી કે પ્રવાહી અચાનક શરીરના સંસર્ગમાં આવતાં આઘાતથી વેગસ નામની ચેતાનું સંદમન (inhibition) થાય છે અને તેથી હૃદય બંધ પડી જતાં મૃત્યુ થાય છે. વધુ માત્રામાં દારૂ પીધેલી યુવાન વ્યક્તિઓ આનો વધુ ભોગ બને છે. પાણીમાં પ્રથમ પગ પ્રવેશે તેમ પડવાથી, ડૂબકી મારવાથી, બિનઅનુભવી વ્યક્તિ દ્વારા બતકની જેમ તરવાથી, જટિલ તરવાની ક્રિયાથી કે પાણીમાં સમક્ષિતિજ સપાટીમાં પેટ ઉપર પાણીની ટક્કર વાગે તે રીતે પડવાથી  પણ વેગસ-સંદમન થાય છે અને વ્યક્તિ તે જ ક્ષણે ચેતના ગુમાવી થોડી મિનિટોમાં મૃત્યુ પામે છે. અચાનક થતી ઉત્તેજના કે લાગણીવશતાથી પણ વેગસ-સંદમન થાય છે.

(ગ) બેભાન અવસ્થામાં ડૂબવું: અપસ્માર(epilepsy)નો રોગ, હૃદ્-ધમનીના કાઠિન્ય (coronary atheroma) વાળો હૃદયનો રોગ, લોહીનું ઊંચું દબાણ, દારૂ પીધેલી હાલત અથવા પાણીમાં પડતી વખતે મસ્તકમાં ઈજા વગેરે કારણોથી બેભાન અવસ્થામાં ડૂબવાથી મૃત્યુ થાય છે. મગજમાંની ફૂલેલી નસ (aneurysm) ફાટવાથી  અથવા તેમાં લોહી વહેવાથી (cerebral haemarrhage) પણ વ્યક્તિ બેહોશ થઈ પડી જાય છે. આવા કિસ્સામાં પણ ડૂબવાથી મૃત્યુનું સંપૂર્ણ ચિત્ર મળતું નથી. ફેફસાં ફૂલતાં નથી અને તેમાં ફીણ થોડુંક જ થાય છે.

ડૂબવાની વ્યાખ્યાની બહારનો એક પ્રકાર ગૌણ–કે લગભગ–ડૂબવું (near drowning) છે. તેમાં મુખ્યત્વે શ્વાસમાં ગયેલ પ્રદૂષિત પાણીથી ફેફસાંમાં થતી તકલીફોને કારણે મૃત્યુ થાય છે. આ પ્રકારની સ્થિતિમાં પ્રાણવાયુનો અભાવ ઉદભવે છે, હૃદયના સ્નાયુઓ શિથિલ થાય છે. મગજ પર સોજો આવે છે. ડૂબેલી વ્યક્તિને પાણીની બહાર કાઢતાં તે ચેતના દર્શાવે છે અને શ્વાસ લેતી થાય છે. પુનર્જીવિત કરવાના પ્રયાસો સફળ નીવડે છે, પરંતુ પાછળથી તેની તબિયત એકાએક બગડે છે. શ્વસનની તકલીફ, લોહીના દબાણમાં ઘટાડો અને હૃદયની અનિયમિત ગતિથી મૃત્યુ થાય છે. આવી વ્યક્તિઓને હૉસ્પિટલમાં અવલોકન હેઠળ રાખવામાં આવે છે. ડૂબવાથી થતા મૃત્યુના ચોથા ભાગનાં મૃત્યુ આ પ્રકારનાં હોય છે.

ડૂબવાના કિસ્સામાં ઉપચાર : ડૂબેલી વ્યક્તિના ઉપચારમાં તેને પાણીમાંથી બહાર કાઢી તેના હૃદય અને શ્વસનતંત્રને તાત્કાલિક કાર્યાન્વિત કરવાનાં રહે છે. આ માટે (1) કૃત્રિમ શ્વસન (artificial respiration) અને (2) હૃદયને ફરીથી ધબકતું કરવા માટે છાતી પર મસાજ અપાય છે. ઉપચાર ખુલ્લી હવામાં તુરત જ શરૂ કરવો પડે છે. પ્રથમ ભીનાં કપડાં દૂર કરી શરીરને કામળા કે ગરમ પાણીની કોથળીઓથી ગરમ રાખવામાં આવે છે. ઉપચાર સફળ નીવડે તો વ્યક્તિને ગરમ રાખી થોડો સમય નિરીક્ષણ હેઠળ રખાય છે, જેથી ગૌણ ડૂબવાનો કિસ્સો ન બને.

કૃત્રિમ શ્વસન : વ્યક્તિને તેની પીઠ સખત સપાટી પર રહે તે રીતે સુવડાવવામાં આવે છે. તેના શ્વસનમાર્ગો નાક, મુખ તથા ગળું સાફ કરવામાં આવે છે. માથાને પાછળની બાજુ સહેજ વાળીને નીચલા જડબાને ખૂણા પર આંગળાંથી દબાણ આપવામાં આવે છે. આથી હડપચીને ઉત્થિત કરવામાં આવે છે. ત્યારબાદ ઉપચારકર્તા દર્દીના મુખમાં મુખ રાખી અથવા ખાસ પ્રકારની નળીથી  કે નાકમાં મુખ રાખીને તેને શ્વસન આપે છે. પ્રથમ ઊંડો શ્વાસ લઈ વયસ્કને મિનિટના 15થી 20 અને બાળકને 20થી 30 વખતની ગતિથી દર્દીના મુખમાં, નાકમાં કે નળીમાં સીધી ઉચ્છવાસ દ્વારા  હવા ભરે છે. વયસ્કને ઊંડા શ્વાસની અને બાળકને થોડી હવાની જ જરૂર પડે છે. તે સાથે જ દર્દીના પેટ ઉપર હળવેથી હાથ દબાવી હવા ભરતાં છાતી કેટલી ફૂલે છે તે જોવામાં આવે છે. દર્દીનાં ફેફસાંમાં ભરેલી હવા પોતાની મેળે જ નીકળી જવા દેવામાં આવે છે. હવાથી ફૂલતી છાતી અને દર્દીના વર્ણમાં આવતી લાલાશથી તેનાં ફેફસાંમાં સરખી હવા  ભરાય છે કે કેમ તે જાણી શકાય છે. એકાદ કલાક અથવા કુદરતી શ્વસન પ્રસ્થાપિત થાય ત્યાં સુધી તે ચાલુ રાખવામાં આવે છે. જો દર્દીનું મૃત્યુ થયાનું નિશ્ચિત થાય તો આ ક્રિયા બંધ કરવામાં આવે છે.

આકૃતિ 1 : સમયાંતરિત સદાબ કૃત્રિમ શ્વસન
(ક) હાથ વડે માથાની પાછલી બાજુ વાળવામાં આવે છે. (ખ) મુખમાં મુખ રાખીને કૃત્રિમ શ્વાસોચ્છવાસ વડે પુનર્જીવન કરાય છે. (1) ઉચ્છવાસથી હવા ભરવાના દરેક વખતે છાતી ઊપસે છે કે કેમ તે જોતાં રહેવામાં આવે છે.

હૃદમર્દન (cardiac massage) : આ ક્રિયાનો ઉદ્દેશ વક્ષાસ્થિ (sternum) અને કરોડસ્તંભ(spinal column)ની વચ્ચે હૃદયને દબાવી તેના ક્ષેપકો(ventricles)માંથી લોહી બહાર ધકેલવાનો છે. દર્દીને સખત સપાટી પર પીઠ રાખી સુવડાવી ઉપચારકર્તા પોતાના બંને હાથ એકબીજા ઉપર રાખી છાતીની મધ્યમાં આવેલા વક્ષાસ્થિ નામના હાડકાના નીચેના છેડા પર ઉર:પત્રક(xiphisternum)ની બરોબર ઉપર રાખી તાલબદ્ધ, બળપૂર્વક મિનિટમાં 60થી 80 વખત દબાણ આપી માલિશ કરે છે. દબાણ વક્ષાસ્થિના નીચેના  અર્ધા ભાગમાં જ આપવામાં આવે છે. બીજે ક્યાંય આપવાથી પાંસળીઓ, યકૃત (liver) અને બરોળ(sleen)ને નુકસાન થવાનો ડર રહે છે. દબાણ માટેનું બળ ગળા અને જાંઘમાંની ધમનીઓમાં નાડી સ્પંદન થાય તેટલું હોવું જોઈએ એવું મનાય છે. હૃદયની ગતિ ફરી શરૂ થવાની આશા જણાય ત્યાં સુધી ક્રિયા ચાલુ રખાય છે.

ઉપચારકર્તા દર્દીની બાજુએ ઘૂંટણ ઉપર ઊભા રહીને હાથથી હૃદયદબાણ અને મુખથી મુખ દ્વારા ફેફસાંમાં હવા ભરવાનું એમ બંને ઉપચાર એકસાથે પણ કરી શકે છે (જુઓ આકૃતિ 2). સહાયકની મદદથી દર્દીને ઉપચાર દરમિયાન તપાસતાં પણ રહેવું પડે છે. લગભગ 15 મિનિટ સુધીમાં દર્દીની અવસ્થામાં કોઈ સુધારો ન જણાય તો સફળતાની આશા ઓછી રહે છે.

આકૃતિ 2 : કૃત્રિમ શ્વસન અને હૃદયને ફરી કાર્યાન્વિત કરવાનો પ્રયાસ : (1) બ્રુકની નળી, (2) શ્વાસોચ્છવાસ વખતે છાતીના ફૂલવા તરફ નજર, (3) હાથ વડે છાતી પર દબાણ.
(ક) દર્દીને પીઠ પર સુવડાવી માથાને પૂરેપૂરું પાછળની તરફ વાળીને જીભ ઉપરથી બ્રુકની નળી દાખલ કરવામાં આવે છે. હડપચી ઉપર ઉઠાવી નાકના છિદ્રને આંગળીઓથી બંધ કરાય છે. દર 3થી 4 સેકન્ડ જોરથી હવા ફૂંકીને છાતી ફૂલે છે કે નહિ તે જોવામાં આવે છે. છાતીમાંથી હવા બહાર આવે છે કે નહિ તે ચકાસવા માટે તેના અવાજ તરફ ધ્યાન અપાય છે. (ખ) 1થી 2 મિનિટ સુધી કોઈ સુધારો ન જણાય તો વક્ષાસ્થિ(sternum)ના નીચેના ભાગમાં ત્રણ વખત મુઠ્ઠી-પ્રહાર કરાય છે. (ગ)–(ઘ) આમ છતાં પણ એક મિનિટ પછી કોઈ સુધારો ન જણાય તો હૃદયના માલિશની પુનર્જીવન પદ્ધતિ શરૂ કરાય છે. વક્ષાસ્થિના નીચલા ભાગ પર એક ઉપર એક એમ બાહુઓને સીધા રાખીને દર મિનિટે 60થી 80 વખત જોરથી દબાવવામાં આવે છે. (ચ) કૃત્રિમ શ્વસન ચાલુ રખાવવું.

પીવાના પાણીમાં ડૂબેલ અને નાડીસ્પંદન મળતાં હોય તેવી વ્યક્તિના ઉપચારમાં છાતી ઉપર ડીફિબ્રીલેટરનો ઉપયોગ કરીને હૃદયના ધબકારા નિયમિત કરાય છે. જરૂર પડ્યે નસ વાટે લોહી કે ક્ષારયુક્ત પ્રવાહી અપાય છે. સમુદ્રના ખારા પાણીમાં ડૂબેલ વ્યક્તિના કિસ્સામાં તેના શરીરમાં  વધારેમાં વધારે પ્રાણવાયુ દાખલ થાય તે માટે દાબપૂર્વક શ્વસન(positive pressure breathing)ની ક્રિયા કરાવાય છે અને શરીરમાં અલ્પઆસૃતિ (hypotonic) પ્રવાહી દાખલ કરીને લોહીની ઘટ્ટતા (haemoconcentration) ઘટાડાય છે.

તબીબકાનૂની ર્દષ્ટિકોણ (medico-legal aspect) : ન્યાય-સહાયક તબીબીશાસ્ત્ર (forensic medicine) માટે પાણીમાંથી મળતા શબની તપાસ મુશ્કેલ બાબત છે અને લાંબા સમયે મળતાં શબ તેમાં વધારો કરે છે. વ્યક્તિ પાણીમાં પડતાં પહેલાં કે પડ્યા પછી કુદરતી કારણોથી અથવા કોઈ ઈજાથી મૃત્યુ પામેલી હોય તેમજ ડૂબવા સિવાય પાણીમાં લપસવાથી અથવા ડૂબવાથી મૃત્યુ પામેલી હોય પરંતુ બધા કિસ્સામાં ડૂબવાનાં ચિહનો જ મળે છે. તબીબે મુખ્ય 4 બાબતો તપાસવાની રહે છે : (1) મૃત્યુ પામનારની ઓળખ, (2) ડૂબવાથી મૃત્યુ થયાનો સમય, (3) મૃત્યુ ડૂબવાથી જ થયેલું છે કે નહિ, અને (4) બનાવ આત્મહત્યા, માનવહત્યા કે અકસ્માત છે.

(1) ઓળખ : ચહેરો સ્પષ્ટ હોય તો ઓળખ સહેલાઈથી થાય છે. આંગળાંની છાપો પણ મદદરૂપ બને છે. ચહેરાનું માંસ મોટેભાગે માછલાં કે અન્ય પ્રાણીઓ ખાઈ જતાં હોઈ ચહેરાથી જવલ્લે જ ઓળખ થઈ શકે છે.  આથી શરીર પરથી મળતા દાગીના, દોરો, વીંટી, કાંડા ઘડિયાળ કે ખિસ્સામાંથી મળતાં પાકીટ, કાગળ, કાર્ડ, ચિઠ્ઠી ઉપયોગી બને છે. વ્યક્તિની ઊંચાઈ, જાતિ (લિંગ), માથાના વાળ, ખોડખાંપણ, ચાઠાં કે છૂંદણાંનાં ચિહનો મળે તો તે ઉપયોગી થાય છે. શરીરનું હાડપિંજર જ મળે તો હાડકાંનું પરીક્ષણ કરવાનું રહે છે.

(2) મૃત્યુ થયાનો સમય : મૃત્યુ થયાનો ચોક્કસ સમય મળવો મુશ્કેલ  હોય છે. મૃત્યુ અને પરીક્ષણ વચ્ચે જેમ સમયગાળો વધુ તેમ ચોકસાઈ ઘટે છે. ઘણીવાર વૉટરપ્રૂફ ન હોય તેવી કાંડા-ઘડિયાળમાં બંધ પડવાનો સમય અને ક્યારેક તારીખ જણાઈ આવે જે થોડો ચોક્કસ સમય આપે છે. વિવિધ નિરીક્ષણોથી આશરે સમય મળે છે : (ક) ચામડીના બહારના પડમાં અંત:શોષણથી તે ભીની, જાડી, ભારે કરચલીવાળી સફેદ રંગની બને છે. તેનો દેખાવ, કપડાં ધોનાર સ્ત્રીના હાથપગની ત્વચા જેવો હોય છે. આંગળાંનાં ટેરવાંમાં આ ફેરફાર 2થી 4 ક્લાકમાં અને હથેળી અને પગનાં તળિયાંમાં 12થી 24 ક્લાકમાં થાય છે. હાથપગની ત્વચા 2થી 4 અઠવાડિયાંમાં મોજાની જેમ નીકળી આવે છે. ગરમ પાણીમાં  આ ફેરફાર ઝડપી થાય છે. (ખ) પાણીમાં શબનું તાપમાન ઘટવાનો દર મળે (સામાન્ય રીતે હવા કરતાં તે બમણો હોય છે) તો મળેલ શબના તાપમાન ઉપરથી સમય જાણી શકાય છે. (ગ) સડેલું (putrefied) શબ વાયુથી ફૂલીને ઉનાળામાં 24 કલાકે અને શિયાળામાં 2થી 3 દિવસમાં ઉપર આવે છે. (ઘ) શબ ઉપરથી મળતાં જીવડાં પણ સમય નિશ્ચિત કરવામાં ઉપયોગી બને છે. (ચ) મીઠા પાણીમાં સડો (કોહવાટ) જલદી થાય છે. શરીરના ઉપરના ભાગોમાં તે પ્રથમ થાય છે.

(3) ડૂબવાથી મૃત્યુ થયેલું છે (antemortem drowning) કે વ્યક્તિને મૃત્યુ બાદ ડુબાડવામાં આવેલ છે (postmortem drowning) તે નક્કી કરવાનું રહે છે. ડૂબવાથી થતા મૃત્યુમાં નીચેનાં ચિહનો મળે છે : (ક) નાક અને મુખમાંથી પુષ્કળ બારીક ફીણ નીકળે છે. (ખ) વ્યક્તિની બંધ મૂઠીમાંથી પાણીમાંનાં કાદવ, રેતી, છોડ વગેરે મળે છે. (ગ) ફેફસાં સૂજેલાં અને કદમાં વિસ્તરેલાં હોય છે અને (ઘ) શરીરની પેશીઓ (tissues) ખાસ કરીને મગજ અને અસ્થિમજ્જા(bone marrow)માં દ્વિ-પરમાણુ (diatom) મળે છે.

મોં અને નાકમાંથી ફીણ એ ચોક્કસ નિશાની છે પરંતુ ગૂંગળામણ, વિદ્યુતઆઘાત અને અફીણના ઝેરથી થતા મૃત્યુમાં પણ તે નીકળે છે. પરંતુ મોં  અને નાકમાં ફીણ સાફ કરીને છાતી ઉપર દબાણ આપતાં ફરીથી ફીણ નીકળે તો તે ડૂબવાની ચોક્કસ નિશાની છે. ઉપરની હકીકતોમાં સડવાના કારણે ઘણા ફેરફાર થાય છે. શંકાસ્પદ કિસ્સાઓમાં  ચોક્કસ અભિપ્રાય માટે પેશીઓનું વિશેષ રાસાયણિક પૃથક્કરણ કરવું પડે છે.

(4) આત્મહત્યા, માનવહત્યા કે અકસ્માત : આ ત્રણે કિસ્સાઓમાં ડૂબવાથી મૃત્યુ થયાનો દેખાવ સરખો હોઈ સાંયોગિક પુરાવા ધ્યાનમાં લેવાના રહે છે. આત્મહત્યાની ચિઠ્ઠી, બાથરૂમમાં આત્મહત્યા કરેલ હોય તો દરવાજાની કડી અંદરથી બંધ હોવી, કૂવા કે તળાવકાંઠે વ્યક્તિનાં વ્યવસ્થિત પડેલ ચંપલ કે બૂટ આત્મહત્યાની સંભાવના દર્શાવી શકે. હાથપગ જાતે બાંધી શકાય કે વજન લટકાવી શકાય તેવી શબની સ્થિતિ પણ આત્મહત્યા દર્શાવી શકે. કપડાં કે શરીર ઉપર ઝપાઝપીનાં નિશાનની ગેરહાજરી પણ આત્મહત્યા સૂચવે છે, શરીર કે કપડાં ઉપર ઝપાઝપીનાં નિશાન, વ્યક્તિના પાછળ બાંધેલ હાથ, પગમાં બાંધેલ અતિ ભારે વજન તેમજ છીછરા પાણીમાંથી શબ મળે તો તે માનવહત્યા હોઈ શકે છે. હોજરીમાં દારૂની હાજરી અકસ્માતનું સૂચન કરે છે. અકસ્માતે ડૂબવાના કિસ્સા બાળકો, સ્નાનાર્થીઓ, માછીમાર, નૌસેનાના કર્મચારીઓ, નશા કે અપસ્મારના દર્દીઓમાં વધારે બને છે. પાણીમાં પડતી વખતે  સખત પદાર્થ સાથે અથડાવાથી ઈજા થઈ શકે છે. તે ઈજા મૃત્યુ પહેલાંની હોય છે. પાણીમાં મૃત્યુ બાદ માછલી, દેડકાં, કરચલાં કે બીજાં જળચર પ્રાણીઓ તેમજ પસાર થતાં વહાણ વગેરેથી પણ ઈજા થાય છે. આથી નિદાનમાં ભૂલ થઈ શકે છે. ઈજાઓનું વિશિષ્ટ સ્થાન, મરણોત્તર સ્વરૂપ તથા ચાંચ મારીને કરેલ કોતરણ જેવાં લક્ષણોથી તેની ઓળખ કરવાની રહે છે.

સડવાની ક્રિયાથી ડૂબવાનાં નિશાન અસ્પષ્ટ થાય છે કે ભૂંસાઈ જાય છે. શરૂના તબક્કે નિદાન શક્ય છે. પરંતુ વધુ વિઘટિત શબમાં તે મુશ્કેલ બને છે. આથી શબના અવયવોનું રાસાયણિક પૃથક્કરણ કરવામાં આવે છે. સડેલી સ્થિતિમાં પણ જો અસ્થિમજ્જામાં દ્વિ-પરમાણુ મળે તો મૃત્યુ ડૂબવાથી થયાનું કહી શકાય છે. વિશેષમાં રાસાયણિક પૃથક્કરણથી ઝેર અંગે અભિપ્રાય મળે છે. જો બંને પરીક્ષણ નકારાત્મક પરિણામ આપે તો મૃત્યુનું કારણ કહી શકાય નહિ. ડૂબવાના કિસ્સામાં હૃદયના લોહી અને ખારા અને મીઠા પાણીથી થતા વીજ-દ્રાવણીય ફેરફારોનું પ્રયોગશાળામાં રાસાયણિક પૃથક્કરણ કરવાના પ્રયત્નોમાં જુદાં જુદાં પરિણામો મળે છે. તેથી કોઈ ચોક્કસ નિર્ણય કરી શકાતો નથી.

નીચે જણાવેલ દ્વિ-પરમાણુ-પરીક્ષણ પદ્ધતિ પણ હજુ કાનૂની સાબિતી માટે પૂરતી વિશ્વસનીય ગણાયેલી નથી.

દ્વિ-પરમાણુ-પરીક્ષણ : રેવેન સ્ટોર્ફે 1904માં ડૂબવાના કિસ્સામાં દ્વિ-પરમાણુ-પરીક્ષણ કરવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો. સમુદ્રના ખારા પાણી અને ચોખ્ખા મીઠા પાણીમાં આ દ્વિપરમાણુ હોય છે. તે 25000 પ્રકારના છે અને તે તૂટી ન શકે તેવું સિલિકોનનું કવચ ધરાવે છે. આ દ્વિપરમાણુની લંબાઈ 2 માઇક્રોનથી 1 મિમી. જેટલી અને મોટાભાગનાની 10થી 80 માઇક્રોન જેટલી હોય છે. તેની પહોળાઈ 10 માઇક્રોન આસપાસ હોય છે. જ્યારે વ્યક્તિ પાણીમાં પડે ત્યારે દ્વિ-પરમાણુ પાણી સાથે ફેફસાંમાં જાય છે ત્યારે હૃદય ધબકતું હોઈ દ્વિ-પરમાણુ લોહીના પરિભ્રમણમાં જઈ દૂરના અવયવો જેવા કે મૂત્રપિંડ, મગજ અને અસ્થિમજ્જામાં જમા થાય છે. જો મૃત વ્યક્તિને પાણીમાં ફેંકેલ હોય તો દ્વિ-પરમાણુ ફેફસાંમાં જાય છે. પરંતુ હૃદય બંધ હોઈ પરિભ્રમણમાં જતા નથી તેથી બીજા અવયવોની પેશીઓમાં અસ્થિમજ્જા અને મગજ જેવી કોહવાયેલ શબની રક્ષિત પેશીઓ, ડૂબવાથી મૃત્યુના કિસ્સામાં દ્વિ-પરમાણુ મળી શકે છે. શબ જ્યાંથી મળ્યું હોય ત્યાંથી પાણીનો નમૂનો  લઈ તેમાં અને શરીરની પેશીઓમાં દ્વિ-પરમાણુ શોધી જુદા જુદા દ્વિ-પરમાણુની સરખામણી કરી સૂચક પરિણામ મેળવી શકાય છે. કેટલાંક પરીક્ષણોમાં શંકારહિત ડૂબવાના કિસ્સામાં પણ પરિણામ ખોટાં મળ્યાં છે અને ડૂબવાના કિસ્સા ન હોય તેમાં પણ દ્વિ-પરમાણુ મળ્યા છે. વળી અન્ય કારણોને લઈ દ્વિ-પરમાણુની હાજરી મળી શકે છે તેવું પ્રસ્થાપિત થયું છે. તેથી દ્વિ-પરમાણુ પરીક્ષણની વિશ્વસનીયતા અપૂરતી ગણાય છે.

લાલજી વિ. કરગથરા