ડૂમ્ઝડે બુક : વિલિયમ-1, ધ કૉન્કરરના 1086ના આદેશાનુસાર ઇંગ્લૅન્ડની જમીન-જાયદાદની માપણી અને તેના મૂલ્યનિર્ધારણના દફતરની મૂળ હસ્તપ્રત. અસલ હસ્તપ્રતને બે દળદાર ગ્રંથોમાં બાંધીને લંડનની ચાન્સરી લેઇનમાં આવેલી જાહેર દફતર કચેરી(Public Record Office)ના સંગ્રહમાં જાળવવામાં આવેલ છે. અંગ્રેજ પ્રજાના ઇતિહાસની શરૂઆતના આધારબિંદુ સમો આ દસ્તાવેજ ઇંગ્લૅન્ડના ઍંગ્લોનૉર્મન સમયના અભ્યાસીઓ માટે સવિશેષ અગત્યનો છે. સમકાલીનો તે સમસ્ત પ્રક્રિયાને ‘ઇંગ્લૅન્ડનું વર્ણન’ કહી ઓળખાવતા. પરંતુ પ્રચલિત અર્થમાં તો ડૂમ્ઝડે બુક એટલે જેના વિશે બેમત ન હોઈ શકે અથવા તો જેના માટે કોઈ પણ પ્રકારનો કાનૂની વિવાદ ઉપસ્થિત કરી શકાય નહિ તેવું જમીનવિષયક બારમી સદીનું પહાણીપત્રક. તેની ઝીણવટભરી વિગત અને જે ઝડપે તેને અમલમાં મૂકવામાં આવી તે હકીકતનો મધ્યકાલીન યુગમાં જોટો નથી.

ડૂમ્ઝડે બુક

આમ વહીવટી ક્ષેત્રે મધ્યયુગની એ અનુપમ સિદ્ધિ ગણાય છે. જોકે તે વખતનો પ્રજામત બહુધા આ પ્રકારની મોજણીની વિરુદ્ધ હતો. પોતાના નામે થયેલ અને બક્ષિસ તરીકે આપવામાં આવેલ જમીન-જાગીરો અને બાકીની ખાલી જમીન ઉપર કઈ કઈ વ્યક્તિને માલિકી હક આપી વસાવવામાં આવી હતી તે વિશે રાજાને જાણકારી પ્રાપ્ત કરવી હતી. 7 કે 8 કમિશનરોની સીધી દેખરેખ નીચે કરાવાયેલ મિલકતના સર્વેક્ષણમાંથી રાજાના મુલકી અને  સનદી કારકુનોએ જરૂરી હકીકત તારવીને તૈયાર કરેલ માહિતીની નોંધના ચોપડાનું ‘ડૂમ્ઝડે બુક’ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું. તેમાં નૉર્ધમ્બલૅન્ડ, ડરહામ, વેસ્ટમૉર્લૅન્ડ કમ્બર્લૅન્ડ અને નૉર્ધર્ન લકેશાયર સિવાયનાં ઇંગ્લૅન્ડનાં તમામ પરગણાંઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મૂળમાં ડૂમ્ઝડે બુકના બે ભાગ હતા : (1) ગ્રેટ ડૂમ્ઝડેમાં ઇસેક્સ, નૉર્ફૉક અને સફૉક સિવાયના પ્રદેશોને આવરી લેવાયા હતા; (2) જ્યારે લિટલ ડૂમ્ઝડેમાં ઉપરના ત્રણેય પ્રદેશોનું દફતર અંકે કરવામાં આવ્યું હતું. કોઈ અજ્ઞાત કારણોસર આ બીજા ભાગનો સમાવેશ તેના મૂળ ગ્રંથમાં કદાપિ કરવામાં આવ્યો ન હતો. ડૂમ્ઝડે સંબંધિત દસ્તાવેજી ગ્રંથોમાં ઍક્શન ડૂમ્ઝડે (સમરસૅટ, ડૉર્સેટ, વિલ્ટશાયર, ડેવન અને કૉર્નવેલનાં પરગણાંઓને આવરી લેતાં) તથા ‘ધ ઇન્ક્વિઝિશન ઑવ્ ધ કન્ટ્રી ઑવ્ કેમ્બ્રિજ’ (Inquisitio committatus canta – bridginsis)ની નોંધ લેવી ઘટે. આ બીજા ગ્રંથમાં તો કમિશનરોએ ડૂમ્ઝડે અંગેની માહિતી માટે રીતસરની કઈ કાર્યવહી કરવી તેની વિગત મળી આવે છે. તેમાં સોગંદનામા સાથેની પ્રશ્નોત્તરી પણ છે. આમાં જમીનજાગીરના માલિકે ખાસ સવાલોના જવાબ આપવાના હતા. જે તે પરગણાના મુખ્ય નગરમાં ખાસ અધિકારીઓ સમક્ષ શરીફ, બૅરન તથા તેમના ગણોતિયાઓ અને પ્રત્યેક ગામની 100  વ્યક્તિઓ દીઠ 1 એવા પ્રતિનિધિઓ પાસેથી જરૂરી માહિતી એકત્ર કરવામાં આવતી હતી. આ સમસ્ત નોંધણી ભૌગોલિક પદ્ધતિએ કરવામાં આવી હતી. વિન્ચેસ્ટરના રાજદરબારમાં મોકલાવતાં પહેલાં જે તે જમીન અને મિલકતની નોંધ રાજા કે તેના ઉમરાવોને નામે આકારવામાં આવતી. આમ સામંતશાહી સમાજના નૉર્મન ખ્યાલને ઇંગ્લૅન્ડમાં અનુમોદન અપાયું તેનું નિમિત્ત આ દસ્તાવેજ બની રહે છે.

ભાગ 1 માં પ્રત્યેક પરગણાના શીર્ષક નીચે જમીનના માલિકો કે ખાતેદારો તરીકે રાજાના નામથી શરૂ કરી તદ્દન સામાન્ય પણ મુખ્ય ગણોતિયાની યાદી તૈયાર કરવામાં આવી હતી. આમાં જાગીર, વતન અને સામંતના નામ સહિત સંપત્તિ મેળવનાર અને આપનારની વિગત છે. સૌથી  લાંબી સૂચિ વિશિષ્ટ સેવાના બદલામાં જાગીર મેળવનાર સામંતોની છે. 1066 અને 1086માં જમીનના કબજેદારોનાં જે તે નામો, તેમની પ્રત્યેકની જમીનની મોજણી અને ખેતશક્તિ અને તે જમીન ઉપર કામ કરતા જુદા જુદા વર્ગના ગણોતિયાઓનાં નામ સાથે તેમની  ઘરઘંટી, જાતિવાર પાલતુ પશુઓ, મત્સ્યપાલન કેન્દ્ર અને બીજાં તમામ પ્રકારનાં આવકનાં સાધનોની નોંધ અને છેવટે પ્રત્યેકની પાઉન્ડના ચલણમાં કિંમત આકારવામાં આવી છે. આમ ઇંગ્લૅન્ડનાં મોટા ભાગનાં શહેરો–પરગણાં માટે (જોકે તેમાં લંડન અને વિન્ચેસ્ટરનો સમાવેશ થયો ન હતો; એ બે માટે કોઈ ડૂમ્ઝડે રૅકર્ડ ઉપલબ્ધ નથી.) ડૂમ્ઝડે બુક  અંગ્રેજ પ્રજાના વહીવટી  ઇતિહાસનો સીમાચિહનરૂપ ગ્રંથ  ઠરે છે. સામંતશાહી આર્થિક વ્યવસ્થાની ઓથમાં રાજસત્તા ભવિષ્યમાં તેનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી શકે તેવી દીર્ઘર્દષ્ટિને ખ્યાલમાં રાખી એક પરદેશી નૉર્મન વિજેતા ઇંગ્લૅન્ડ પર પોતે લાદેલાં સામાજિક પરિવર્તનોને કેવું મજબૂત કાયદાકીય સ્વરૂપ આપી શકે તેનો અજોડ નમૂનો આ મહાસર્વેક્ષણ ગ્રંથમાં જોવા મળે છે. આજે પણ કોર્ટકચેરીના સાંપ્રત ખટલાઓમાં એમાંથી પુરાવાઓ ટાંકવામાં આવે છે.

વિ. પ્ર. ત્રિવેદી