ડુપ્લે, માર્ક્વિસ

January, 2014

ડુપ્લે, માર્ક્વિસ (જ. 1697, લેન્ડ્રેસીસ, ફ્રાન્સ; અ. 10 નવેમ્બર 1763, પૅરિસ) : ફ્રેન્ચ સત્તા હેઠળના ભારતના એક વખતના સાંસ્થાનિક વહીવટદાર અને ગવર્નર જનરલ. ભારતમાં ફ્રેન્ચ સામ્રાજ્ય સ્થાપવાનું સ્વપ્ન તેઓ સેવતા હતા. તેઓ કલ્પનાશીલ રાજપુરુષ હતા. તેમના પિતા ફ્રાંસ્વા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક ડિરેક્ટર હતા. તેમણે ડુપ્લેને 1715માં ભારત તથા અમેરિકાના પ્રવાસે મોકલ્યા હતા. પિતાની લાગવગથી 1720માં તેમને પુદુચેરીની સુપીરિયર કાઉન્સિલમાં નીમવામાં આવ્યા. તે સમયે ભારતમાં ફ્રેન્ચ સંસ્થાનોનું મુખ્યકેન્દ્ર પુદુચેરીમાં હતું. 1731માં ડુપ્લેને બંગાળના ચંદ્રનગરમાં ફ્રેન્ચ કોઠીના સુપરિન્ટેડેન્ટ તથા ત્યારબાદ અગિયાર વર્ષ પછી ભારતની બધી ફ્રેન્ચ વસાહતોના ગવર્નર-જનરલ નીમવામાં આવ્યા.

યુરોપમાં ઑસ્ટ્રિયાના વારસાવિગ્રહ (1740–48) વખતે 1744માં ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે લડાઈ શરૂ થઈ. આ સમયે પોતાની સ્થિતિ મજબૂત ન હોવાથી ડુપ્લેએ ભારતમાં તટસ્થતા જાળવવા ચેન્નાઈના અંગ્રેજ ગવર્નરને સૂચન કર્યું. પરંતુ અંગ્રેજોએ તેનો અસ્વીકાર કર્યો. છેવટે ડુપ્લેના બોલાવવાથી મોરિશિયસના ગવર્નર લા બુર્દોનેસ નૌકાકાફલા સાથે ભારતના કોરોમાંડલ કિનારે જુલાઈ, 1746માં આવ્યો અને ડુપ્લેના કહેવાથી ચેન્નાઈને ઘેરો નાખી, સપ્ટેમ્બર, 1746માં તે જીતી લીધું. પરંતુ ડુપ્લેને સેન્ટ ડેવિડનો કિલ્લો કબજે કરવાના પ્રયાસમાં નિષ્ફળતા મળી. કર્ણાટકના નવાબ અનવરુદ્દીને ફ્રેન્ચો સામે મોકલેલા લશ્કરને તેમણે ચેન્નાઈ નજીક અડયારમાં હરાવ્યું. 1748માં યુરોપમાં થયેલી એ-લા-શાપેલની સંધિથી ભારતમાં પ્રથમ કર્ણાટક વિગ્રહનો અંત આવ્યો. તેના પરિણામે અંગ્રેજોને મદ્રાસ પાછું મળ્યું. અને ડુપ્લેની રાજકીય કારકિર્દી શરૂ થઈ.

દક્ષિણ ભારતની સત્તાઓની નબળાઈનો ખ્યાલ આવી જતાં, ડુપ્લેએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બરબાદ કરવા અને ફ્રેન્ચ સત્તાને મજબૂત બનાવવા કેટલાંક લશ્કરી જોડાણો કર્યાં. કર્ણાટકના નવાબપદ માટે ચંદાસાહેબના દાવાને તેમણે ટેકો આપ્યો. અંગ્રેજોએ તેમના હરીફ ઉમેદવારને ટેકો આપવાથી 1751માં બ્રિટિશ તથા ફ્રેન્ચ કંપનીઓ વચ્ચે લડાઈ થઈ. તેમાં રૉબર્ટ ક્લાઇવને લીધે દખ્ખણ સિવાયનાં બધાં ફ્રેન્ચ સૈન્યોને પરાજય મળ્યો. ફ્રેન્ચ કંપનીની નાણાકીય સ્થિતિ નબળી હતી. 1754માં ડુપ્લેને ફ્રેન્ચ કંપનીએ પાછા બોલાવી લીધા. તેમણે ભારતમાં  ફ્રેન્ચ કંપની માટે પોતાનાં નાણાં ખર્ચ્યાં હોવાથી તે મેળવવા પૅરિસમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પર દાવો માંડ્યો, પરંતુ તેમને નાણાં પાછાં મેળવવામાં નિષ્ફળતા મળી.

જયકુમાર ર. શુક્લ