ડુરાન્ડ કપ : ભારતમાં ખેલાતી મહત્વની ફૂટબૉલ-સ્પર્ધા. ઈ. સ. 1888માં સર માર્ટિમેર ડુરાન્ડેએ લશ્કરી સૈનિકો એમના ફાજલ સમયમાં ફૂટબૉલ રમે તે માટે આ કપની ભેટ આપી. તેમના નામ ઉપરથી આ કપ ડુરાન્ડ તરીકે જાણીતો થયો. 1888થી 1913 સુધી  સિમલામાં અને ત્યારબાદ દિલ્હીમાં આ સ્પર્ધા યોજાય છે. 1940માં દિલ્હીના નૅશનલ સ્ટેડિયમ પર ભારતની મોહમ્મદ સ્પૉર્ટિગ ક્લબે ફાઇનલ મૅચમાં ઇંગ્લૅન્ડની વૉરવિકશાયરની ટીમને હરાવીને નવો ઇતિહાસ સર્જ્યો, કારણ કે તે અગાઉ આ કપમાં અંગ્રેજ ટીમો જ વિજેતા બનતી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ અને 1962માં ભારત-ચીન યુદ્ધ સિવાય આ કપની સ્પર્ધા દર વર્ષે ભારત યોજે છે.

પ્રભુદયાલ શર્મા