ડાયોનિસસ (ઈ. સ. પૂ. 430થી 367) : સિરાક્યૂઝનો સરમુખત્યાર. કારકિર્દીની શરૂઆત કારકુન તરીકે કર્યા બાદ તે સૈનિક બન્યો. ઈ. સ. પૂ. 405માં તેના વતનના નગર સિરાક્યૂઝનો તે આપખુદ શાસક બન્યો. ત્યારબાદ આઠ વર્ષ સુધી તેણે સત્તાવિસ્તાર માટે નૅક્સોસ, કૅટેના અને લિયોન્ટોની નગરોના ગ્રીસવાસીઓને હાંકી કાઢીને તેમને ગુલામ બનાવ્યા.

કાર્થેજવાસીઓ સાથેના તેના પ્રથમ વિગ્રહ(ઈ. સ. પૂ. 397–396)માં તેણે વિજય પ્રાપ્ત કર્યો અને તેમને પશ્ચિમ અને દક્ષિણ સિસિલીમાંથી હાંકી કાઢ્યા. બીજા વિગ્રહ(ઈ. સ. પૂ. 392)ને અંતે પોતાને લાભદાયી સંધિ કરી. ઈ. સ. પૂ. 390 પછી તેણે દક્ષિણ ઇટાલીના રેજિયમ અને બીજાં ગ્રીક નગરો પર આક્રમણ કર્યું. ઈ. સ. પૂ. 386માં રેજિયમ જીતી લીધું અને બીજાં નગરોનો નાશ કર્યો. ત્યારથી ડાયોનિસસ ગ્રીક ઇટાલીમાં સૌથી શક્તિશાળી સરમુખત્યાર બન્યો.

ડાયોનિસસનો કાર્થેજ સાથેનો ત્રીજો વિગ્રહ (ઈ. સ. પૂ. 383–75) તેના માટે આપત્તિરૂપ બન્યો. તેમાં તેની હાર થઈ. પરિણામે કેટલાક પ્રદેશો કાર્થેજવાસીઓને પાછા આપવા પડ્યા.

ઍથેન્સનો ગ્રીક લેખક ઇસોક્રટીઝ ડાયોનિસસને ગ્રીક નગરરાજ્યોની એકતાના હિમાયતી તરીકે ઓળખાવે છે; પરંતુ તેની ક્રૂરતાને લીધે તે ગ્રીક નગરરાજ્યોમાં વધારે અપ્રિય બન્યો હતો. તેણે કલા તથા સાહિત્યને ઉત્તેજન આપ્યું હતું.

જયકુમાર ર. શુક્લ