ડાયૉસ્પાયરોસ : વનસ્પતિના દ્વિદળી વર્ગના અબનૂસાદિ (Ebenaceae) કુળમાં આવેલી એક પ્રજાતિ. સમગ્ર વિશ્વમાં તેની લગભગ 153 જેટલી જાતિઓ થાય છે. તે પૈકી 12 જેટલી જાતિઓ આર્થિક ર્દષ્ટિએ અગત્યની છે. ભારતમાં આશરે 41 જાતિઓ નોંધાયેલી છે. તેઓ ડૅક્કન, અસમ અને બંગાળનાં સદાહરિત જંગલોમાં મોટે ભાગે થાય છે. બહુ થોડી જાતિઓ ઉત્તર ભારતમાં થાય છે. તેની જાણીતી જાતિઓમાં Diospyros buxifolia (Blume) Hiren, (તા. ચિન્નાથુવરાઈ) D. chloroxylon, Roxb, (મ. નિનાઈ, નેન્સી, અં. ગ્રીન ઍબનિ) D. melanoxylon Roxb (ગુ. ટીમરુ), D. ebenum Koenig (ગુ. અબનૂસ), D. montana Roxb (ગુ. ટીંબરવો), D. cordifolia Roxb, D. tomentosa, Roxb (હિં. કાળું અબનૂસ, તેંડુ, કેંડુ) વગેરેનો સમાવેશ થાય છે.

આ પ્રજાતિની બધી જાતિઓ પ્રકાષ્ઠ (timber) માટે ઉપયોગી છે. તેમાં સૌથી મહત્વની જાતિ અબનૂસ છે. હલવા તેંડુ (D. kaki Linn અને ટીમરુ જેવી) કેટલીક જાતિઓનાં ફળો રસાળ અને ખાદ્ય હોય છે. D. buxifolia જેવી જાતિઓ શોભન-વૃક્ષ સ્વરૂપ હોય છે. તેમનો પર્ણસમૂહ સુંદર અને ચકચકિત હોય છે અને તેઓ આકર્ષક રંગનાં સ્વાદે રુચિકર અને તમતમાટવાળાં ખાદ્ય ફળો ધરાવતી હોય છે.

વાસ્તવિક અબનૂસ D. ebenumનું કાળા રંગનું અંત:કાષ્ઠ (heartwood) છે. પડી ગયેલાં વૃક્ષોના કાષ્ઠનું આછા રંગની બાહ્ય સપાટીવાળા પડને દૂર કરતાં તે પ્રાપ્ત થાય છે. તે ઘેરા રંગનું, મજબૂત અને સરસ ચમકવાળું હોય છે. તેનું કાષ્ઠ કિંમતમાં સસ્તું પડે છે અને રમકડા તથા રાચરચીલું બનાવવામાં ઉપયોગી છે. તેંડુ અને ટીમરુ પણ અબનૂસ ઉત્પન્ન કરતાં વૃક્ષો છે. જોકે મોટા ભાગની ડાયૉસ્પાયરોસની જાતિઓમાં અંત:કાષ્ઠ કાળા રંગની રેખાઓ ધરાવે છે અથવા તે કાબરચીતરું હોય છે. સૌથી જાણીતા બહુરંગી (variegated) અબનૂસ માર્બલ વૂડ (D. marmorata) અને કૅલામેન્ડર વૂડ(D.quaesita)માંથી મળે છે.

અબનૂસનું કાષ્ઠ કોતરણીકામમાં, છબી મઢવામાં, કબાટો, સંગીતનાં સાધનો, રાચરચીલું બનાવવામાં તથા કાંસકા, રમકડાં વગેરેમાં સીસમની જગાએ વપરાય છે. નિનાઈનાં ફળ ખાદ્ય હોય છે અને તેનાં પર્ણો ઢોર માટે ચારા તરીકે ઉપયોગી છે. ચિન્નાથુવરાઈનું કાષ્ઠ ઘણું પોચું હોવાથી તે દીવાસળીની પેટીઓ અને દીવાસળી બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. ટીંબરવો ખૂબ મજબૂત જાતિ છે. તેનાં પર્ણોનો રસ માછલીને સંમોહિત કરી પકડવા માટે વાપરવામાં આવે છે. તેનું કાષ્ઠ ‘બૉમ્બે અબનૂસ’ તરીકે જાણીતું છે. તે રાચરચીલું, ખેતીનાં ઓજારો અને બળદગાડાં બનાવવામાં વપરાય છે.

ડાયૉસ્પાયરોસની હલવા તેંડુ (D. kaki), મેબોલા પર્સિમોન (D. discolor) અને ડૅટપ્લમ પર્સિમોન (D. lotus) જેવી કેટલીક જાતિઓ ખાદ્ય ફળો ઉત્પન્ન કરતી જાતિઓ છે. હલવા તેંડુ દક્ષિણ ભારતમાં વવાય છે. તેનાં ફળ વિપુલ પ્રમાણમાં શર્કરાઓ (15 % કરતાં વધારે) ધરાવે છે. તેમાં ઍસિડનું પ્રમાણ ઓછું હોય છે. ટેનિમ તેનું લાક્ષણિક ઘટક છે.

ઉત્તર ગુજરાત અને તારંગાની ટેકરીઓ ઉપર સામાન્ય રીતે જોવા મળતાં અને મકરોડ તરીકે ઓળખાતાં નાનાં વૃક્ષો ટીમરુની જ જાત છે. થોરની વાડ સાથે આ મકરોડનાં વૃક્ષો ઠેર ઠેર જોવા મળે છે. તેનાં ફળ-મકરોડાંનાં બીજ ઉપર સફેદ બીજોપાંગ (aril) આવેલું હોય છે. ફળ કડવાં હોવાથી ખાવાના કામમાં આવતાં નથી.

મૃગેન્દ્ર વૈષ્ણવ

બળદેવભાઈ પટેલ