ડાયૉસ્કોરીઆ : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલ ડાયૉસ્કોરિયેસી કુળની પ્રજાતિ. તે લગભગ 150 જેટલી જાતિઓ ધરાવે છે. તેનું વિતરણ ભેજવાળા ઉષ્ણ, ઉપોષ્ણ અને હૂંફાળા સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. આ પ્રજાતિની ઘણીખરી જાતિઓ વન્ય (wild) હોય છે. બહુ ઓછી જાતિઓ Dioscorea alata, Linn. (એશિયન રતાળુ); D. esculenta, Burkill (કાંગર); D. bulbifera, L. (રતાળુ); D. trifida, Linn. (અમેરિકન રતાળુ), D. batatas, Decne (ચીની રતાળુ), D. rotundata, Poir (ગિની રતાળુ); D. cayenensis, Lam. વગેરેનું તેમના ખાદ્ય ગ્રંથિલ, રતાળુ (true yams) માટે વાવેતર થાય છે.

તે એકવર્ષાયુ શાકીય વનસ્પતિઓ છે અને વેલી(twiner)સ્વરૂપે મળી આવે છે. પર્ણો સાદાં કે સંયુક્ત (3 થી 9 પર્ણી-પંજાકાર), એકાંતરિક અથવા કેટલીક જાતિમાં સમ્મુખ અને અખંડિત કે ખંડિત હોય છે. પુષ્પો એકલિંગી અને સામાન્યત: દ્વિગૃહી હોય છે. નરપુષ્પોનો પરિદલપુંજ ઘંટાકાર, ચક્રાકાર કે કુંભાકાર હોય છે. પુંકેસરો 6 ફળાઉ અથવા 3 ફળાઉ પુંકેસરો વચ્ચે એકાંતરિક 3 વંધ્ય પુંકેસરો અથવા માત્ર 3 ફળાઉ પુંકેસરો હોય છે. વંધ્ય સ્ત્રીકેસર જો હોય તો જાડું અને માંસલ હોય છે. માદા પુષ્પોમાં પરિદલપત્રો 6; વંધ્ય પુંકેસરો 6, 3 અથવા 0; બીજાશય અધ:સ્થ, ત્રિકોટરીય અક્ષવર્તી જરાયુવિન્યાસ પર પ્રત્યેક કોટરમાં બે  અંડકો આવેલાં હોય છે. ફળ વિવરીય પ્રાવર (loculicidal), પાર્શ્વ બાજુએથી ચપટું અને લગભગ સપક્ષ હોય છે. બીજ ચપટાં, દબાયેલાં અને ઘણુંખરું ઝિલ્લીમય (membranous) પક્ષયુક્ત હોય છે. શ્વેતક (albumen) ચપટું, દબાયેલું, માંસલ કે સખત હોય છે.

D. alata, Linn. અગ્નિ એશિયાની નિવાસી છે. તે સપક્ષ ચતુષ્કોણીય પ્રકાંડ ધરાવતી વેલ છે; જેનો વળ જમણી બાજુનો હોય છે. તેની કક્ષીય પ્રકલિકાઓ ગોળ કે અંડાકાર હોય છે અને વાનસ્પતિક (vegetative) પ્રજનનનું કાર્ય કરે છે. તેનાં ગ્રંથિલ (tuber) બદામીથી કાળા રંગના, બિનઝેરી અને ખાદ્ય હોય છે. તે એકાકી કે ગુચ્છમાં અને વિવિધ આકારનાં હોય છે.

આકૃતિ 1

રતાળુમાં ઍલ્બ્યુમિનૉઇડ્સ 7.96 %થી 15.68 %; મેદ 0.59 %થી 1.26 %; ભસ્મ, 4.23 % થી 7.28 %; રેસા 2.19 %થી 6.12 %; કાર્બોદિતો 71.67 %થી 85.02 % અને P2O5 0.44 % થી  0.98 % હોય છે. તેની વિવિધ જાતિઓમાં ઍલ્કલૉઇડ ડાયૉસ્કોરિન સેપોનિન અને ડાયૉસ્ક્ધિા જુદા જુદા પ્રમાણમાં હોય છે. D. hispidaમાં ડાયૉસ્કોરિન (C13 H19 O2N) પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેના ગ્રંથિલો વધારે પડતા ખાવાથી શ્વસનાંગોને લકવો લાગુ પડે છે અને મૃત્યુ પણ થાય છે. D. deltoideaની ગ્રંથિલોમાં સેપોનિન વધારે હોવાથી તેનો ઉપયોગ રેશમ, ઊન કે વાળ ધોવામાં અને રંગવામાં થાય છે. આ પ્રજાતિની કેટલીક અમેરિકન જાતિઓ જેવી કે D. floribunda, D. compositaમાં ડાયૉસ્જેનિન નામનો અત્યંત મહત્વનો સ્ટીરૉઇડ ગ્લાયકોસાઇડ 2 %થી 5 % હોય છે. આ ઉપરાંત સેપોજેનિન, યેમોજેનિન, ટીગોજેનિન  અને ક્રિપ્ટોજિેનન જેવાં સ્ટીરોઇડ પ્રકારના ઘટકો મળી આવે છે.

આકૃતિ 2

કંદમાંથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા ડાયૉસ્જેનિન મેળવવામાં આવે છે. તેમાંથી પુરુષ અને સ્ત્રીના જાતીય અંત:સ્રાવો, કોર્ટિકોસ્ટીરૉઇડ અને સંતતિનિયમન માટેના અંત:સ્રાવો બનાવવામાં આવે છે.

ભારતમાં D. floribunda, D. deltoidea અને D. prazeriમાંથી ડાયૉસ્જેનિન મેળવવામાં આવે છે.

તે કાંજીયુક્ત હોવાથી તેમને સૂકવીને ખાવા માટે દળવામાં આવે છે. તેમનો ઉપયોગ બટાટાની જેમ જ શાકભાજી તરીકે થાય છે. પહાડી પ્રદેશોની આદિવાસી જાતિઓ ચોખાની અવેજીમાં ગ્રંથિલનો ઉપયોગ કરે છે. રતાળુનો ખોરાક તરીકે ઉપયોગ કરતાં પહેલાં તેને આખું કે પતીકાં પાડીને ધોયા પછી રાંધવામાં આવે છે, જેથી તેમાં રહેલા મોટાભાગના  ઍલ્કલૉઇડ અને અન્ય ઝેરી ઘટકો દૂર થાય છે. તેને કાચું ખાતાં તેમાં રહેલા કૅલ્શિયમ ઑક્ઝેલેટના સ્ફટિકોને લીધે ગળામાં તકલીફ થાય છે.

તે કૃમિહર છે અને કુષ્ઠ, મસા, પ્રમેહ અને પરમિયા(gonorrhoea)માં ઉપયોગી છે. જાંબલી રંગની છાંટવાળાં રતાળુ રંગ અને સુગંધ માટે  આઇસક્રીમ બનાવવામાં વપરાય છે.

બળદેવભાઈ પટેલ

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ