ડાર્લિંગ્ટન, સી. ડી.

January, 2014

ડાર્લિંગ્ટન, સી. ડી. (જ. 19 ડિસેમ્બર 1903, લેંકેશાયર; અ. 26 માર્ચ 1981) : બ્રિટિશ કોષવિજ્ઞાની. આખું નામ સિરિલ ડીન ડાર્લિંગ્ટન. તેમણે કોષકેન્દ્રવિભાજનના વિવિધ પ્રકારો વચ્ચે રહેલા સંબંધોની માહિતી આપી; જેથી કોષવિભાજન દરમિયાન કોષકેન્દ્રમાં રહેલાં રંગસૂત્રોની વર્તણૂક વિશેની પ્રાથમિક ભૂમિકાનું સર્જન થયું.

સી. ડી. ડાર્લિંગ્ટન

તેમણે વાય. કૉલેજ, કૅન્ટ દ્વારા બી.એસ.ની ઉપાધિ પ્રાપ્ત કરી અને ત્યારબાદ તે જ્હૉન ઇન્સ હૉર્ટિકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ, મર્ટોન અને બેફોર્ડબરી(1939–53)ના અધ્યક્ષ બન્યા. 1953થી તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીના વનસ્પતિશાસ્ત્રના શેરાર્ડિયન પ્રાધ્યાપક તરીકે સેવા આપી.

ડાર્લિંગ્ટને શોધ્યું કે અર્ધસૂત્રીભાજન (meiosis) (આ પ્રકારના કોષવિભાજન દ્વારા ઉદભવતા નવજાત કોષોમાં માતૃકોષ કરતાં રંગસૂત્રોની સંખ્યા અડધી થાય છે.) દરમિયાન બે સમજાત રંગસૂત્રો યુગ્મમાં ગોઠવાય છે ત્યારે તેઓ એકબીજાને આકર્ષે છે. તેમણે એમ દર્શાવ્યું કે સમસૂત્રીભાજન (mitosis) (આ પ્રકારના વિભાજનથી નવજાત કોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ જેટલી જ રહે છે.)ના સૌથી શરૂઆતના તબક્કાઓમાં પ્રત્યેક રંગસૂત્રનું આયામ વિપાટન થયેલું હોય છે, જ્યારે અર્ધસૂત્રીભાજનની શરૂઆતમાં તેમનું વિપાટન થયેલું ન હોવાથી એકાકી હોય છે. આ માહિતી પરથી ડાર્લિંગ્ટને તારણ કાઢ્યું કે સમસૂત્રીભાજન અને અર્ધસૂત્રીભાજન વચ્ચે રહેલો તફાવત રંગસૂત્રોની વર્તણૂકમાં રહેલા આ ફેરફારનું પરિણામ છે.

બળદેવભાઈ પટેલ