ડાન્ટે, ઍલિગ્યેરી

January, 2014

ડાન્ટે, ઍલિગ્યેરી (જ. 1265, ફ્લૉરેન્સ; અ. 9 સપ્ટેમ્બર 1321, રેવન્ના) : ઇટાલીના તત્વચિંતક કવિ. કુલીન કુળના શરાફી પિતાને ત્યાં જન્મ. 1274માં તેમણે આજીવન પ્રેયસી બની રહેનાર બિયેટ્રિસને નિહાળી ત્યારે બંનેની વય 9 વર્ષની હતી. બિયેટ્રિસે આમાં કોઈ સાનુકૂળ પ્રતિભાવ દાખવ્યો કે કેમ તેની કોઈ વિગત નથી, પણ છેક 9 વર્ષ પછી બંને વચ્ચે બીજી મુલાકાત થઈ હોવાની વિગત છે. બંનેનાં લગ્ન જુદી જુદી વ્યક્તિઓ સાથે થયાં પણ કવિની શુદ્ધ તથા સાત્વિક પ્રેમભાવના પર તેની લવલેશ અસર પડી નહિ. ઊલટું, 1290માં ભરયુવાવસ્થામાં બિયેટ્રિસનું અવસાન થયા પછી તેના પ્રત્યેનો કવિનો પ્રેમ વધુ ઉત્કટ બન્યો. અવસાનની ઘટના પછી કવિ પ્રાચીન ગ્રીક-લૅટિન ગ્રંથો તથા ધર્મ તેમજ તત્વજ્ઞાન જેવા વિષયોના અભ્યાસ તરફ વળ્યા.

કિશોરાવસ્થાની આ વણછિપાયેલી ઝંખના પછી તેમણે ‘ધ ન્યૂ લાઇફ’(આશરે 1293)માં કાવ્યબદ્ધ કરી. બિયેટ્રિસની પ્રેરણાથી લખાયેલાં 31 પ્રતીકાત્મક ઊર્મિકાવ્યો આત્મકથાત્મક રૂપે ગ્રંથસ્થ કરાયાં છે. દરેક કાવ્યને અંતે ગદ્યમાં વિવરણ મૂકેલું છે.

બિયેટ્રિસ પ્રત્યેની તેમની આ પ્રણયભાવનાનો આધુનિકો હજુ પૂરો તાગ મેળવી શક્યા નથી. અવસાન પછી પણ એ મુગ્ધ પરિણીતા તેમની આદર્શમૂર્તિ તથા પ્રેરણાસ્રોત બની રહી. ‘ડિવાઇન કૉમેડી’માંથી નિષ્પન્ન થાય છે તે મુજબ કવિના મોક્ષ (salvation) માટે બિયેટ્રિસ મુખ્ય નિમિત્ત બને છે.

1289માં ડાન્ટે યુદ્ધમાં હયદળના સૈનિક તરીકે અગ્રિમ મોરચે વીરતાથી લડ્યા હતા. 1295માં તેઓ અત્યંત શક્તિશાળી ‘ગિલ્ડ ઑવ્ ફિઝિશિયન્સ ઍન્ડ અપૉથિકરી’માં જોડાયા અને જાહેરજીવનમાં પગરણ માંડ્યાં. એ સમય રાજકીય અંધાધૂંધીનો હતો. પોપની સર્વોપરીતા તથા (ઇટાલી પર જર્મનીના રાજવી તરીકે) શાસકની સર્વોપરીતામાં માનતાં બે મુખ્ય જૂથોને કારણે 50 વર્ષથી ઇટાલી આંતરિક વિગ્રહોમાં અટવાયેલું હતું. 1300માં ફ્લૉરેન્સના વહીવટ માટે જુદા જુદા મહાસંઘોના જે 6 પ્રતિનિધિઓની ચૂંટણી થઈ તેમાં કવિ ડાન્ટે પણ ચૂંટાયા. 1301માં રાજકીય આંટીઘૂંટીના ભાગ રૂપે તેમને પોપ સાથે શાંતિમંત્રણા કરી માર્ગ કાઢવા રોમ મોકલવામાં આવ્યા. ત્યાર પછી તે કદી પોતાની માતૃભૂમિ  ફ્લૉરેન્સમાં પગ મૂકી શક્યા નહિ. જાન્યુઆરી, 1302માં તેમની ગેરહાજરીમાં જ તેમને દંડ કરી દેશનિકાલ કરાયા અને ફરી કદાપિ ફ્લૉરેન્સમાં પ્રવેશે તો જીવતા સળગાવી મૂકવાની આકરી સજા ફટકારી. ત્યારથી આ બુદ્ધિજીવીની રઝળપાટનો પ્રારંભ થયો.

દેશનિકાલનાં આકરાં વર્ષો દરમિયાન તેમને લેખન-વાચનની પ્રવૃત્તિનું સાતત્ય જાળવવાની તક મળી. પ્રારંભનાં કેટલાંક વર્ષો દરમિયાન બે મહત્વના ગ્રંથો તૈયાર કર્યા; જોકે બંને અધૂરા રહ્યા. ‘બૅંક્વિટ’(આશરે 1304–07)માં કવિનાં કેટલાંક ઊર્મિકાવ્યો વિશે મીમાંસા તથા સાહિત્યવિષયક ઉપયોગી વિધાનો છે. એ જ અરસામાં લૅટિનમાં લખાયેલા ‘ધ ઇલસ્ટ્રિયસ વર્નાક્યુલર’માં ગંભીર-ગૌરવશીલ સાહિત્યની ભાષા તરીકે ઇટાલિયનનો ઉપયોગ કરવા બદલ કવિએ જોરદાર બચાવ કર્યો છે. પ્રારંભમાં કવિ પોતે જ ‘કૉમેડી’ (‘ડિવાઇન’ શબ્દ પાછળથી બોકાચિયોએ ઉમેર્યો હતો) જેવી અર્થગંભીર રચના માટે દેશ્ય કે લોકભાષાનો ઉપયોગ કરતાં ખચકાતા હતા. કહેવાય છે કે આ મહાકાવ્ય મૂળ લૅટિનમાં જ આરંભાયું હતું, પરંતુ પછીથી પોતે ઉત્કૃષ્ટ સાહિત્યકલા માટે દેશી ભાષાનો ઉપયોગ કરવા માટે જોશીલા પુરસ્કર્તા બની રહ્યા અને ‘ડિવાઇન કૉમેડી’ વડે એ સમર્થ રીતે  સિદ્ધ કરી બતાવ્યું. આશરે 1312–1315માં લૅટિન ભાષામાં લખાયેલા ‘ઑન મૉનર્કી’માં તેમની રાજકીય વિચારસરણીનું વાજબીપણું સમજાવ્યું અને કૉન્સ્ટન્ટાઇનના સમયમાં ચર્ચે નાગરિક સત્તા પ્રાપ્ત કર્યેથી આરંભાયેલા ઉગ્ર સત્તાસંઘર્ષના નિવારણ માટે ચર્ચ તથા રાજ્ય એટલે કે ધાર્મિક તથા લૌકિક સત્તાતંત્રોનાં અધિકારક્ષેત્રો અલાયદાં કરવાની ભારપૂર્વક હિમાયત કરી.

મલેરિયાથી તેમનું મૃત્યુ થયું તેના થોડા સમય પહેલાં જ તેમણે ‘પૅરેડિસો’ પૂરું કર્યું હતું. ‘ધ ન્યૂ લાઇફ’માં સંકલ્પ કર્યા પ્રમાણે આજીવન પ્રેરણામૂર્તિ બિયેટ્રિસના દિવ્ય આત્માને અંજલિ આપવાનો જ ‘ડિવાઇન કૉમેડી’નો મૂળ ઉદ્દેશ હતો; પણ બહુમુખી પ્રતિભા ધરાવતા કવિની અનેકરંગી વિચારધારાના ઘણા અર્થબોધ તેમાં સહજભાવે ગૂંથાયા છે અને એ મહાકાવ્યના પરિણામે તેઓ વિશ્વસાહિત્યના ઉત્તમ સર્જકોમાં સ્થાન પામ્યા છે.

મહેશ ચોકસી