ડાના, જેમ્સ ડ્વાઇટ

January, 2014

ડાના, જેમ્સ ડ્વાઇટ (જ. 12 ફેબ્રુઆરી, 1813, ન્યૂયૉર્ક ; અ. 14 એપ્રિલ 1895, ન્યૂહેવન, કનેક્ટિકટ) : અનોખું વ્યક્તિત્વ ધરાવનાર, અત્યંત પ્રતિભાશાળી, ખ્યાતનામ અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી. તેમણે અમેરિકાનાં ભૂસ્તરોનો ઐતિહાસિક  અહેવાલ સર્વપ્રથમ રજૂ કર્યો; પૃથ્વીના કેન્દ્રીય ભાગના ઠંડા પડવાની અને સંકોચનની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલાં પર્વતનિર્માણ માટેનાં ક્ષિતિજસમાંતર દાબનાં બળોનો ખ્યાલ સર્વપ્રથમ પ્રતિપાદિત કરનાર પણ ડાના જ હતા. તેઓ પ્રાકૃતિક દર્શનશાસ્ત્રના પ્રોફેસર હતા. તે પછીથી યેલ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર થયેલા. ‘ધ સિસ્ટિમ ઑવ્ મિનરોલૉજી’ના લેખક તરીકે તે દુનિયાભરમાં જાણીતા બન્યા. ખનિજશાસ્ત્રનાં તમામ પાસાંઓને આવરી લેતું એ અત્યંત મહત્વનું પુસ્તક આજે પણ સંદર્ભગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાતું રહ્યું છે.

‘ટેક્સ્ટ બુક ઑવ્ મિનરોલૉજી’ અને ‘ટેક્સ્ટબુક ઑવ્ એલિમેન્ટ્રી મિકૅનિક્સ’ પુસ્તકો પણ તેમણે લખ્યાં છે.

તેમના પુત્ર એડવર્ડ સેલિસબરી ડાના (1849–1935) પણ જાણીતા ખનિજશાસ્ત્રી હતા. તેમણે પિતાનું કાર્ય આગળ ધપાવેલું અને પોતે પણ અનેક પુસ્તકો લખેલાં, જે પૈકી ‘ટેક્સ્ટબુક ઑવ મિનરોલૉજી’(1877)નો પણ સમાવેશ થાય છે.

ગિરીશભાઈ પંડ્યા