ડાઉના, જેનિફર (Doudna, Jennifer) (જ. 19 ફેબ્રુઆરી 1964, વૉશિંગ્ટન ડી. સી., યુ.એસ.એ.) : રસાયણવિજ્ઞાનના 2020ના નોબેલ પુરસ્કારનાં સહભાગી અને અમેરિકાના જૈવરસાયણવિદ. તેઓ જનીન નિયંત્રણ અંગેનું પાયાનું કાર્ય કરનાર તરીકે જાણીતાં છે. યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીમાં રસાયણશાસ્ત્ર વિભાગ તથા મૉલેક્યુલર અને સેલ બાયૉલૉજી વિભાગમાં લી કા શિંગ ચાન્સેલર ચૅર પ્રોફેસર તરીકે કાર્યરત છે. હોવર્ડ હ્યુજિસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંશોધક તરીકે તેઓ 1997થી જોડાયેલાં છે.

જેનિફર ડાઉના

જેનિફરનાં માતા-પિતા ડૉરોથી અને માર્ટિન કિર્ક ડૌડના – બંને શિક્ષણના વ્યવસાયમાં હતાં. જેનિફરે પ્રાથમિક શિક્ષણ હિલો હાઈસ્કૂલમાં લીધું હતું. 1981માં આ શિક્ષણ પૂરું કરીને તેઓ ક્લરેમોંટ, કૅલિફૉર્નિયામાં આવેલી પોમોના કૉલેજમાં આગળ અભ્યાસ માટે જોડાયા. તેમણે જૈવરસાયણ વિષય સાથે સ્નાતકની પદવી 1985માં લીધી હતી. પિતા અંગ્રેજી વિષયમાં પીએચ.ડી. હતા. આથી જેનિફર પણ આગળ અભ્યાસ માટે ઉત્સુક હતાં. 1989માં તેમણે જૈવવિજ્ઞાન અને આણ્વીય ઔષધી વિજ્ઞાનમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમાં તેમણે સ્વયં ઉદ્દીપકીય આર.એન.એ. અણુ કેવી રીતે વધુ કાર્યરત થઈ શકે તેવી પ્રણાલી વિકસાવી હતી.

સંશોધનકાર્ય પૂરું થયા પછી પણ તેમણે આણ્વીય જીવવિજ્ઞાનમાં મૅસેચૂસેટ્સ જનરલ હૉસ્પિટલ અને જનીન અંગે હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં શિષ્યવૃત્તિ સાથે સંશોધનકાર્ય ચાલુ રાખ્યું હતું. 1991થી 1994 સુધી તેઓ યુનિવર્સિટી ઑવ્ કૉલોરાડો બૌલદેર ખાતે જૈવતબીબી વિજ્ઞાનમાં પોસ્ટડૉક્ટરલ સ્કૉલર તરીકે સંશોધનકાર્યમાં જોડાયેલાં હતાં. ત્યાં તેમણે રિબોઝાઇમના ત્રિપરિમાણીય માળખા ઉપર સૌપ્રથમ કાર્ય કર્યું.

વિજ્ઞાની તરીકેની શરૂઆતમાં તેમણે આર.એન.એ. ઉત્સેચક રિબોઝાઇમ્સનું બંધારણ અને જૈવિક પ્રક્રિયા ઉકેલવા માટેનું કાર્ય કર્યું હતું. તેઓ આ માટે યુનિવર્સિટી ઑવ્ કૉલોરાડોની પ્રયોગશાળામાં ગયાં. ત્યાં તેમણે રિબોઝાઇમ્સનું સ્ફટિકીકરણ કરીને તેનું બંધારણ ઉદ્દીપકીય પ્રોટીનના ઉત્સેચક સાથે સરખાવ્યું. 1991માં શરૂ કરેલું કાર્ય 1996માં યેલ યુનિવર્સિટીમાં સંપન્ન થયું. તેઓ યેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑવ્ મૉલેક્યુલર બાયૉફિઝિક્સ અને બાયૉકેમેસ્ટ્રીમાં 1994માં અધ્યાપક તરીકે જોડાયાં હતાં. ત્યાં તેમણે ક્ષ-કિરણ વિવર્તન આધારિત રિબોઝાઇમ્સની સક્રિય દિશાની ભાળ મેળવી હતી. તેમણે એ પણ જોયું કે ત્રિપરિમાણીય બંધારણમાં જળઆકર્ષિત ઍમિનોઍસિડનો પ્રોટીન હોય છે, ત્યાંથી વળાંક ઉદભવે છે. પછી બીજા રિબોઝાઇમ્સનું આ રીતે પૃથક્કરણ કરીને હેપેટાઇટિસ ડેલ્ટા વાઇરસ રિબોઝાઇમ્સનું સ્ફટિકીકરણ કરી તેના વિશે માહિતી એકઠી કરવામાં આવી. આના પરિણામે અનેક લાંબા આર.એન.એ.ના બંધારણ વિશે જાણી શકાયું અને રિબોઝાઇમ્સ ક્યાંથી અને કેવી રીતે દાખલ કરી કે બદલી શકાય એ પણ જોઈ શકાયું. તેમની સંશોધનની કામગીરીને લીધે 2000ની સાલમાં તેમને પ્રાધ્યાપક તરીકે બઢતી આપવામાં આવી. એ સમયે તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પણ રસાયણશાસ્ત્રના મુલાકાતી પ્રાધ્યાપિકા તરીકે જતાં હતાં.

2002માં તેમના પતિ જેમી કેટ જ્યાં પ્રાધ્યાપક હતા તે બર્કલીની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપિકા તરીકે જોડાયાં. તેઓ બર્કલીની રાષ્ટ્રીય પ્રયોગશાળામાં જઈને ત્યાંના ઉચ્ચ ક્ષણતાવાળા ક્ષ-કિરણવિવર્તનનો પણ ઉપયોગ કરતાં હતાં. જેમી ત્યાં યીસ્ટના જનીનમાં ફેરબદલ કરીને જૈવિક ઈંધણ મેળવવા માટે વધારે સેલ્યુલોઝ આથવણ થઈ શકે તે અંગે સંશોધન કરે છે.

જનીનતકનીક વિકસાવવા માટે તેમણે બે મહિના માટે બર્કલીમાંથી રજા લીધી. પાછાં આવીને તેમણે પોતાનું સમગ્ર ધ્યાન જનીનસંપાદન-કાર્ય પર કેન્દ્રિત કર્યું.

2012માં તેમણે પોતાના સાથીદારો સાથે ઓછા સમયમાં ડી.એન.એ.-સંપાદન અંગેની શોધ કરી. સ્ટ્રેપ્ટોકિક્સ જીવાણુમાં રહેલું પ્રોટીન કે જે પ્રતિરક્ષક તરીકે કાર્ય કરે છે. અને ક્રિસ્પર (CRISPR) તરીકે જાણીતું છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે અને કારપેન્ટિયરે સૌપ્રથમ વખત જુદા જ આર.એન.એ.નો ઉપયોગ કાપકૂપ માટે કર્યો હતો. આથી તેમને બંનેને સંયુક્ત રીતે નોબેલ પુરસ્કાર અંગેની જાહેરાત થઈ છે. તેમણે હેપેટાઇટિસ-સી વિષાણુ અંગે પણ સંશોધન કર્યું છે. જેને લીધે શરીરના કોષોને નુકસાન પહોંચાડે નહીં એવી નવી ઔષધી પણ બનાવી શકાશે.

કોવિડ-19ના પરીક્ષણ માટે તેમની સંસ્થામાં રોજના 1000 પરીક્ષણ કરી શકે તેવી સસ્તી પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે.

તેમને અનેક માન-સન્માન પ્રાપ્ત થયાં છે. તેમાં ‘બેકમાન યંગ ઇન્વેસ્ટિગેટર ઍવૉર્ડ’ (1996); ‘એલાન ટી. વોટરમાન ઍવૉર્ડ’ (2000); અમેરિકન કેમિકલ સોસાયટી તરફથી ‘એલિ લીલી ઍવૉર્ડ ઇન બાયૉલૉજિકલ કેમેસ્ટ્રી’ (2001); 2015 અને 2016માં કારપેન્ટિયર સાથે ‘બ્રેકથન પ્રાઇઝ ઇન લાઇફ સાયન્સ’ અને ‘કૅનેડા ગાઇડનર ઇન્ટરનેશનલ ઍવૉર્ડ’; ‘હાઈનેકેન પ્રાઇઝ’ (2015); ‘ટેંગ પ્રાઇઝ’ (2016); ‘જાપાન પ્રાઇઝ’ (2017); ‘અલ્બાયાની મેડિકલ સેન્ટર પ્રાઇઝ’ (2017); ‘નાસ ઍવૉર્ડ ઇન કેમિકલ સાયન્સ’; ‘ધ પર્લ મેસ્ટર ગ્રીનગાર્ડ પ્રાઇઝ’ રોકફેલર યુનિવર્સિટી તરફથી અને અમેરિકન કૅન્સર સોસાયટી તરફથી ‘મેડલ ઑવ્ ઓનર’ (2018); કારપેન્ટિયર સાથે ‘હાર્વે પ્રાઇઝ’; ‘લુઈ શે વૂ પ્રાઇઝ ઇન મેડિસિન’ (2019); મુખ્ય ગણી શકાય. 2017માં તેમને અમેરિકન એકૅડેમી ઑવ્ એચિવમેન્ટ તરફથી ગોલ્ડન પ્લેટ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. હજી પણ વધારે સંશોધન માટે તેમને 2020માં ગુગ્ગેનહાઇમ ફેલોશિપ આપવામાં આવી છે.

કિશોર પંડ્યા