ડાઈસી, એ. વી. (જ. 4 ફેબ્રુઆરી 1835, ક્લેબ્રૂક, ઇંગ્લૅન્ડ; અ. 7. એપ્રિલ 1922, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : બંધારણીય કાયદાના વિખ્યાત અંગ્રેજ નિષ્ણાત. ‘કાયદાના શાસન’ની વિભાવનાના પિતા થૉમસ એડવર્ડ ડાઈસીના ત્રીજા નંબરના પુત્રને ક્લેફામ ધર્મપ્રચારક સંપ્રદાયના વડા જ્હૉન વેનના સન્માનમાં ‘આલ્બર્ટ વેન ડાઈસી’ નામ અપાયું. ડાઈસીના ઘડતરમાં આ ખ્રિસ્તી ધર્મનો ઘણો પ્રભાવ રહ્યો. સ્નાયુઓના નિયંત્રણના અભાવની બીમારીને કારણે 1852 પહેલાં તેઓ વ્યવસ્થિત શિક્ષણ ન પામી શક્યા. 1854માં બિલિયેલ કૉલેજ, ઑક્સફર્ડમાં પ્રવેશ મેળવી 1858માં સાહિત્ય અને માનવવિદ્યા વિષયો સાથે ઉપાધિઓ મેળવી. ઑક્સફર્ડમાં તેમને વ્યક્તિત્વ અને વકતૃત્વના વિકાસની પૂરી તકો મળી અને કેટલાક જીવનપર્યંતના મિત્રોનો  ભેટો થયો. પછીનાં વર્ષોમાં ખ્યાતનામ થનાર ઘણી વ્યક્તિઓ જેવી કે ટી. એચ. ગ્રીન, એડવર્ડ કેઇર્ડ, જ્હોન નિકોલ અને જેમ્સ બ્રાઈસી જેના શરૂઆતમાં સભ્યો હતા તેવી ઑક્સફર્ડની એક નાની ક્લબ ‘ઓલ્ડ મોર્ટોલિટી’ના ડાઈસી એક સ્થાપક સભ્ય હતા.

1860માં ટ્રિનિટી કૉલેજ ખાતે ડાઈસીને ફેલોશિપ મળી. આ જ વર્ષે ઇંગ્લૅન્ડની પ્રિવી કાઉન્સિલ પર નિબંધ લખવા માટે આર્નોલ્ડ પારિતોષિક મળ્યું. બંધારણીય કાયદામાં રસ અને વિદ્વત્તાનાં બીજ આ નિબંધ દ્વારા નખાયાં. 1872 સુધી તેઓ કેમ્બ્રિજમાં ફેલો તરીકે રહ્યા. 1862 પછી લંડનમાં વસવાટ કર્યો અને વકીલાત કરી. ગણનાપાત્ર વ્યાવસાયિક સફળતા મેળવી. અગ્રણી વર્તમાનપત્રોમાં તેમનાં લખાણો પ્રસિદ્ધ થયાં. 1876માં ડાઈસીની ઇન્ટર્નલ રેવન્યૂ કમિશનના જુનિયર પરામર્શક તરીકે નિમણૂક થઈ.

1870માં તેમણે લખેલું ‘ટ્રીટાઇઝ ઑન રૂલ્સ ફૉર ધ સિલેક્શન ઑવ્ પાર્ટીઝ ટુ ઍન ઍક્શન’ અને 1876માં લખેલું ‘લૉ ઑવ્ ડૉમિસાઇલ’ – આ બે પુસ્તકોએ તેમને કાયદાશાસ્ત્રના તજ્જ્ઞ તરીકે ઘણી નામના અપાવી. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ઇંગ્લિશ લૉના વેનેરિયન પ્રોફેસરના પદ પર તેમની નિમણૂક થઈ, જે પદ પર તેમણે 27 વર્ષો સુધી કામ કર્યું (1882–1909). 1909માં આ પદ પરથી તેમના રાજીનામા બાદ ઑક્સફર્ડમાં જ તેમને ફેલોશિપ આપવામાં આવી. વેનેરિયન પ્રોફેસરના પદ ઉપર હતા તે દરમિયાન તેમણે  રચેલ ત્રણ પુસ્તકોએ તેમને અંગ્રેજ કાયદાના અધિકૃત ઇતિહાસકાર અને મીમાંસક તરીકે કાયમનું સ્થાન અપાવ્યું. 1885માં પ્રકાશિત પ્રથમ પુસ્તક ‘ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઑવ્ ધ લૉ ઑવ્ ધ કૉન્સ્ટિટ્યૂશન’ બંધારણનું શુષ્ક સૈદ્ધાંતિક નિરૂપણ નહિ, પરંતુ બ્રિટનનાં રાજકીય જીવન અને વિચારના પાયામાં રહેલાં આદર્શો અને મૂલ્યોનું  રસપ્રદ અર્થઘટન છે. પરિણામે આ પુસ્તકને આજે બ્રિટનના બંધારણના એક ઘટક તરીકે જ સ્વીકારવામાં આવેલ છે. 1916માં પ્રકાશિત આ ગ્રંથની સંવર્ધિત આવૃત્તિમાં ડાઈસીએ પાછલાં ત્રીસ વર્ષો દરમિયાનના બંધારણીય વિકાસ પર એક પ્રકરણ ઉમેર્યું.

ડાઈસીએ પોતાના સમયના રાજકીય વિવાદો જેવા કે આયર્લૅન્ડ માટે સ્વશાસન, સ્કૉટલૅન્ડ અને ઇંગ્લૅન્ડ વચ્ચેનું જોડાણ અને બ્રિટન માટે સમવાય માળખા અંગેનો પશ્ન ઇત્યાદિમાં સક્રિય રસ લીધો. 1886–1913 દરમિયાન આયર્લૅન્ડને સ્વાયત્તતા (Home Rule) બક્ષવાના વિરોધમાં તેમણે ચાર પુસ્તકો લખ્યાં હતાં. તેમના સમાજ-ઉપયોગી કાર્યને લીધે ફ્રેડરિક મૉરિસ દ્વારા સ્થાપિત (1854) વર્કિંગ મેન્સ કૉલેજના આચાર્યપદે 1899માં તેમની ચૂંટણી થઈ, જે પદ પર તેઓ 1912 સુધી રહ્યા. તેમને બિલિયૉલ કૉલેજ, ઑક્સફર્ડની માનાર્હ ફેલોશિપ અને ઑક્સફર્ડ, પ્રિન્સ્ટન અને ગ્લાસગો યુનિવર્સિટીઓની માનાર્હ પદવીઓ એનાયત કરવામાં આવી.

ડાઈસીએ 1916 સુધી વકીલાત કરી અને તેમનાં પાછલાં વર્ષો તેમણે ઑક્સફર્ડમાં ગાળ્યાં.

‘ડાઇજેસ્ટ ઑવ્ ધ લૉ ઑવ્ ઇંગ્લૅન્ડ વિથ રેફરન્સ ટુ ધ કૉન્ફ્લિક્ટ ઑવ્ લૉઝ’  અને ‘લેકચર્સ ઑન ધ રિલેશન બિટ્વીન લૉ ઍન્ડ પબ્લિક ઑપિનિયન’ : તેમનાં આ પુસ્તકોએ પણ કાયદાશાસ્ત્ર અને રાજકીય તત્વજ્ઞાનમાં મૌલિક પ્રદાન કર્યું.

અમિત ધોળકિયા