ડલ્હણ (ડલ્લનાચાર્ય અથવા ડલ્હણાચાર્ય) (ઈ. સ.ની દસમી સદીનો ઉત્તરાર્ધ આશરે) : આયુર્વેદના શલ્યકર્મ ગ્રંથ ‘સુશ્રુતસંહિતા’ના સુપ્રસિદ્ધ ટીકાકાર. તેમની ટીકા આજે સંપૂર્ણ રૂપે મળે છે, જ્યારે સુશ્રુતના અન્ય ટીકાકારોની ટીકા અપૂર્ણ મળે છે.

તે ભરતપાલ નામના વૈદ્યરાજના વિદ્વાન સુપુત્ર હતા. તેમના પિતા મથુરા પાસે આવેલ ભાદાનક દેશના રાજા સહપાલના પ્રીતિપાત્ર રાજવૈદ્ય હતા. ઇતિહાસકારો ડલ્હણાચાર્યને ઈ. સ.ની દસમી શતાબ્દીના ઉત્તરાર્ધ અથવા અગિયારમી શતાબ્દીના પૂર્વાર્ધમાં મૂકે છે.

તેમના સમયમાં સુશ્રુતના અન્ય ટીકાકાર ચક્રપાણિ થઈ ગયા. ડલ્હણે તેમનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ ચક્રપાણિએ ડલ્હણનું નામ ન લઈને પણ તેમના મતનું ખંડન કરેલ છે. તેથી ડલ્હણ ચક્રપાણિના સમય પહેલાં થઈ ગયાનું સમજાય છે.

ચક્રપાણિ અને ડલ્હણ બંનેની સુશ્રુત-ટીકાની તુલના કરતાં ચક્રપાણિની ટીકા ઉચ્ચ કોટિનું પાંડિત્ય દર્શાવે છે; પરંતુ આયુર્વેદના વિદ્યાર્થીઓને ઉપકારક થાય એવી સરલાર્થતા, બીજા મતોનો સમન્વય કરવાની નિપુણતા અને અનેકવિધ પ્રાચીન પાઠો દર્શાવવાની કુશળતાની ર્દષ્ટિએ ડલ્હણની ટીકા ચડિયાતી ગણાય છે.

બળદેવપ્રસાદ પનારા