ડહેલિયા : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા એસ્ટરેસી કુળની નાની પ્રજાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dahlia Variabilis, Dest છે. તે બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને ગુચ્છેદાર સાકંદ (tuberous) મૂળ અને સુંદર સ્તબક પુષ્પવિન્યાસ ધરાવે છે. તેનાં લગભગ 3,000 બાગાયત સ્વરૂપોનું નામકરણ થયું છે. તેનાં પર્ણો સમ્મુખ અને એકપીંછાકાર (unipinnate) કે દ્વિપીંછાકાર (bipinnate) હોય છે. ખૂબ જ સુંદર આકારનાં લગભગ બધા રંગનાં (એક ભૂરા રંગ સિવાય) પુષ્પવિન્યાસથી શોભતો મોસમી પુષ્પોનો આ છોડ ઉદ્યાનની શોભા અનેરી રીતે વધારી મૂકે છે, 30–40 સેમી.થી એકાદ મીટર ઊંચા થાય તેવા છોડવાળી જાતો બજારમાં પ્રાપ્ય છે. પુષ્પના કદ અને પાંખડીઓની રચનાને આધારે તેની જુદી જુદી જાતો આવે છે; દા.ત., સિંગલ જાત, ડબલ જાત (પાંદડીઓ કમળની માફક ભરાવદાર અને પુષ્પ 10–15 સેમી. વ્યાસવાળાં), કૅક્ટસ ડહેલિયા (પાંખડીઓ ઉપર પ્રમાણે પણ લગભગ ઊભી), રિફ્લેક્સ ડહેલિયા (પાંખડીઓ બહિર્વલિત), પૉમ્પોન ડહેલિયા (પાંખડીઓ ડબલ, સજ્જડ અને પુષ્પ પ્રમાણમાં નાનાં અને લગભગ ગોળ), ડહેલિયાની વામન જાત અને ઊંચી જાત – એમ પણ વર્ગીકરણ કરવામાં આવે છે અને તે માટે ઑગસ્ટથી તે ઑક્ટોબર સુધીમાં રોપવામાં આવે છે. સમગ્ર ભારતનાં ઉદ્યાનોમાં પુષ્કળ પ્રમાણમાં ઉગાડાય છે. ગુજરાતમાં મુખ્યત્વે શિયાળામાં પુષ્પનિર્માણ થાય છે. તે ક્યારામાં તેમજ કૂંડામાં ઉછેરી શકાય છે. રેતાળ અને ગોરાડુ (sandy loam) પણ ફળદ્રૂપ જમીન, સૂર્યનો તડકો અને સીધા પવનથી પૂરતું રક્ષણ તથા પૂરતા પ્રમાણમાં પાણી એ ડહેલિયાની જરૂરિયાત છે.

ડહેલિયા

વંશવૃદ્ધિ જુદી જુદી રીતે થાય છે : (1) બીજથી. આ પદ્ધતિથી ઇચ્છિત જાત મળતી નથી. (2) ગુચ્છેદાર સાકંદ મૂળને છૂટાં કરીને તથા (3) કંદમાંથી ઊગેલા છોડમાંથી શરૂ શરૂમાં કટિંગ કરી લેવાથી દુર્લભ જાતો અધિરોપણ (grafting) દ્વારા તૈયાર કરી શકાય છે.

પ્રદર્શન માટે એક છોડ ઉપર એક કે બે પુષ્પ રાખી તેની ખૂબ દરકાર લેવામાં આવે છે. ઉદ્યાન માટે છૂટથી પુષ્પ ખીલવા દેવામાં આવે છે. ક્યારેક છોડ લચી પડે છે. આમ ન બને તે માટે શરૂ શરૂમાં ટોચનું કૃન્તન (pruning) કરવામાં આવે છે, જેથી બાજુમાં શાખાઓ વધારે ફૂટે છે.

પુષ્પનિર્માણ બાદ છોડને સુકાવા દેવામાં આવે છે અને એના સાકંદ મૂળને કાઢીને રેતીમાં ઠંડકવાળી જગ્યાએ બીજી મોસમ સુધી સાચવી રાખવામાં આવે છે. ગુજરાતમાં આ રીતે સાચવવામાં ઘણી મુશ્કેલી પડે છે એટલે મોટેભાગે બહારથી જ છોડ મંગાવવામાં આવે છે.

ડહેલિયાનાં સાકંદ મૂળ લિવ્યુલોઝના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે સાકંદ મૂળના શુષ્ક વજનના 62 % ઇન્યુલિન ધરાવે છે, જેના જલવિભાજનથી લિવ્યુલોઝ ઉત્પન્ન થાય છે.

સાકંદ મૂળ લગભગ 83.3 % પાણી, 0.74 % નાઇટ્રોજનયુક્ત પદાર્થો, 10.33 % ઇન્યુલિન અને 1.27 % અપચાયક (reducing) શર્કરાઓ ધરાવે છે. તેમાં ફાઇટિન, આર્જિનિન, એસ્પરજિન, હિસ્ટીડિન, ટ્રાઇગોનેલિન અને વેનિલિન વગેરે રાસાયણિક પદાર્થોની હાજરી માલૂમ પડી છે. પુષ્પનો રંગ ફ્લેવૉન અને ઍન્થોસાયનિન નામનાં દ્રાવ્યરંજક દ્રવ્યોને આભારી છે. જુદી જુદી જાતોમાંથી મળી આવેલાં રંજક દ્રવ્યોમાં એપીજેનિન, લ્યુટિયોલિન, ડાયોસ્મિન અને ફ્રેગેસિનનો સમાવેશ થાય છે.

મ. ઝ. શાહ