ડલેસ, જ્હૉન ફૉસ્ટર (જ. 25 ફેબ્રુઆરી, 1888, વૉશિંગ્ટન ડી.સી; અ. 24 મે, 1959, વૉશિંગ્ટન) : અમેરિકાના વિખ્યાત મુત્સદ્દી અને વિદેશમંત્રી (1953–59). તેઓ બીજા વિશ્વયુદ્ધ પછી સોવિયેત સંઘ સાથેના ઠંડા યુદ્ધના સત્તાસંઘર્ષમાં અમેરિકાની વિદેશનીતિના પ્રમુખ ઘડવૈયા હતા.

જ્હૉન  એલન મૅકી અને એડિથ (ફૉસ્ટર) ડલેસનાં પાંચ સંતાનોમાંનું એક. માતૃપક્ષે દાદા જ્હૉન વૉટસન ફૉસ્ટરે અમેરિકાના પ્રમુખ બેન્જામિન હૅરિસનના હાથ નીચે સેક્રેટરી ઑવ્ સ્ટેટ તરીકે સેવાઓ આપી હતી. પિતૃપક્ષે ડલેસના કાકા રૉબર્ટ લાન્સિંગ પ્રમુખ વુડ્રો વિલ્સનના મંત્રીમંડળમાં સેક્રેટરી ઑવ્ સ્ટેટ હતા.

જ્હૉન ફૉસ્ટર ડલેસ

એન.વાય.વૉટર ટાઉનની સાર્વજનિક નિશાળમાં ડલેસે શરૂઆતનું શિક્ષણ લીધું હતું, જ્યાં તેમના પિતા દેવળના વહીવટદાર હતા. એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે શરૂઆતથી જ તેમની નામના હતી. ડલેસે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી 1908માં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને જ્યૉર્જ વૉશિંગ્ટન મહાવિદ્યાલયમાંથી 1911માં કાયદાની પદવી મેળવી. કાયદાશાખાના અભ્યાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય કાયદામાં તેમણે વિશિષ્ટતા મેળવી ત્યારપછી થોડાક સમય માટે ન્યૂયૉર્કની એક પેઢીમાં કાનૂની સલાહકાર તરીકે રહેલા.

1907માં 19 વર્ષની વયે તેમની મુત્સદ્દી તરીકેની કારકિર્દી શરૂ થઈ. તેમણે દાદા જ્હૉન ફૉસ્ટરની પાસે રહીને એક નાગરિક પ્રતિનિધિ તરીકે ચીનમાં અને પછી બીજી આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદમાં હેગ ખાતે વ્યક્તિગત હેસિયતથી હાજરી આપી હતી. પ્રમુખ વુડ્રો વિલ્સને પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વર્સાઈની શાંતિ પરિષદમાં અમેરિકાના પ્રતિનિધિમંડળમાં  કાનૂની સલાહકાર તરીકે તેમને નિયુક્ત કર્યા હતા. પછી તેમણે યુદ્ધ વળતર પંચના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. 1920માં તેઓ ન્યૂયૉર્કની કાયદાની પેઢીમાં પાછા જોડાયા અને તેના મુખ્ય ભાગીદાર બન્યા. આ કારકિર્દી દરમિયાન એક અગ્રણી વકીલ તરીકે તેમણે નામના મેળવી

બીજા વિશ્વયુદ્ધમાં ડલેસે વૉશિંગ્ટનમાં ડમ્બાર્ટન ઑક્સ ખાતે સંયુક્ત રાષ્ટ્રનો દસ્તાવેજ તૈયાર કરવામાં મદદ કરી હતી. 1945માં સાન ફ્રાન્સિસ્કોમાં મળેલી સંયુક્ત રાષ્ટ્રોની પરિષદમાં અમેરિકાના પ્રતિનિધિમંડળના એક વરિષ્ઠ સલાહકાર તરીકે તે હાજર રહ્યા હતા. જુલાઈ, 1949માં તેઓ અમેરિકાની સેનેટના સભ્ય નિયુક્ત થયા. 1950માં તેઓ અમેરિકાના તત્કાલીન – વિદેશમંત્રીના સલાહકાર નિમાયા અને 1951માં જાપાન સાથે થયેલી શાંતિ સંધિમાં મહત્વનો ભાગ ભજવ્યો.

1953માં જનરલ આઇઝનહૉવર અમેરિકાના પ્રમુખ ચૂંટાયા ત્યારે તેમણે ડલેસની અમેરિકાના વિદેશમંત્રી તરીકે નિયુક્તિ કરી.

ડલેસે સામ્યવાદના વિસ્તરણને ખાળવાની નીતિ અખત્યાર કરી હતી. ‘નાટો’ (North Atlantic treaty organization) ફક્ત પશ્ચિમ યુરોપના સંરક્ષણ માટે જ અસરકારક હતો, જ્યારે દક્ષિણ પૂર્વ અને પૅસિફિક વિસ્તાર અરક્ષિત હતો. તેમણે આ ખાઈ પૂરવા માટે 1954માં મનીલા પરિષદમાં આગેવાની લઈ ‘સીઆટો’ (South East Asia Treaty Organization) કરાર કર્યો. ત્યારપછી પશ્ચિમ એશિયામાં સામ્યવાદને ખાળવા 1955માં બગદાદ કરારને અમલી બનાવ્યો. આ કરારમાં તુર્કી, ઇરાક, ઈરાન અને પાકિસ્તાનને સંરક્ષણ સંગઠનમાં આવરી લેવામાં આવ્યાં હતાં. પરંતુ 1958માં તેમાંથી ઇરાક નીકળી જતાં આ પ્રાદેશિક સંગઠન ‘સેન્ટો’ (central treaty organization) તરીકે ઓળખાયું.

યુરોપમાં ઑસ્ટ્રિયા સાથેની શાંતિ સંધિ(1955)ને આખરી સ્વરૂપમાં મૂકવામાં ડલેસ નિમિત્ત બન્યા.

કૅન્સરની ગંભીર માંદગીને કારણે એપ્રિલ 1959માં તેમણે મંત્રીપદ પરથી રાજીનામું આપ્યું હતું. મૃત્યુ પછી થોડા મહિના બાદ તેમને અમેરિકા દ્વારા સ્વતંત્રતાનો ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.

સરમણ ઝાલા