ઠાકુરમાર ઝૂલિ (1908) : બાળકો માટેની લોકસાહિત્યની બંગાળી કૃતિ. બંગાળના લોકસાહિત્યનું સંશોધન કરનાર દક્ષિણારંજન મિત્રે ગામડે ગામડે ઘૂમી ડોશીઓને મુખે બાળવાર્તાઓ સાંભળી, તેમને સંગૃહીત કરી તે ‘ઠાકુરમાર ઝૂલિ’ એટલે કે દાદીમાની થેલી. એમાં ડોશીમા પાસેથી સાંભળીને લખેલી 16 વાર્તાઓ છે. દક્ષિણારંજન ચિત્રકાર પણ હતા. એટલે એ વાર્તાઓનાં ચિત્રો પણ એમણે જ દોરેલાં છે. એ પુસ્તકની અત્યાર સુધીમાં અનેક આવૃત્તિઓ થઈ છે. એ વાર્તાઓમાં વચ્ચે વચ્ચે પદ્ય પણ આવે છે કારણ કે ડોશીમા વાર્તા કહેતાં કહેતાં કવિતાની પંક્તિઓ બોલતાં. આ પુસ્તકની વિશેષતા એ છે કે એમાં પૂર્ણત: લોકબોલી જ છે. એ વાર્તાઓ પરી, વેપારી, પંડિત, ડાકણ, રાજા તેમ જ મંત્રી – એમ વિવિધ વ્યક્તિવિષયોને લગતી છે. બધી વાર્તાઓ સુખાન્ત છે. દક્ષિણારંજનના 20 વર્ષના સતત પરિશ્રમનું એ ફળ છે. બંગાળી બાળસાહિત્યમાં આ પુસ્તક દક્ષિણારંજનનું મહત્વનું પ્રદાન ગણાય છે. રવીન્દ્રનાથ ઠાકુરે પુસ્તકના આમુખમાં દક્ષિણારંજનના આ પ્રયત્નને મુક્ત કંઠે બિરદાવ્યો છે.

ચન્દ્રકાન્ત મહેતા