ઠાકુર, ઓમકારનાથ (જ. 24 જૂન 1897, જહાજ, તા. ખંભાત, જિ. ખેડા; અ. 29 ડિસેમ્બર 1967, સૂરત) : ભારતના મહાન ગુજરાતી સંગીતકાર. તેમણે સંગીત કલા અને શાસ્ત્ર બંનેમાં નિપુણતા મેળવી પશ્ચિમના દેશોમાં પણ ભારતીય સંગીતનું ગૌરવ વધાર્યું. ઉનેવાળ બ્રાહ્મણ જ્ઞાતિમાં ગૌરીશંકર પંડિતને ત્યાં તેમનો જન્મ થયેલો.

માતાનું નામ ઝવેરબા. કુટુંબની આર્થિક સ્થિતિ ભારે સંકડામણભરી હતી. આજીવિકા અર્થે કુટુંબ પગપાળા ભરૂચ જઈ વસ્યું. પિતાનું અવસાન થતાં પરિવારની સંભાળ રાખવાનું ઓમકારનાથને માથે આવ્યું. માતા સુખી ઘરોમાં કામે જતાં, બાળક ઓમકારનાથ કુમળી વયે રસોઈ કરવા જતો. સંગીતની જન્મજાત અભિરુચિ તેને આસપાસના ગાયનવાદનના કાર્યક્રમોમાં ખેંચી જતી. મધુર કંઠથી પ્રભાવિત થઈ એક રામલીલાવાળાએ માસિક આઠ રૂપિયાના પગારથી બાલ ઓમકારને નોકરીમાં રાખી લીધો. ભરૂચના પારસી ગૃહસ્થ શાપુરજીએ ઓમકારનાથનું ગાયન સાંભળ્યું. તે પ્રસન્ન થયા અને મુંબઈમાં પં. વિષ્ણુ દિગંબર પળુસ્કરના ગાંધર્વ સંગીત મહાવિદ્યાલયમાં શાસ્ત્રીય  પ્રશિક્ષણ માટે વ્યવસ્થા કરી આપી. સાત વર્ષના કઠોર પરિશ્રમ પછી પંડિતજી 20 વર્ષની વયે પારંગત થયા. પં. પળુસ્કરજીએ તરત જ લાહોર ખાતેની ગાંધર્વ સંગીતવિદ્યાલયના આચાર્યપદે તેમની નિમણૂક કરી. 1922માં ઇન્દિરાબહેન ભટ્ટ સાથે લગ્ન કરી ભરૂચમાં સ્થિર થયા. તેમના ગાયનની લોકપ્રિયતા ઝડપથી વધવા લાગી અને સંગીતસમારંભોમાં તથા સંમેલનોમાં ભાગ લેતા થયા. સંગીતના કાર્યક્રમો આપવા પરદેશોના પ્રવાસ પણ ખેડવા લાગ્યા. 1933માં આવા એક પ્રવાસ વખતે પ્રસૂતિમાં પત્ની તથા શિશુનું અવસાન થતાં હૃદયભંગ થયા. ભરૂચ છોડી મુંબઈ વાસ કર્યો. 1938માં કરાંચીમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં સંગીત-વિભાગના અધ્યક્ષ થયા. 1943નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમણે પ્રાપ્ત કર્યો. દરમિયાન પંડિતજીએ અફઘાનિસ્તાન, ઇટાલી, ઇંગ્લૅન્ડ, જર્મની, નેપાળ, નૉર્વે, ફ્રાન્સ, બેલ્જિયમ, સ્વિટ્ઝર્લૅન્ડ, સ્વીડન, હંગેરી, હોલૅન્ડ આદિ દેશોમાં સંગીતયાત્રા કરી. તે દરમિયાન વ્યાખ્યાનો આપ્યાં તથા સંગીત-કાર્યક્રમો યોજ્યા. વિશ્વશાંતિ પરિષદમાં તેમણે પ્રસ્તુત કરેલું ‘વંદે માતરમ્’ ગીત શ્રોતાઓની અપ્રતિમ ચાહના પામ્યું. 1950માં કાશી વિશ્વવિદ્યાલયમાં સંગીતવિભાગના અધ્યક્ષ રહ્યા. નિવૃત્તિ પછી ત્યાં જ કલા સંગીતભારતી નામે અકાદમી સ્થાપી. 1954માં ગુજરાતનો ડાંગ જિલ્લો મહારાષ્ટ્રમાં મુકાયો તે સામે તેમણે રાજ્યભરમાં ઉગ્ર આંદોલન ચલાવ્યું. કાર્ય સિદ્ધ થયા પછી ફરી સંગીતસાધનામાં લાગી ગયા. તેમણે ‘રાગ અને રસ’, ‘સંગીતાંજલિ’ તથા ‘પ્રણયભારતી’ પુસ્તકો લખ્યાં છે.

ઓમકારનાથ ઠાકુર

તેમના શિષ્યવર્ગમાં શિવકુમાર શુક્લ, બળવંત ભટ્ટ, યશવંત પુરોહિત, પિરોજાબહેન દસ્તૂર, પ્રેમલતાબહેન શર્મા, રાજમબહેન,  કનક ત્રિવેદી, પ્રદીપ દીક્ષિત તથા અતુલ દેસાઈ જેવાં ખ્યાતનામ સંગીતકારોનો સમાવેશ થાય છે.

ઓમકારનાથજી તેમની ઉચ્ચ સિદ્ધિ માટે રવીન્દ્રભારતી તથા કાશી વિશ્વવિદ્યાલયે ડૉક્ટરેટની માનાર્હ પદવી અર્પણ કરી. તેમને ‘સંગીતસમ્રાટ’, ‘સંગીતમાર્તંડ’ આદિ પદવીઓ પણ અર્પણ કરાઈ. અન્ય ઘણાં વિદ્યાલયોએ તેમનું બહુમાન કર્યું. 1955માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ આપ્યો. 1963માં સંગીત-નાટ્ય અકાદમીએ પુરસ્કૃત કર્યા. ખયાલના ગાયક છતાં તેઓ ધ્રુવપદ અંગ તથા ઠૂમરી અંગનું સફળ નિદર્શન કરી શકતા. તેમનાં ‘જોગી મત જા, મત જા’, ‘મૈયા મોરી મૈં નહીં માખન ખાયો’, ‘રે દિન કૈસે કટી હૈ’, ‘કનૈયા નાવ કરો મોરી પાર’ આદિ ગીતો બહુ લોકપ્રિય થયાં. ગાયક, લેખક, ગીતકાર, કવિ, સંગીતકાર, આચાર્ય, ભાષાશાસ્ત્રી, સંસ્કૃતવિદ, ધર્મજ્ઞ, વેદજ્ઞ, વિશ્વયાત્રી – આ બધાં તેમના બહુવિધ વ્યક્તિત્વનાં પાસાં ગણાય. ગુજરાતહિતૈષી એવા પંડિતજીની ગુજરાતમાં સંગીત વિદ્યાપીઠ સ્થપાય તેવી ઇચ્છા અધૂરી રહી. તેમના અંતિમ દિવસો પક્ષાઘાતના કારણે કષ્ટમય રહ્યા. 1967માં તેમનો મધુર છતાં બુલંદ સ્વર બ્રહ્મમાં લીન થઈ ગયો.

બંસીધર શુક્લ