ઠાકુર, હીરો [જ. 2 માર્ચ 1943, હૈદરાબાદ, સિંધ (હવે પાકિસ્તાનમાં)] : સિંધી લેખક. તેમને તેમની વિવેચનાત્મક કૃતિ ‘તહકીક ઐં તનકીદ’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી બી.એ. ઑનર્સ અને વર્ધામાંથી ‘રાષ્ટ્રભાષારત્ન’ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ અંગ્રેજી, ઉર્દૂ, મરાઠી અને સંસ્કૃત ભાષાની જાણકારી ધરાવે છે. શરૂઆત મુંબઈમાં શિક્ષક તરીકે કર્યા પછી સિંધી દૈનિક ‘હિંદુસ્તાન’ના સંસદીય સંવાદદાતા રહ્યા. આકાશવાણીમાં તેમણે 37 વર્ષ સુધી સમાચારવાચક અને અનુવાદક તરીકે કામગીરી કરેલી. 2003માં સિંધી સમાચારપત્ર ‘એક્ક’ના સંપાદકપદેથી સેવાનિવૃત્ત થયા. તેઓ માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં સિંધી સલાહકાર સમિતિના સભ્ય રહેલા. તેઓ દિલ્હી સિંધી અકાદમી, અખિલ ભારત સિંધી બોલી સાહિત્ય પ્રચાર સભા સાથે સંકળાયેલા રહ્યા હતા.

તેમણે 6 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ગોલીર્યૂં’ (1962) કાવ્યસંગ્રહ; ‘કાઝી કદન જો કલમ’ (1978) સંશોધન; ‘ભેરુમલ માહિરચંદ’ (1991) પ્રબંધ; ‘સિંધી અખબારનવીસી’ (1993) પત્રકારત્વને લગતો ગ્રંથ તથા ચરિત્ર અને નિબંધ-સંગ્રહનો સમાવેશ થાય છે.

તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમાં 1983માં વિશ્વ સિંધી સંમેલન પ્રસંગે રાષ્ટ્રપતિ દ્વારા પ્રદત્ત પદક; સિંધી અકાદમી, દિલ્હીનો સ્પેશિયલ મેરિટ ઍવૉર્ડ, કેન્દ્રીય હિંદી નિયામકની કચેરીનો પુરસ્કાર, સિંધી સામાજિક અને સાંસ્કૃતિક પરિષદનો સિંધી રતન પુરસ્કાર તથા શિક્ષણ મંત્રાલય તરફથી બે વખત ઍવૉર્ડ તેમને એનાયત કરવામાં આવ્યા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘તહકીક ઐં તનકીદ’માં સિંધી કવિઓ, ખાસ કરીને મૂર્ધન્ય કવિઓનાં ઉદાહરણ આપીને સાહિત્યિક વિવેચનનું નિરૂપણ રજૂ કરવામાં આવ્યું છે. પ્રાચીન કવિઓના ગુણોના વિવેચન સાથે તેમની કવિતાના સૌંદર્ય પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં સિંધીલોકસાહિત્યને ક્ષેત્રે પ્રામાણિક સ્રોતો ઉજાગર કરીને, વ્યાપક વિવરણ સાથેના તેમના મહત્વના સંશોધનકાર્યની પ્રતીતિ થતી હોવાથી આ કૃતિ સિંધીમાં લખાયેલ ભારતીય વિવેચન-સાહિત્યનું નોંધપાત્ર વિલોકન મનાય છે.

બળદેવભાઈ કનીજિયા