ઠાકરે, કેશવ સીતારામ (જ. 17 સપ્ટેમ્બર 1885, પનવેલ, જિલ્લો કુલાબા; અ. 20 નવેમ્બર 1973, મુંબઈ) : મહારાષ્ટ્રના સમાજસુધારક, ઇતિહાસકાર અને જહાલ પત્રકાર. ‘પ્રબોધનકાર ઠાકરે’ નામથી તે વધુ જાણીતા બન્યા છે. શિક્ષણ પનવેલ અને મધ્યભારતના દેવાસ રિયાસત ખાતે. મૅટ્રિક સુધી જ ભણ્યા; પરંતુ ખાનગી રાહે સ્વયંસ્ફૂર્તિથી અંગ્રેજી અને મરાઠી ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું. મહાત્મા ફુલે, ‘લોકહિતવાદી’ અર્થાત્ ગોપાળ હરિ દેશમુખ અને ગોપાળ ગણેશ આગરકર – આ ત્રણ મહાનુભાવો પાસેથી તેમણે પ્રેરણા પ્રાપ્ત કરી. તેમણે અનેક વ્યવસાયો કર્યા; જેમાં ટંકલેખક (ટાઇપિસ્ટ), છાયાચિત્રકાર, તૈલચિત્રકાર, વીમા-એજન્ટ, જાહેરખબરોના એજન્ટ, નાટક-કંપનીના સંચાલક વગેરેનો સમાવેશ થાય છે. તેઓ પત્રકારત્વ અને ઇતિહાસ-સંશોધનક્ષેત્રે વિશેષ જાણીતા બન્યા. કોલ્હાપુરના શાહુ મહારાજે બ્રાહ્મણેતર સમાજની સુધારણા, અસ્પૃશ્યતા અને દહેજ જેવી સામાજિક બદીઓની નાબૂદી ઇત્યાદિ માટે ઉપાડેલ ચળવળમાં ઠાકરે ઉત્સાહથી જોડાયા. હિંદુ મિશનરી સોસાયટીના કાર્યમાં પણ તેમણે સક્રિય ભાગ લીધો. સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળ(1956–1960)માં ભાગ લેવા બદલ તેમણે કારાવાસ ભોગવ્યો હતો.
તેમણે ‘સારથી’, ‘લોકહિતવાદી’ અને ‘પ્રબોધન’ – આ ત્રણ મરાઠી સામયિકોનું સંપાદન અને સંચાલન કર્યું. સામાજિક અને ધાર્મિક ગુલામી નષ્ટ કરવાના હેતુથી, પ્રજામાં જાગૃતિ ફેલાય એવા વિશિષ્ટ ઉદ્દેશથી તેમણે ‘પ્રબોધન’ સામયિક ચલાવ્યું હતું. સામાજિક સુધારણાના સંદર્ભમાં તેમણે ‘કુમારિકાંચે શાપ’ (1919) અને ‘ભિક્ષુકશાહીચે બંડ’ (1921) – આ બે ગ્રંથો લખ્યા તથા ‘ખરા બ્રાહ્મણ’ (1933), ‘વિધિનિષેધ’ (1934) અને ‘ટાકલેલે પોર’ (1939) – આ ત્રણ નાટકો આપ્યાં. ‘પ્રતાપસિંહ છત્રપતિ આણિ રંગો બાપૂજી’ (1948), ‘ગ્રામણ્યાચા સાદ્યંત ઇતિહાસ’ (1919), ‘હિંદવી સ્વરાજ્યાચા ખૂન’ (1922), ‘કોદંડાચા ટણત્કાર’ (1925) તથા ‘રાયગડ’ (1951) – આ તેમના ઇતિહાસવિષયક ગ્રંથો છે. તે ઉપરાંત સંત રામદાસ, સંત ગાડગે મહારાજ અને પંડિતા રમાબાઈના જીવન પર તેમણે ચરિત્રાત્મક ગ્રંથો લખ્યા છે. તેમણે સંત રામદાસનું ચરિત્ર અંગ્રેજી ભાષામાં લખ્યું છે.
શિવસેનાના સંસ્થાપક સ્વ. બાળાસાહેબ ઠાકરે તેમના પુત્ર હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે