ઠાકરે, બાળ (જ. 23 જાન્યુઆરી 1927; અ. 17 નવેમ્બર 2012, મુંબઈ) : ભારતમાં શિવસેનાના સ્થાપક-પ્રમુખ અને ભારતના અગ્રણી હિંદુત્વવાદી નેતાઓમાંના એક. તેમના પિતા કેશવ મહારાષ્ટ્રમાં ‘પ્રબોધનકાર’ તરીકે જાણીતા હતા. શિક્ષણ મુખ્યત્વે મુંબઈ શહેરમાં. શરૂઆતમાં કેન્દ્રસરકારની નોકરીમાં હતા; પરંતુ તે દરમિયાન બઢતીની બાબતમાં તેમને અન્યાય થયો હોવાની લાગણીને કારણે નોકરીમાંથી રાજીનામું આપી વ્યંગચિત્રકારના વ્યવસાયમાં દાખલ થયા. 1960માં ‘માર્મિક’ નામથી વ્યંગચિત્ર સાપ્તાહિક શરૂ કર્યું.  વ્યંગચિત્રને વરેલું આ સર્વપ્રથમ મરાઠી સાપ્તાહિક હતું. તે ઉપરાંત ‘ફ્રી પ્રેસ જર્નલ’ જેવાં અગ્રણી સમાચારપત્રો તથા મરાઠી સામયિકોમાં તેમનાં વ્યંગચિત્રો છપાતાં. વ્યંગચિત્રો માટે તેમને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયા છે. તેમનાં કેટલાંક વ્યંગચિત્રો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સામયિકોમાં પુનર્મુદ્રિત થયાં છે અને તેમાં અમેરિકાના ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ તથા જાપાનના ‘અસાયી શિંબુન’ જેવાં પ્રથમ પંક્તિનાં સમાચારપત્રોનો સમાવેશ થાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાનના ઇંગ્લૅન્ડના વડાપ્રધાન સર વિન્સ્ટન ચર્ચિલ(1874–1965)નું જીવનચરિત્ર વ્યંગચિત્રોમાં પ્રકાશિત થયેલું છે, જેમાં એકમાત્ર ભારતીય વ્યંગચિત્રકાર બાળ ઠાકરેનાં વ્યંગચિત્રોને સ્થાન મળ્યું છે.

બાળ ઠાકરે

ભૂમિપુત્ર(sons of the soil)ની હિમાયતથી ઠાકરેએ મુંબઈ શહેરમાં તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ પ્રથમ મુંબઈ શહેરમાં અને તે પછી  મહારાષ્ટ્રમાં નોકરીઓ અને અન્ય વ્યવસાયોમાં રાજ્યના વતની હોય તેમને જ સ્થાન મળવું જોઈએ તે માટે લોકઆંદોલન ઊભું કરવાનો હતો. તે માટે ઠાકરેએ 1965માં શિવસેના નામના રાજકીય પક્ષની રચના કરી. ધીમે ધીમે આ પક્ષ હિંદુત્વની વિચારસરણી તરફ ઢળતો ગયો. આ પક્ષ મુખ્યત્વે મહારાષ્ટ્ર રાજ્ય પૂરતો જ મર્યાદિત રહ્યો અને ત્યાં તે લોકપ્રિય છે. 1995ની રાજ્યવિધાનસભાની ચૂંટણીમાં આ પક્ષે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ કર્યું, જેના પરિણામસ્વરૂપે તે ચૂંટણીમાં ભાજપ સાથેની યુતિને રાજ્યમાં બહુમતી મળતાં ત્યાં શિવસેના–ભારતીય જનતા પક્ષની સરકાર રચવામાં આવી. મહારાષ્ટ્રનાં મુંબઈ અને અન્ય કેટલાંક નગરોની નગરપાલિકાઓ અને જિલ્લા તથા નગરપંચાયતોમાં શિવસેનાનું વર્ચસ છે. ‘સામના’ આ પક્ષનું મુખપત્ર છે, જેના બાળ ઠાકરે મુખ્ય સંપાદક હતા. મરાઠી ભાષામાં પ્રગટ થતું આ દૈનિક મુંબઈથી પ્રકાશિત થાય છે. હાલ (2014) માં તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે શિવસેનાના સર્વેસર્વા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે