ઠાકરે, કુશાભાઉ (જ. 15 ઑગસ્ટ 1922, ધાર, મધ્યપ્રદેશ; અ. 28 ડિસેમ્બર 2003, દિલ્હી) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિષ્ઠાવાન અગ્રણી અને ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ. મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા ઠાકરેએ પ્રારંભિક શિક્ષણ ધારમાં મેળવ્યું હતું. ત્યારબાદ ઇંદોર અને ગ્વાલિયરમાં વધુ અભ્યાસ કરેલો.

1942માં 20 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈને તેમણે અદના કાર્યકર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો તે સાથે તેમના રાજકીય જીવનની શરૂઆત થઈ. ટૂંક સમયમાં જ કાર્ય પ્રત્યેની તેમની નિષ્ઠા છતી થઈ અને તેઓ સંઘના પૂર્ણ સમયના પ્રચારક બન્યા. જનસંઘના સ્થાપક સભ્ય તરીકે તેઓ પ્રારંભથી તેની સાથે જોડાયેલા. તે પછી જનસંઘ ભારતીય જનતા પક્ષમાં રૂપાંતર પામ્યો ત્યારે પણ પક્ષની સાથે રહ્યા; એટલું જ નહિ, પણ પક્ષની નાનીમોટી કોઈ પણ કામગીરીમાં તેમણે પાછા ફરીને જોયું નથી. આ વેળાએ અપરિણીત રહી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાને અંતિમ લક્ષ્ય બનાવી તેને જીવન સમર્પિત કરવાનો તેમણે પાકો નિર્ધાર કર્યો. મધ્યપ્રદેશમાંથી તેમણે કારકિર્દીની શરૂઆત કરી હોવાથી મધ્યપ્રદેશ ભાજપના પિતૃપુરુષ તરીકે તેમની ખ્યાતિ હતી. તેઓ 1956માં મધ્યપ્રદેશ સંગઠનના મંત્રી અને 1977માં સંગઠનના રાજ્યકક્ષાના પ્રમુખ બન્યા. 1977માં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે સંગઠનના જવાબદાર અધિકારી તરીકે 19 મહિના તેમણે જેલવાસ વેઠ્યો. જેલમુક્તિ બાદ પક્ષના અને સંઘના કાર્યક્રમને જ સર્વોચ્ચ પ્રાધાન્ય આપી આ વિચારધારાના પ્રચાર અને પ્રસારમાં તેઓ ગળાડૂબ રહ્યા. દેશના વિવિધ વિસ્તારોમાં સંગઠનનું ઘડતર કરવામાં તેમજ નિષ્ઠાવાન કાર્યકરોની હરોળો તૈયાર કરવામાં અથાક પરિશ્રમ ઉઠાવી રાજકીય નીતિમત્તાનાં ઊંચાં ધોરણો પ્રસ્થાપિત કરવાની તેમની કોશિશ હતી. કેન્દ્રમાં ભાજપની ગઠબંધન સરકારની રચના બાદ 1998થી 2000 સુધી તેઓ પક્ષના અધ્યક્ષસ્થાને રહ્યા હતા. પક્ષના મુખ્ય કાર્યાલયની પડખે એક નાનકડા ઓરડામાં અલ્પતમ જરૂરિયાતો સાથેના સાદગીભર્યા જીવન અને તેજસ્વી ચારિત્ર્યનો વૈભવ તેઓ ધરાવતા હતા. મુખ્ય મંત્રીઓ, મંત્રીઓ અને ભાવિ સાંસદોની વરણીમાં તેમના અભિપ્રાયનું વજન પડતું હતું. કશીયે સ્પૃહા વગર સંગઠનને, પક્ષને અને દેશને તેઓ સેવાઓ આપતા રહ્યા. આમાં એકમાત્ર અપવાદ એ હતો કે જનતા પક્ષના પ્રમુખ ચંદ્રશેખરના સવિશેષ આગ્રહને કારણે મધ્યપ્રદેશના ખંડવા વિસ્તારમાંથી પેટાચૂંટણી લડી ટૂંકા સમય માટે તેમણે સાંસદ તરીકે કામગીરી બજાવી હતી.

સ્પષ્ટ વિચારધારા ધરાવતા, પરિશ્રમી, ધ્યેય પ્રતિ સમર્પિત તેમજ સત્તા વિરુદ્ધ સંગઠનને પ્રાધાન્ય આપનાર આ નિષ્ઠાવાન સેવક વડાપ્રધાન વાજપાઈના મતે ‘અજાતશત્રુ’ હતા અને તેમણે પ્રત્યેક ક્ષણ દેશ અને પક્ષ માટે ન્યોછાવર કરી હતી.

રક્ષા મ. વ્યાસ