ટ્રૉય : એશિયા માઇનોર(આધુનિક તુર્કસ્તાન)નું કાંસ્ય યુગનું અતિ પ્રાચીન નગર. તે ઇલિયમ, ઇલીઓસ, ઇલિયોન જેવાં નામોથી પણ ઓળખાતું હતું.
ગ્રીક કવિ હોમરના ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ જેવાં મહાકાવ્યોએ આ નગરને ખ્યાતિ આપી હતી. પ્રાચીન ગ્રીક સાહિત્યમાં જે નગરનો ઉલ્લેખ છે તેનું વર્ણન આ નગરના અસ્તિત્વને અનુમોદન આપે છે. હોમર દ્વારા વિખ્યાત બનેલા આ પ્રભાવશાળી નગર પર પ્રિયમ રાજાએ રાજ્ય કર્યું હતું. પ્રિયમના પુત્ર પારિસે હેરા, ઍથેના તથા આફ્રોડાઇટ નામની ત્રણ દેવીઓ વચ્ચેની સૌંદર્યસ્પર્ધામાં આફ્રોડાઇટને વિજયી જાહેર કરી હતી, કારણ કે આફ્રોડાઇટે પારિસને તેની પત્ની તરીકે વિશ્વની સૌથી સુંદર સ્ત્રી શોધી આપવાનું વચન આપેલું. સ્પર્ધા પછી તરત જ પારિસે સ્પાર્ટાના રાજા મેનિલેઅસની મુલાકાત લીધેલી જે દરમિયાન તે તેની પત્ની હેલનના પ્રેમમાં પડ્યો. હેલન વિશ્વસુંદરી તરીકે ખ્યાતિ ધરાવતી હતી. પારિસ હેલનને પોતાના નગર ટ્રૉય લઈ આવેલો.
પારિસના આ વર્તનથી દુભાયેલા મેનિલેઅસે તથા ગ્રીકની પ્રજાએ પારિસનો બદલો લેવાના હેતુથી ટ્રૉય પર વિશાળ નૌકાદળની મદદથી આક્રમણ કર્યું અને નગરને ઘેરો ઘાલ્યો. આ ઘેરો દસ વર્ષ સુધી ચાલુ રહ્યો છતાં ગ્રીસના સૈનિકો ટ્રૉય પર વિજય મેળવી શક્યા નહિ. છેવટે ટ્રૉયની પ્રજાને છેતરવા માટે આક્રમણ કરનાર લશ્કરના એક સેનાપતિ ઑડિસિયનસના આદેશથી લાકડાનો એક વિશાળ ઘોડો બનાવવામાં આવ્યો. તેમાં થોડાક ગ્રીક સૈનિકો સંતાઈ ગયા અને બાકીના સૈનિકો તે ઘોડાને નગરની સીમાડેની દીવાલની બહાર મૂકી ગ્રીક સૈનિકો પાછા ફર્યાનો દેખાવ કરતા નગરથી દૂર જતા રહ્યા. તેનાથી છેતરાઈ ટ્રૉયના નાગરિકો ઘોડાને નગરની અંદર લઈ ગયા. તે રાત્રે ઘોડામાં સંતાઈ ગયેલા ગ્રીક સૈનિકો બહાર આવ્યા. તેમણે નગરના દરવાજા ખોલી નાખ્યા. પરિણામે બહાર રાહ જોઈ રહેલા ગ્રીક સૈનિકો નગરમાં દાખલ થયા. બંને પક્ષો વચ્ચે થયેલા ભીષણ યુદ્ધ દરમિયાન ટ્રૉયના લોકોની ભારે કત્લેઆમ થઈ અને ગ્રીક સૈનિકોએ ટ્રૉય નગરનો નાશ કર્યો. પારિસ યુદ્ધમાં માર્યો ગયો અને તેના પછી હેલન અને તેના પતિ મેનિલેઅસનું પુનર્મિલન થયું. આ યુદ્ધને ‘ટ્રૉજન યુદ્ધ’ તરીકે ઓળખવામાં આવે છે.
આવી દંતકથાઓ સિવાય ટ્રૉયના ઇતિહાસ વિશે પ્રમાણભૂત ગણાય તેવી ઝાઝી માહિતી ઉપલબ્ધ નથી.
આધુનિક સમયમાં હાઇનરીખ શ્લીમેને (ઈ. સ. 1817–90) પ્રાચીન ટ્રૉયને શોધ્યું હતું. તેના મરણ પછી તેના સાથીદાર વિલ્હેલ્મ ડર્યફેલ્ડે ઈ. સ. 1893–94 દરમિયાન આ શોધકાર્ય ચાલુ રાખ્યું હતું. તેણે આ સ્થળે 15 મી. ઊંડા ખોદકામ દરમિયાન નવ પુરાતત્વીય સ્તરોની નોંધ લીધી હતી. 1932–38 દરમિયાન અમેરિકાની સિનસિનાટી યુનિવર્સિટીના પુરાતત્વવિદોની ટુકડીએ કાર્લ ડબલ્યુ. બ્લેજેનના નેતૃત્વમાં આ સ્તરોનું ફરી ઉત્ખનનકામ હાથ ધર્યું હતું.
ઈ. સ. પૂ. 3000 વર્ષો પહેલાં અહીં પ્રથમ વસાહતીઓ આવ્યા હતા. ઈ. સ. 1870માં હિસ્સાર્લિક ગામ નજીક ખોદકામ કરતાં ત્યાંથી હાડકાં, પથ્થરો, હાથીદાંત અને કીમતી ધાતુઓની વિવિધ વસ્તુઓ મળી આવી હતી. આ અવશેષો કાંસ્યયુગના છે એમ તે વખતે કોઈ જાણતું ન હતું.
I થી VII તબક્કાઓ દરમિયાન (3000–1200 ઈ. સ. પૂ.) ગઢ કે મજબૂત કિલ્લેબંધીવાળા સ્થળ તરીકે જ ટ્રૉયનું અસ્તિત્વ હતું. VIII અને IX તબક્કાઓ દરમિયાન (ઈ. સ. પૂ. 700થી 400) અસ્તિત્વ ધરાવતા ટ્રૉય કરતાં પ્રાચીન અવશેષો ધરાવતું ટ્રૉય વધારે ધ્યાન ખેંચનારું છે.
ટ્રૉયનો પ્રથમ તબક્કો (3000થી 2500 ઈ. સ. પૂ.) પાંચસો વરસના સમયગાળાને આવરી લે છે. ત્યાંના નાના કિલ્લાની આસપાસ દીવાલ કે કોટ હતો. ઘરોનો પાયો પથ્થરનો અને દીવાલો માટીની કે ઈંટોની બનેલી હતી. આ વસાહતીઓને તાંબાના ઉપયોગની જાણ હતી પણ તેઓ હથિયાર માટે પથ્થર અને હાડકાંનો ઉપયોગ કરતા હતા. તેમના અવશેષોમાં માત્ર માટીનાં પાત્રો જ મળ્યાં છે. આ તબક્કાના ટ્રૉયનો આગથી સંપૂર્ણ નાશ થયો હતો.
બીજા તબક્કાની વસાહત સહેજ મોટી હતી. તેના સ્થાને બંધાયેલ કિલ્લાનો વ્યાસ 15 મીટર હતો. અહીં જાડી દીવાલોવાળાં વધારે મોટાં મકાનો હતાં. પહેલા તબક્કાના લોકો કરતાં બીજા તબક્કાના લોકો વધારે સમૃદ્ધ હતા. તેમની પાસે સોનું અને ચાંદી જેવી કીમતી ધાતુ હતી. તેમના કારીગરો તેમના જમાના કરતાં વધારે આગળ હતા. આ તબક્કા દરમિયાન કુંભારના ચાકડાની શોધ થઈ હતી. ટ્રૉયના લોકોનો આ કાળે પશ્ચિમમાં એજિયન પ્રદેશના લોકો સાથે અને પૂર્વમાં આનાતોલિયા(એશિયા માઇનોર)ના લોકો સાથે સંપર્ક હતો. રાજકર્તા પોતાનાં કુટુંબીજનો અને વિશ્વાસુ માણસો સાથે કિલ્લામાં વસતો હતો, જ્યારે અન્ય લોકો કિલ્લાની આસપાસ વસતા હતા. તે અનાજ અને બીજા પાકો ઉગાડતા અને પશુ પાળતા હતા. જરૂર પડે ત્યારે લશ્કરમાં લોકોની ભરતી કરવામાં આવતી હતી. બીજા તબક્કાની વસાહતનો (ઈ. સ. પૂ. 2500–2200) પણ આગથી નાશ થયો હતો.
III થી V તબક્કાઓ દરમિયાન કિલ્લામાંનો તથા આસપાસનો વસવાટ ચાલુ હતો. આ કાળ (ઈ. સ. પૂ. 2200–1800)નો ઇતિહાસ ખાસ નોંધપાત્ર નથી.
VI તબક્કા (ઈ. સ. પૂ. 1800–1300) દરમિયાન કોટ સહિત કિલ્લાનો વ્યાસ 220 મી. હતો. કિલ્લાની દીવાલના પથ્થરો સુંદર નકશીકામવાળા હતા. મજબૂત દરવાજાઓથી તે કિલ્લો રક્ષિત હતો. પડોશના એજિયન સમુદ્રના પ્રદેશના એ આનાતોલિયાના રાજકર્તાઓ કરતાં ટ્રૉયના રાજકર્તાનો મોભો વધારે ઊંચો હતો અને તે ઘણો શક્તિશાળી હતો. VI તબક્કામાં ધરતીકંપથી ટ્રૉયનો નાશ થયો હતો.
VII A તબક્કા દરમિયાન VI તબક્કાની વસાહતના બચેલા લોકોએ આ જ કિલ્લેબંધીનો ફરી આશ્રય લીધો હતો. તેમનાં ઘરો ખૂબ ખીચોખીચ હતાં. તે અનાજ વગેરે વસ્તુઓ સંઘરવા માટેની બરણીઓ ભોંયતળિયે – ભોંયરામાં રાખતા હતા. સમગ્ર સમાજ સતત તંગ વાતાવરણમાં જીવતો હતો. ત્યાર બાદ પ્રિયમના શાસન દરમિયાન ગ્રીક પરંપરા પ્રમાણે ઈ. સ. પૂ. 1184માં ટ્રૉયનું પતન થયું હતું. પરંતુ પુરાતત્વવિદોના મંતવ્ય મુજબ આ શહેરનો નાશ VII A તબક્કા દરમિયાન ઈ. સ. પૂ. 1200માં થયો હતો.
VII B તબક્કા દરમિયાન પુનર્વસવાટનું કામ નાના પાયે ક્રમશ: હાથ ધરાયું હતું (ઈ. સ. પૂ. 1200થી 1100). ત્યાર બાદ ચાર સૈકા સુધી આ સ્થળ ત્યજાયેલું રહ્યું હતું. ઈ. સ. પૂ. 700 આસપાસ નવા વસાહતીઓ અહીં આવ્યા હતા. કાંસ્યયુગના કિલ્લાના અવશેષોની આસપાસ મધ્યમ કદનું શહેર અસ્તિત્વમાં આવ્યું હતું. ગ્રીક અને રોમનકાળ દરમિયાન ફરી તે જ સ્થળે પુનર્વસવાટ કરવાના પ્રયત્નો થયા હતા. આ સ્થળનું મહત્વ પ્રાચીન પ્રવાસધામ તરીકે હતું. ઈ. સ. 400 પછી તેનું અસ્તિત્વ હોય તેમ જણાતું નથી, છતાં પશ્ચિમની દુનિયાને તેનું સ્મરણ કાયમ માટે રહ્યું છે.
શિવપ્રસાદ રાજગોર