ટ્રિનિડાડ અને ટોબેગો

January, 2014

ટ્રિનિડાડ અને ટોબેગો : વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓના સમૂહમાં તેના દક્ષિણ છેડા પર આવેલો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : 11o 00’ ઉ. અ. અને 61o  00’ પ. રે.. વિસ્તારની ર્દષ્ટિએ તે ટાપુઓમાં બીજા ક્રમનો છે. તે 2 મુખ્ય તથા 21 નાના ટાપુઓનો બનેલો દેશ છે. તેનો કુલ વિસ્તાર 5,131 ચોકિમી. તથા તેના દરિયાકિનારાની લંબાઈ 470 કિમી. છે. તે વિષુવવૃત્તની ઉત્તરે આશરે 10° પર, ઓરિનોકો મુખત્રિકોણની સામે, અમેરિકાની ઉત્તર કિનારાની નજીક છે. માળખાગત તથા ભૌગોલિક બંને રીતે તેને વેસ્ટ ઇન્ડિયન ટાપુ કરતાં દક્ષિણ અમેરિકાનો ટાપુ ગણાય. ટોબેગો ટાપુનું ટ્રિનિડાડ સાથે 1898માં વિલીનીકરણ થયું. ટોબેગોનો કુલ વિસ્તાર 300 ચોકિમી. છે અને તે ટ્રિનિડાડના ઈશાન ખૂણે 31 કિમી અંતરે આવેલો છે. ટ્રિનિડાડ અને ટોબેગો બંનેની કુલ વસ્તી 14 લાખ (2022) તથા વસ્તીની ગીચતા પ્રતિ ચોકિમી. 254 છે. કુલ વસ્તીના 69% શહેરી વિસ્તારમાં તથા 31% ગ્રામવિસ્તારમાં રહે છે, બંને ટાપુઓના કુલ ભૂભાગનો 95% ભૂભાગ તથા કુલ વસ્તીના આશરે 95% વસ્તી ટ્રિનિડાડની છે. પૉર્ટ ઑવ્ સ્પેન તેનું પાટનગર (વસ્તી 50,000 : 2022), મુખ્ય બંદર, મહત્ત્વનું વ્યાપારી કેન્દ્ર તથા મોટામાં મોટું શહેર છે. આ ટાપુઓની મુખ્ય ભાષા અંગ્રેજી છે.

ટ્રિનિડાડ અને ટોબેગો

પ્રાકૃતિક રચનાની દૃષ્ટિએ આ વૈવિધ્યપૂર્ણ પ્રદેશના ત્રણ મુખ્ય ભૌગોલિક ભાગ પાડી શકાય : (1) ઉત્તરમાં પર્વતોની શૃંખલા, જે ટાપુઓની કુલ પહોળાઈને આવરી લઈ પશ્ચિમથી પૂર્વ તરફ ફેલાયેલી છે. હકીકતમાં આ પર્વતશૃંખલા વેનેઝુએલાની શૃંખલાનો ભાગ છે. આ ભાગમાં વ્યાપારી પવનો મુખ્યત્વે પૂર્વમાંથી ઈશાન તરફ વહે છે. ટાપુના પૂર્વ તરફના પ્રદેશમાં અને ખાસ કરીને પર્વતશૃંખલાના ઈશાનમાં ભારે વરસાદ પડે છે, જે ઘણી વાર વાર્ષિક સરેરાશ 3,750 મિમી.ને વટાવી જાય છે. (2) ટાપુના ઉત્તર તરફના ભાગમાં ગીચ જંગલો તથા ઊંડી  ખીણો આવેલાં છે. અન્ય બે પર્વતશૃંખલાઓમાં મધ્ય તથા દક્ષિણની ઊંડી ખીણો  તરફની પર્વતશૃંખલાઓનો સમાવેશ થાય છે, જે દક્ષિણ તરફ ક્રમશ: ઘટતી જાય છે. ત્રણે પર્વતશૃંખલાઓ : ઉત્તર, મધ્ય તથા દક્ષિણનાં શિખરોની ઊંચાઈ 152.3 મી.થી 1523 મી. વચ્ચે છે. ઉત્તર તરફની પર્વતશૃંખલાનાં ઘણાં શિખરોની ઊંચાઈ 914 મી. કરતાં પણ વધારે છે. માઉન્ટ એરિપો શિખર ઊંચામાં ઊંચું (940 મીટર) છે. મોટાભાગની કાંપની જમીન પૉર્ટ ઑવ્ સ્પેનની પૂર્વે તથા કોકોસ ઉપસાગરની પશ્ચિમે આવેલી છે. (3) ટાપુના મધ્ય વિસ્તારની પર્વતશૃંખલાઓ તથા કિનારા સુધીની પર્વતશૃંખલાઓ વચ્ચેનો પ્રદેશ સપાટ અથવા ક્વચિત્ સમુદ્રતરંગ જેવો દેખાય છે અને તેમાંનો ઘણો ભાગ કળણભૂમિથી વ્યાપેલો છે. પશ્ચિમ તરફના બે દ્વીપકલ્પોનો વિશાળ પ્રદેશ પારિયાની ખાડી તરીકે ઓળખાય છે, જેમાં છીછરો દરિયો ભરાય છે.

ટ્રિનિડાડની આબોહવા ઉષ્ણકટિબંધની આબોહવાને મળતી છે. તાપમાન 21°-31° સે.ની વચ્ચે તથા વરસાદ ઈશાનમાં આશરે 3050 મિમી. તથા પશ્ચિમમાં આશરે 1500 મિમી હોય છે. ટાપુના બધા જ વિસ્તારોમાં પૂરતો વરસાદ પડતો હોવાથી કોઈ પણ ભાગ સૂકો નથી, જોકે જાન્યુઆરીથી મે માસ દરમિયાનનો ગાળો પ્રમાણમાં સૂકી ઋતુનો ગણાય છે. ટ્રિનિડાડ ટાપુ વાવાઝોડાથી મુક્ત રહે છે.

ટાપુની કુલ વસ્તીમાં આશરે 43% મૂળ આફ્રિકન વંશના, 40% હિંદુઓ તથા બાકીના ખ્રિસ્તીઓ, ચીનાઓ તથા મિશ્ર જાતિના છે. વેસ્ટ ઇન્ડીઝ પ્રદેશના ટાપુઓમાં  વ્યાપક પ્રમાણમાં મિશ્ર નૃવંશ ધરાવતો આ એકમાત્ર ટાપુ છે. આ વિસ્તારમાં કાયમી વસવાટની શરૂઆત માંડ 150 વર્ષ પહેલાં થઈ હતી. હાલ ત્યાં જે યુરોપિયનો વસે છે તે સ્પૅનિશ, ફ્રેંચ તથા બ્રિટિશ વસાહતીઓના  વંશજો છે. ઓગણીસમી સદીની શરૂઆતમાં ત્યાં શેરડીની ખેતીનો પ્રારંભ થયો ત્યારથી તે ક્ષેત્રમાં કામ કરવા માટે મોટી સંખ્યામાં નિગ્રો લોકોની ભરતી કરવામાં આવી હતી.

ટ્રિનિડાડના કુલ ભૌગોલિક વિસ્તારના ​13 જેટલી જમીન ખેતીક્ષેત્ર  હેઠળ આવરી લેવામાં આવી છે. ખાંડ અને કોકો ત્યાંની મુખ્ય પેદાશો છે. પશ્ચિમના દરિયાકાંઠાના સૂકા મેદાની પ્રદેશમાં શેરડીની ખેતી થાય છે, જ્યારે ઉત્તરના પર્વતીય ઉષ્ણ પ્રદેશની ખીણોમાં કોકોની પેદાશ થાય છે. ઉપરાંત, કૉફી, નારિયેળ, કેળાં તથા મોટાં સંતરાં જેવાં, સ્વાદે સહેજ કડછાં હોય તેવાં ગ્રેઇપ-ફ્રૂટની પેદાશ ઠીક ઠીક પ્રમાણમાં થાય છે. ટાપુના નિકાસ વ્યાપારમાં નારિયેળ તથા તેની પેદાશો અગ્રસ્થાને રહે છે. સ્થાનિક ખોરાક માટે નારિયેળનું તેલ તથા ઘરગથ્થુ વપરાશ માટે સાબુનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. તાજેતરનાં વર્ષોમાં સ્થાનિક વપરાશ માટે ચોખાની પેદાશમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો  છે. સિંચાઈ તથા નવસાધ્ય જમીનમાં થતી ચોખાની ખેતીમાં ઈસ્ટ ઇન્ડિયન્સનું વર્ચસ્ છે. લીંબુ, નારંગી, મોસંબી, મોટાં લીંબુ તથા અન્ય ખાટાં ફળો અને તેના રસની નિકાસોને સહકારી સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. શેરડી તથા કોકોની પેદાશ કંપનીઓની માલિકી હેઠળની જમીનો પર થાય છે.

ટ્રિનિડાડમાં ખનિજતેલ તથા ડામરની પેદાશ પણ નોંધપાત્ર પ્રમાણમાં થાય છે અને તેનું પ્રમાણ  ટાપુની કુલ નિકાસોના મૂલ્યમાં લગભગ 90% જેટલું હોય છે. જહાજો રંગવા માટે જે ચીકણા પદાર્થનો ઉપયોગ થાય છે તેનું તથા ડામરનું ઉત્પાદન વિશ્વમાં બહુ જ ઓછા પ્રદેશોમાં થાય છે. આવા પ્રદેશોમાં  ટ્રિનિડાડનો સમાવેશ થાય છે. આ ચીજવસ્તુઓનું ઉત્પાદન ટાપુ પર વર્ષોથી થતું આવ્યું છે તેમ છતાં તેનો જથ્થો ત્યાં અખૂટ હોય તેમ લાગે છે. ટ્રિનિડાડનું અર્થતંત્ર લગભગ ખનિજતેલ પર નભે છે. પોતાના દેશના ખનિજ-તેલના ઉત્પાદનના શુદ્ધીકરણ ઉપરાંત તે વેનેઝુએલા, ઇન્ડોનેશિયા, ઇક્વેડોર, નાઇજિરિયા, બ્રાઝિલ તથા સાઉદી અરેબિયા જેવા દેશોમાં પેદા થતા ખનિજતેલનું શુદ્ધીકરણ પણ નોંધપાત્ર પ્રમાણમાં કરે છે. દેશની સરકારે ઉદ્યોગોના નિકાસને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી છે અને તેને લીધે સિમેન્ટ, રંગ, પ્લાસ્ટિક, કાપડ, કાર્ડબૉર્ડ અને રસાયણ-ઉદ્યોગો વિકસ્યા છે.

ઇતિહાસ : 1498માં ક્રિસ્ટોફર કોલંબસે આ ટાપુની શોધ કરી હતી. 1814માં તે બ્રિટિશ હકૂમત હેઠળ મૂકવામાં આવ્યો. તે પૂર્વે તેના પર ડચ, બ્રિટિશ અને ફ્રેંચોનું શાસન હતું. 1877માં તે બ્રિટિશ વસાહત બન્યો, 1889માં તેનું ટ્રિનિડાડ સાથે વિલીનીકરણ થયું.

ક્રિસ્ટોફર કોલંબસે નૂતન વિશ્વની શોધના તેના ત્રીજા અભિયાન દરમિયાન 1498માં સ્પેન માટે આ પ્રદેશ જીત્યો હતો. 1592માં તેના પર સ્પેનની કાયમી વસાહત ઊભી કરવામાં આવી હતી. 1783થી ત્યાં ફ્રેંચોનું આગમન શરૂ થયું હતું. તેમણે ત્યાં શેરડીની ખેતી શરૂ કરી હતી. 1797માં તેને બ્રિટિશ સલ્તનત હેઠળ મૂકવામાં આવેલો. 1889માં ટ્રિનિડાડ અને ટોબેગો એક જ બ્રિટિશ હકૂમત હેઠળ મૂકવામાં આવેલા પ્રદેશો હતા. 1962માં તેને સ્વતંત્રતા બક્ષવામાં આવી હતી. 1980માં ટોબેગોમાં સ્થાનિક સ્વાયત્ત  પ્રશાસન-વ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી. 1962–81 દરમિયાન પીપલ્સ નૅશનલ મૂવમેન્ટ પક્ષના  નેતા એરિક વિલિયમ્સ દેશના વડાપ્રધાન રહ્યા હતા. 1981–86 દરમિયાન તે જ પક્ષના બીજા નેતા જૉર્જ ચેમ્બર્સ વડાપ્રધાનપદે હતા. ત્યારપછી નૅશનલ ઍલાયન્સ ફૉર રિક્ધસ્ટ્રક્શન પક્ષ સત્તા પર આવેલ.

રાજકીય : 31 ઑગસ્ટ, 1962ના રોજ આ દેશ સ્વતંત્ર થયો. તે સંસદીય લોકશાહી ધરાવે છે. પૉર્ટ ઑવ્ સ્પેન તેની રાજધાનીનું શહેર છે. ટ્રિનિડાર્ડ-ટોબેગો ડૉલરનું નાણું ચલણમાં છે. અંગ્રેજી મુખ્ય ભાષા છે. રોમન કૅથલિક અને ખ્રિસ્તી ધર્મના કેટલાક પંથોમાં શ્રદ્ધા ધરાવતી પ્રજા બહોળું પ્રમાણ ધરાવે છે. હિંદુ ધર્મી પ્રજા પણ સારા પ્રમાણમાં છે. આ દેશ 99% અક્ષરજ્ઞાન ધરાવે છે. જ્યૉર્જ મૅક્સવેલ રિચાર્ડસ તેના પ્રમુખ છે અને કમલાપ્રસાદ બિસેશ્વર તેના વડાપ્રધાન છે.

ઈ. સ. 1990માં વડાપ્રધાન આર્થર રૉબિન્સનને સત્તા પરથી ઉથલાવવા પકડવામાં આવ્યો. તે પછી મુક્ત કરવામાં આવ્યો. 1995માં ચૂંટણીઓ થયા પછી, યુનાઇટેડ નૅશનલ કૉન્ગ્રેસ અને એલાયન્સ ફૉર રિકન્સ્ટ્રકશને સંઘ સરકારની રચના કરી; અને બસદેવ પાંડે (Basdeo Pandey) વડો પ્રધાન બન્યો. પાંડે 2000માં પુન: ચૂંટાયો, ફેબ્રુઆરી, 2003માં મૅક્સ રિચાડર્સ દેશનો નવો પ્રમુખ થયો. 2005માં શાસક પીપલ્સ નૅશનલ મૂવમેન્ટ (PNM) પક્ષે સરકારની સંસ્થાઓ ઉપર પોતાની પકડ મજબૂત કરી. નવેમ્બર, 2007માં સંસદની ચૂંટણી થઈ. તેમાં વડાપ્રધાન પૅટ્રિક મેનિંગના શાસક પક્ષને સંસદમાં 41માંથી 26 બેઠકો મળી. જાન્યુઆરી, 2008માં દેશના કિનારાના પ્રદેશોમાં કુદરતી ગૅસનો મોટો જથો મળ્યો. એપ્રિલ, 2009માં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા પાટનગર પૉર્ટ ઑવ્ સ્પેનમાં અમેરિકાની પાંચમી શિખર પરિષદમાં આવ્યા.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ