ટોબેગો : 1814માં  બ્રિટિશ હકૂમત હેઠળ આવેલો આ ટાપુ ટ્રિનિડાડના નૈર્ઋત્ય ખૂણે 34 કિમી. અંતરે આવેલો છે. 300 ચોકિમી. વિસ્તાર ધરાવતા આ ટાપુનો મોટાભાગનો પ્રદેશ ધગધગતા જ્વાળામુખી પર્વતથી વ્યાપ્ત છે. તેના અત્યંત અલ્પ ફળદ્રૂપ વિસ્તારમાં ખેતી થાય છે. ખાંડ, તમાકુ, કપાસ, નારિયેળ, કોકો અને કૉફી તેની મુખ્ય પેદાશો છે. તેનાં જંગલોમાં ઇમારતી લાકડાનો મોટો જથ્થો પ્રાપ્ત થાય છે. ટાપુ પરથી કોકો, નારિયેળ તથા ઇમારતી લાકડાની નિકાસ થાય છે. પ્રાણીજીવનમાં હરણ તથા પક્ષીઓ વિપુલ છે. જૂનથી ડિસેમ્બર વર્ષાઋતુનો ગાળો હોય છે. તે સિવાયની ઋતુ ખુશનુમા હોય છે. સ્કારબરો (જૂનું  નામ પૉર્ટ લુઈ) પ્રમુખ શહેર તથા પાટનગર છે. તાજેતરનાં વર્ષો દરમિયાન આ ટાપુ પર્યટકો માટે આકર્ષણનું સ્થાન બન્યો છે. ત્યાંની મોટાભાગની વસ્તી અશ્ર્વેત આફ્રિકનોના વંશજોની છે.

ડૅનિયલ ડીફોના ‘રૉબિન્સન કૂઝો’માં વર્ણવેલ ટાપુ ટોબેગો ટાપુ હોવાનું મનાય છે.

રક્ષા મ. વ્યાસ

જયકુમાર ર. શુક્લ

વિમલા રંગાસ્વામી

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે