ટ્રિએસ્ટ : એડ્રિયાટિક સમુદ્રના મથાળે, ટ્રિએેસ્ટના અખાત ઉપર આવેલું ઇટાલીના અંકુશ નીચેનું શહેર તથા મુક્ત આંતરરાષ્ટ્રીય બંદર. ભૌગોલિક સ્થાન: 45o 30’ ઉ. અ. અને 13o 50’ પૂ. રે.. ફ્રિયુલી વનેત્સિયા જૂલિયા પ્રદેશનું તે પાટનગર છે. તે વેનિસથી પૂર્વ દિશાએ 145 કિમી. દૂર છે. રોમનોએ તે શહેરને ટરગેસ્ટે, જર્મનોએ ટ્રિએસ્ટ અને યુગોસ્લાવિયાએ ટર્સ્ટ નામ આપ્યું હતું. આ શહેર અને આસપાસનો વિસ્તાર 759 ચોકિમી. છે. જ્યારે શહેરી વિસ્તાર માત્ર 84 ચોકિમી. છે. આ શહેર યુગોસ્લાવિયાની સરહદે આવેલું હોવા છતાં શહેરમાં ઇટાલિયનોની વસ્તી વધારે છે. ઇટાલી અને અગાઉના યુગોસ્લાવિયા વચ્ચે ગજગ્રાહ અટકાવવા તેના ભાગલા પાડ્યા ત્યારે શહેર અને તેની ઉત્તરે આવેલો ‘A’ ઝોનનો મોટો વિસ્તાર (523 ચોકિમી.) ઇટાલીને ફાળે ગયો છે. શહેરથી દક્ષિણે આવેલો ‘B’ ઝોન(91 ચોકિમી.)નો વિસ્તાર યુગોસ્લાવિયાના કબજામાં છે. ટ્રિએસ્ટ શહેરની વસ્તી 2,05,535 (2011) જેટલી છે.

અહીં કાપડ, લોખંડ અને પોલાદ, યંત્ર, રંગ, પેટ્રોકેમિકલ્સ, તેલશુદ્ધીકરણ વગેરેના ઉદ્યોગો વિકસ્યા છે.

ઈ. સ. પૂ. 197થી ઈ. સ. 500 સુધી આ શહેર રોમન કબજા નીચે હતું. ઈ. સ. પૂ. 33માં ઑગસ્ટસ સીઝરે બાહુમ શહેર ફરતા કોટ અને વસાહતની સ્થાપના કરી હતી. ઈ. સ. 439–539 દરમિયાન ઑસ્ટ્રોગોન નીચે, 539–752 દરમિયાન બાઇઝેન્ટિયન શાસન નીચે, 752–792 દરમિયાન બૉમ્બાર્ડો નીચે, 850–930 દરમિયાન ટ્રિએેસ્ટના બિશપ અને બૅરન નીચે, 948–1202 દરમિયાન રાજકુમારો હસ્તક અને 1382–1918 દરમિયાન ઑસ્ટ્રિયા નીચે હતું.

પ્રથમ વિશ્વયુદ્ધ પછીની સંધિઓ પ્રમાણે આ બંદર ઇટાલીને મળ્યું. બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછી સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ ટ્રિએસ્ટ અને આજુબાજુના પ્રદેશને સ્વાયત્ત દરજ્જો આપ્યો હતો. યુ.એસ. અને  ગ્રેટ બ્રિટને A ઝોન તરીકે ઓળખાતા પ્રદેશ પર અને યુગોસ્લાવિયાએ B ઝોન તરીકે ઓળખાતા પ્રદેશ પર કબજો કર્યો હતો. A ઝોનમાં ઇટાલિયન અને B ઝોનમાં સ્લાવ જાતિના લોકો વિશેષ છે. 1954માં ટ્રિએેસ્ટ શહેર અને A ઝોનને આવરી લેતા પ્રદેશ પર ઇટાલીનો અંકુશ સ્થપાયો, જ્યારે B ઝોન પર યુગોસ્લાવિયાનો અંકુશ ચાલુ રહ્યો. 1975માં A અને B ઝોનને અનુક્રમે ઇટાલી અને યુગોસ્લાવિયા સાથે જોડી દેવામાં આવ્યા છે.

શિવપ્રસાદ રાજગોર