ટ્રાવેલર્સ ટ્રી

January, 2014

ટ્રાવેલર્સ ટ્રી : એકદળી વર્ગના સીટેમીનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ravenala madagascariensis, Sonnert છે અને તે માડાગાસ્કર ટાપુનું મૂલનિવાસી છે. તેનાં પર્ણો કેળનાં પર્ણો સાથે સામ્ય ધરાવે છે. પર્ણદંડો 1.5 મી. લાંબા, નીચેથી ખીચોખીચ અને ઉપરથી ફેલાયેલા હોવાથી પર્ણદળો પંખાકારે ગોઠવાય છે. તેઓ લંબગોળાકાર હોય છે. આ વૃક્ષ પર લગભગ 20થી 24 પર્ણો હોય છે.

શરૂઆતનાં 4થી 5 વર્ષે તેનાં પર્ણો જમીનમાંથી નીકળે છે. ત્યારપછી પ્રકાંડ દેખાવા લાગે છે અને પંખા-આકાર ધીરે ધીરે 5થી 6 મી. જેટલો ઊંચો થાય છે. પ્રકાંડની જાડાઈ વધારે હોતી નથી.

ટ્રાવેલર્સ  ટ્રી

ગુજરાતમાં સફળતાપૂર્વક ઉછેરવા માટે ઉનાળામાં શરૂઆતનાં 4થી 5 વરસ સુધી એની ઉપર કંતાનનો છાંયડો કરવાથી ઘણું સારું પરિણામ મળે છે. કૂંડાના છોડ તરીકે પણ શરૂઆતમાં તે શોભા આપે છે.

રણમાં વટેમાર્ગુને તરસ લાગી હોય તો પર્ણતલ પાસે પોલાણમાં ભરાઈ રહેલું પાણી પીવા માટે ઉપયોગમાં આવે છે. આ પાણી મીઠું હોય છે. પ્રકાંડ અને પર્ણોના જોડાણ આગળ ચપ્પાથી છેદ કરવાથી પ્યાલો ભરાઈ જાય એટલું પાણી મળવાથી પ્રવાસીને આ વરદાન રૂપ હોવાથી તેનું નામ ‘ટ્રાવેલર્સ ટ્રી’ પડ્યું હશે. પ્યાલા આકારનાં પૃથુપર્ણો (spathe) પણ પાણીથી ભરેલાં હોય છે, તેનો પણ પ્રવાસીઓ પીવામાં ઉપયોગ કરે છે.

મ. ઝ. શાહ