ટ્રફેલ્ગરનું નૌકાયુદ્ધ

January, 2014

ટ્રફેલ્ગરનું નૌકાયુદ્ધ (21 ઑક્ટોબર 1805) : યુરોપમાં થયેલાં નેપોલિયનનાં યુદ્ધોમાં મહત્વનું નિર્ણાયક નૌકાયુદ્ધ. આ યુદ્ધને પરિણામે સો વર્ષથી પણ વધારે સમય સુધી બ્રિટને નૌકાદળને ક્ષેત્રે પોતાની સર્વોપરીતા સ્થાપિત કરી રાખી. સ્પેનની ટ્રફેલ્ગર ભૂશિરની પશ્ચિમે કેડિઝ  બંદર અને જિબ્રાલ્ટરની સામુદ્રધુની વચ્ચે લડાયેલા આ યુદ્ધમાં ફ્રેંચ ઍડ્‌મિરલ પિયેર દ વીલનવના નેતૃત્વ હેઠળ 33 યુદ્ધજહાજોના બનેલા ફ્રેંચ-સ્પૅનિશ (18 ફ્રેંચ અને 15 સ્પૅનિશ) નૌકા-કાફલા સામે બ્રિટિશ ઍડ્‌મિરલ હોરેશિયો નેલ્સનના નેતૃત્વ હેઠળ 27 જહાજોના નૌકાકાફલાએ ભાગ લીધો હતો.

1805ના નવેમ્બરના અંતમાં ફ્રેંચ ઍડ્‌મિરલ વીલનવને નેપોલિયન તરફથી આદેશ આપવામાં આવ્યો કે તે પોતાનાં દળો સાથે દક્ષિણ ઇટાલીમાં યુદ્ધમાં રોકાયેલા ફ્રેંચ લશ્કરને મદદ કરવા કેડિઝ(દક્ષિણ-પશ્ચિમ સ્પેનનું નૌકામથક)થી નેપલ્સ પહોંચે. ફ્રેંચ નૌકાદળની હિલચાલ પર દેખરેખ રાખતા ઍડ્‌મિરલ નેલ્સનના બ્રિટિશ નૌકાદળને યુદ્ધ આપ્યા વગર જ ભૂમધ્ય વિસ્તારમાં પહોંચી જવાની ધારણા સાથે ફ્રેંચ ઍડ્‌મિરલ વીલનવનો કાફલો 19-20 ઑક્ટોબર, 1805ની રાત્રે કેડિઝથી રવાના થયો; પરંતુ નેલ્સને તેને 21મી ઑક્ટોબરની સવારે ટ્રફેલ્ગર ભૂશિરની પશ્ચિમે પકડી પાડ્યો, જેને પરિણામે નૌકાયુદ્ધ થયું.

ઇંગ્લૅન્ડ માટે આ યુદ્ધ ખૂબ મહત્વનું હોવાથી નેલ્સને પોતાના નૌકાસૈનિકોને પાછળથી ખૂબ પ્રખ્યાત બનેલો સંદેશો મોકલાવ્યો કે ‘ઇંગ્લૅન્ડ આશા રાખે છે કે દરેક સૈનિક પોતાની ફરજ બજાવશે.’ નેલ્સને પોતાની વ્યૂહરચના મુજબ દુશ્મન નૌકાદળના કાફલાને બે ભાગમાં અલગ પાડી નાખ્યો અને દરેક ભાગને અલગ અલગ હાર આપી. પરિણામે બપોરે 11-50 વાગ્યે શરૂ થયેલા યુદ્ધનો સાંજે 5-00 વાગ્યે અંત આવ્યો. ઍડ્‌મિરલ વીલનવને પકડી લેવામાં આવ્યો. 19થી 20 જેટલાં ફ્રેંચ-સ્પૅનિશ જહાજોએ શરણાગતિ સ્વીકારી તે સાથે 14,000માંથી અર્ધા જેટલા સૈનિકોને કેદી બનાવવામાં આવ્યા. આ યુદ્ધમાં નેલ્સન ખૂબ ગંભીર રીતે ઘવાયો અને યુદ્ધ પૂરું થયા પહેલાં 4-30 વાગ્યે મૃત્યુ પામ્યો; પરંતુ તે પહેલાં તે વિજય અંગે નિશ્ચિંત બન્યો હતો. આ યુદ્ધમાં 1,500 જેટલા બ્રિટિશ સૈનિકો માર્યા ગયા; પરંતુ બ્રિટનનું એક પણ જહાજ નષ્ટ થયું ન હતું.

ટ્રફેલ્ગરના નૌકાયુદ્ધે ઇંગ્લૅન્ડ પર આક્રમણ કરવાની નેપોલિયનની ઘણા સમયની યોજનાને કાયમને માટે નષ્ટ કરી નાખી. લંડનનો ટ્રફેલ્ગર સ્ક્વેર આ વિજયની સ્મૃતિનું પ્રતીક છે.

ર. લ. રાવળ