ટ્રક : ભૂમિ પર માલસામાનના ઝડપી પરિવહન માટે વપરાતું ભારે યાંત્રિક વાહન. સને 1895માં Carl Beng દ્વારા ડિઝાઇન અને ત્યારબાદ આંતરદહન એન્જિનનું નિર્માણ કરવામાં આવ્યું. આ એન્જિન ભારે માલસામાનના પરિવહન માટે ઉપયોગમાં લેવામાં આવ્યું. ત્યારબાદ 1896માં શ્રી ડેઈમલર તેમના ‘ડેઈમલર મોટર લાસવેગન’ નામના કારખાનામાં આંતરદહન એન્જિનથી ચાલતી ટ્રકનું નિર્માણ કર્યું. આમાં ઈંધણ તરીકે ડીઝલ વાપરવામાં આવે છે. ડીઝલ એન્જિનથી હવાનું પ્રદૂષણ મોટી માત્રામાં ઉદભવે છે. રસ્તા પર ચાલતાં વાહનોના કુલ હવાના પ્રદૂષણમાં ટ્રકનો હિસ્સો 25 % થી પણ વધુ છે. આ ઉપરાંત ભારે વાહન પરિવહન કરતી ટ્રકનું ‘અવાજ’ – Noise અંગેનું પ્રદૂષણ પણ વધુ છે.

આદિમાનવ જાતે ચીજવસ્તુ પાસે પહોંચી જતો. આશરે 9,000 વર્ષ પૂર્વે ભારતમાં તથા આનાતોલિયામાં માણસે ગોવંશને પાળવાની શરૂઆત કરી. બેએક હજાર વર્ષ પછી માણસ ઘોડો પાળતો થયો. પશુની સહાયથી સામાનની હેરફેર કરવાનું સરળ બન્યું. આ પરિસ્થિતિમાં હજારો વર્ષો સુધી ફરક પડ્યો નહિ.

1765માં વરાળયંત્રની શોધ સાથે શરૂ થયેલી ઔદ્યોગિક ક્રાંતિથી પરિસ્થિતિ ઝડપથી બદલાવા લાગી. કારખાનાં માટે કાચા માલ તથા તૈયાર માલની હેરફેર માટે નાનાં અને ઝડપી વાહનો આવશ્યક બન્યાં. પ્રારંભે વરાળયંત્ર ઉપયોગી જણાયું; પણ ટૂંક સમયમાં જ ધીરો વેગ, વધારે પડતો ભાર, પાટાની જરૂર, ઇંધન રાખવાની અગવડ, ખૂણેખાંચરે પહોંચી જવામાં અક્ષમતા વગેરે મર્યાદાઓ સામે આવી. 1885માં જર્મનીના કાર્લ  બેન્ઝે અંતરદહન–પેટ્રોલ–એંજિનની શોધ કરી. 1896માં એ જ દેશના ઇજનેર ગોટલીબ ડેમલરે પ્રથમ ટ્રક બનાવી અને નવો યુગ બેઠો.

પ્રારંભિક ટ્રકો પ્રમાણમાં અણઘડ યંત્રકામવાળી તથા બહુ ભારે હતી. નગરની પાકી સડકોની બહાર તે નકામી હતી. 1903માં અમેરિકામાં યોજાયેલી ટ્રક–સ્પર્ધાએ સુધારેલાં વાહનોના નિર્માણને ઉત્તેજન પૂરું પાડ્યું. પ્રથમ વિશ્વયુદ્ધના અંતસમયે (1918) એકલા અમેરિકામાં જ 10 લાખથી વધારે ટ્રકો લગભગ તમામ ભાગોમાં દોડતી હતી.

આ સમયે ટ્રકોને છાપરું કે બારણાં નહોતાં. આગળ રક્ષણ નહોતું. એંજિન છેક આગળ હતું. પૈડાં પર રબરનો પાટો હતો. કલાકના વધારેમાં વધારે 30 કિમી.ના વેગે આ ટ્રકો માર્ગ પર જમણી બાજુ દોડતી. સમય જતાં વધુ સુધારા થયા. 1930માં વર્તમાન પ્રકારની ટ્રક આવી. હવે વિવિધ પ્રકારનાં ટ્રેલરોનો ઉપયોગ પણ વ્યાપક બન્યો. ત્રીસીના દસકામાં ટ્રક એંજિન માટે ઇંધન તરીકે ડીઝલ તેલનો ઉપયોગ શરૂ થયો.

Container – દરિયાઈ માર્ગે માલસામાનના પરિવહન માટે, container(માલ જથ્થામાં ભરવાનું સાધન)નો ઉપયોગ પ્રચલિત છે. આ containerને આગબોટ(Steamer)માં open deck પર એકની ઉપર બીજાને મૂકવામાં આવે છે. container બધી જ બાજુથી બંધ હોવાને કારણે ભારે  અથવા નાજુક સામાનને નુકસાન થતું નથી. આ containerને તેના ઉત્પાદન કેન્દ્રથી open bed મોટી ટ્રકમાં દરિયાઈ મથક પર લઈ જઈ આગબોટમાં માલસામાનને ચઢાવવામાં આવે છે.

EV vehicle – નાનાં ભારવાહક વાહનો જેવાં કે રિક્ષા અથવા નાના pay loadવાળી 3 ટનસુધીની  ટ્રકને બૅટરીની મદદથી ચલાવવામાં આવે છે. આ બૅટરી ફરીથી ચાર્જ કરીને વાપરી શકાય છે.

શહેરમાં માલસામાનના પરિવહન માટે આ સાધનો ખૂબ જ ઉપયોગી પુરવાર થયાં છે. ખાસ કરીને નાના અને મધ્યમ કક્ષાના ઔદ્યોગિક વસાહત (ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ)માં આ વાહનો દ્વારા મોટાભાગના માલનું પરિવહન થાય છે. આ વાહનો જે પેટ્રોલ અને ડીઝલ વડે ચાલે છે તે આવતા સમયમાં EV એટલે કે બૅટરીથી ચાલતાં  હશે..

Fork lift Truck – 1થી 5 ટન ક્ષમતા ધરાવતી અને અમુક ચોક્કસ ઊંચાઈ સુધી ભારવહન કરવાની શક્તિ ધરાવતી ફોર્ક લિફ્ટ પેલેટ ટ્રક, કારખાનાં અને ગોદામોમાં, મકાનની અંદરના ભાગમાં માલસામાનના પરિવહન માટે વપરાય છે. આ ટ્રક વિદ્યુત બૅટરી વડે ચાલે છે અને હાઇડ્રોલિક બળ વડે આ ટ્રકના Fork પર માલસામાન તેમની ક્ષમતા મુજબ ઊંચકવામાં આવે છે.

આકૃતિ 1 : ટ્રક અને તેના વિવિધ ભાગો

આધુનિક ટ્રક યંત્ર-ઇજનેરીની કુશળતાનો એક અદભુત નમૂનો છે. પોતાનો તથા સામાનનો મળીને એકત્ર ભાર વહન કરવાની ક્ષમતા અનુસાર બે ધરીવાળી ટ્રકોના ત્રણ વર્ગો પાડવામાં આવે છે :

(1) હળવા વજનવાળી ટ્રક : આમાં વાહનના એકંદર વજન(gross vehicle weight)ની મર્યાદા 6000 કિગ્રા. સુધીની હોય છે.

(2) મધ્યમ વજનવાળી ટ્રક : આમાં વાહનના એકંદર વજનની મર્યાદા 6,000 કિગ્રા.થી ઉપર અને 12,000 કિગ્રા.થી વધુ નહિ તે મુજબની હોય છે.

(3) ભારે વજનવાળી ટ્રક : આમાં વાહનના એકંદર વજનની મર્યાદા 12,000 કિગ્રા.થી વધારે હોય છે. સામાન્ય રીતે આ વજનની મર્યાદા 16,000 કિગ્રા. આસપાસની હોય છે.

આ ઉપરાંત વધુ વજન વહન કરવા માટે બેથી વધુ ધરી(ઍક્સલ)નો ઉપયોગ કરવામાં આવે છે.

સામાન્ય રીતે માલસામાનના પરિવહન માટે 9,000થી 10,000 કિગ્રા. વજન લઈ જવાની ક્ષમતા(pay load)ની ટ્રકનો ઉપયોગ થાય છે, જ્યારે નાના રસ્તાઓ તથા ગીચ ટ્રાફિક માટે હળવાં વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રકની રચનાની વિગતો નીચે મુજબ છે (જુઓ આકૃતિ 1-ઇ) :

(1) વ્હીલ બેજ : આગળની ધરીથી પાછળની ધરી વચ્ચેના અંતરને વ્હીલ બેજ કહેવામાં આવે છે.

(2) રિયર ઓવર હૅંગ : પાછળની ધરીથી પાછળ તરફ ચેસીસનો જેટલો ભાગ લંબાયેલ હોય તેને રિયર ઓવરહૅંગ કહે છે અને મોટર વિહિકલ ઍક્ટ ઍન્ડ રૂલ્સની જોગવાઈને ધ્યાનમાં લઈ ટ્રકનું પાછળનું બૉડી બાંધવામાં આવે છે. પાછળની ધરીના ટાયરના જમીન સાથેના સંપર્કબિંદુથી ચેસીસનો પાછળનો છેવટનો ભાગ જે ખૂણો બનાવે તેને ‘ઍંગલ ઑવ્ ડિપાર્ચર’ કહેવામાં આવે છે.

(3) ફ્રન્ટ ઓવર હૅંગ : આગળની ધરીથી આગળ તરફ ચૅસીસનો જેટલો ભાગ લંબાયેલ હોય તેને ‘ફ્રન્ટ ઓવર હૅંગ’ કહે છે. આગળની ધરીના ટાયરના જમીન સાથેના સંપર્કબિંદુથી ચેસીસના આગળનો છેવટનો ભાગ જે ખૂણો બનાવે તેને ‘ઍંગલ ઑવ્ ઍપ્રોચ’ કહેવામાં આવે છે.

(4) ટ્રકની પહોળાઈ : ટ્રક બનાવતી કંપનીઓ તેમના નિર્ધારિત પ્રમાણ મુજબ ચેસીસની પહોળાઈ રાખે છે અને મોટર વિહિકલ ઍક્ટ ઍન્ડ રૂલ્સની જોગવાઈને ધ્યાનમાં લઈ તે મુજબ ડ્રાઇવરની કૅબિન તથા બૉડી બનાવવામાં આવે છે.

ટ્રકમાં એન્જિનની ગોઠવણીને ધ્યાનમાં લઈ જે રીતે ડ્રાઇવરની કૅબિન બનાવવામાં આવે છે તેમાં ત્રણ પ્રકાર હોય છે :

(1) નૉર્મલ કંટ્રોલ : આ પ્રકારમાં એન્જિન-ડ્રાઇવરની કૅબિનની આગળ (બહારના ભાગમાં) હોય છે. (આકૃતિ 1-અ)

(2) સેમિફૉર્વર્ડ કંટ્રોલ : અહીં એન્જિનનો અમુક ભાગ ડ્રાઇવરની આગળ (બહારના ભાગમાં) અને અમુક ભાગ ડ્રાઇવરની કૅબિનની અંદર હોય છે. (આકૃતિ 1-આ)

(3) ફુલ ફૉર્વર્ડ કંટ્રોલ : આમાં એન્જિન સંપૂર્ણપણે ડ્રાઇવરની કૅબિનમાં હોય છે. (આકૃતિ 1-ઇ)

આજે માલસામાનના પરિવહન માટે ટ્રકનો ઉપયોગ ઘણો સામાન્ય બની ગયેલ છે.

રમેશચંદ્ર જે. આચાર્ય

પ્રકાશ ભગવતી