ટ્યૂના (ગેદર/કુપ્પા) : સ્કૉમ્બ્રિડે નામે ઓળખાતા બાંગડા (mackerel) કુળની અને દરિયાઈ મત્સ્યોદ્યોગની ર્દષ્ટિએ અગત્યની એવી માછલીઓની કેટલીક જાતો. ટ્યૂના માછલી સ્વાદિષ્ટ ગણાય છે. તેનો ઉદ્યોગ મોટા પાયા પર થાય છે. થીજેલી અને કૅનિંગ કરેલી માછલીનું વેચાણ થતું હોય છે.

ટ્યૂના માછલીની ગતિ અત્યંત ઝડપી હોય છે. આ ગતિ શ્વસન-પ્રક્રિયા માટે તેને માટે આવશ્યક છે. ટ્યૂના માછલીનો વિસ્તાર ઉત્તરમાં કૅનેડા, નૉર્વે અને ઉત્તર જાપાન પ્રદેશથી દક્ષિણમાં ફિલિપાઇન્સ સુધીનો છે. તે ઍટલાંટિક, પૅસિફિક અને હિંદી મહાસાગરમાં વાસ કરતી હોય છે. સમશીતોષ્ણ અને ઉષ્ણ કટિબંધમાં મળી આવતી માછલી સ્થળાંતર કરે છે. તે હજારો કિલોમીટરોનો પ્રવાસ ખેડે છે.

નીલપક્ષ (blue fin) ટ્યૂના માછલી આશરે 3 મી. જેટલી લાંબી હોય છે અને તેનું વજન 680 કિગ્રા. જેટલું હોય છે. સૌથી નાની એવી બુલેટ બાંગડા (bullet mackeral) ટ્યૂના 0.5 મી. જેટલી લાંબી અને વજનમાં 2.5 કિગ્રા. હોઈ શકે છે.

નીચેના દેશોમાં ટ્યૂના માછલી મોટી સંખ્યામાં પકડાય છે :

દેશ પકડેલી માછલીનું કુલ વાર્ષિક પ્રમાણ
જાપાન 7 કરોડ કિગ્રા.
ઉત્તર અમેરિકા 3 કરોડ કિગ્રા.
ફિલિપાઇન્સ 3 કરોડ કિગ્રા.
સ્પેન 2 કરોડ કિગ્રા
તાઇવાન 1.5 કરોડ કિગ્રા.

ટ્યૂના માછલી પકડવામાં આંકડા અને દોરી તેમજ પર્સ-જાળનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્યૂના માછલી લાખો કે કરોડોની સંખ્યામાં ફરતી હોય છે. પૂર્વ પૅસિફિક મહાસાગરમાં ટ્યૂનાની ઉપરની સપાટીએ ડૉલ્ફિન જૂથમાં ફરતી હોય છે. પરિણામે ટ્યૂના પકડવા જતાં કેટલીક વાર જાળમાં ડૉલ્ફિન ફસાય છે. તેથી ટ્યૂના પકડવા માટે ડૉલ્ફિન ફસાય તેવી જાળ વાપરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. વળી કેટલાક મત્સ્યોદ્યોગના સંચાલકો સ્વેચ્છાએ ડૉલ્ફિન ફસાઈ હોય તેવી જાળમાં પકડેલી ટ્યૂના માછલી ધંધાર્થે સ્વીકારતા નથી.

મ. શિ. દૂબળે