ટોગો (ટોગોલૅન્ડ) : પશ્ચિમ આફ્રિકામાં આવેલ સ્વતંત્ર પ્રજાસત્તાક રાષ્ટ્ર. તે લંબાઈમાં મોટો પણ પહોળાઈમાં સાંકડો દેશ છે. તે ઉત્તરે બર્કિના ફાસોથી પૂર્વે બેનિનથી પશ્ચિમે ઘાનાથી તથા દક્ષિણે ગિનીના અખાત સુધી ફેલાયેલો છે. પહેલાં તે ટોગોલૅન્ડ તરીકે ઓળખાતો. તે 6°-15´ ઉ અ. થી 12°-00´ તથા 0° થી 1°40´ પૂ. રે. પર આવેલો છે. તેની પશ્ચિમ સરહદે ઘાના, પૂર્વમાં બેનિન, ઉત્તરે બુર્કિના ફાસો તથા દક્ષિણે ગિનીનો અખાત આવેલાં છે. 1956માં આ પ્રદેશને બે વિભાગમાં વહેંચવામાં આવેલો. આનો પશ્ચિમ ભાગ ગોલ્ડકોસ્ટ 1957માં ઘાનામાં ભેળી દેવામાં આવ્યો હતો.
ટોગોનો ઉત્તર-દક્ષિણ વિસ્તાર 605 કિમી. તથા પૂર્વપશ્ચિમ પહોળાઈ 120 કિમી. છે. તેનો સમુદ્રકિનારો માત્ર 67 કિમી. પહોળો છે. તેનું ક્ષેત્રફળ 56,785 ચોકિમી. છે. તેની કુલ વસ્તી 84.12 લાખ (2022) છે. વસ્તીની ગીચતા પ્રતિ ચોકિમી. 108 છે. દેશની 85% વસ્તી ગ્રામવિસ્તારમાં વસે છે. તેનું પાટનગર લોમે (વસ્તી: 8.39 લાખ 2003) છે, જે દેશના દક્ષિણ છેડા પર આવેલું છે. દેશના દક્ષિણ ભાગમાં વરસાદની બે ઋતુ હોય છે. માર્ચથી જુલાઈ સુધી ભારે વરસાદ તથા સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી હળવો વરસાદ પડે છે. દરિયાકિનારાના પ્રદેશમાં સરેરાશ વાર્ષિક વરસાદ 772.16 મિમી. તથા પર્વતીય પ્રદેશમાં સરેરાશ વાર્ષિક વરસાદ 1544.32 મિમી. પડે છે. દેશના ઉત્તર ભાગમાં એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદની ઋતુ હોય છે. તથા ઑક્ટોબરથી માર્ચ દરમિયાન સૂકું હવામાન હોય છે. દેશનું સરેરાશ તાપમાન 24° સે.થી 27° સે. હોય છે. ઉત્તરમાં તાપમાન 32° સે. સુધી જાય છે.
આ દેશનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતીપ્રધાન છે. અહીંની મુખ્ય ખેતપેદાશ કૉફી, કોકો, કપાસ, નારિયેળ, બાજરી, મકાઈ, ડાંગર તથા મગફળી છે. તેની કુદરતી સંપત્તિ આજે પણ અવિકસિત છે. અહીંની ખાણોમાંથી વિપુલ પ્રમાણમાં ફૉસ્ફેટ નીકળે છે. તેની મોટા પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે. મોટાભાગનો વિદેશવ્યાપાર પાટનગર લોમે બંદર પરથી થાય છે.
આ દેશની મધ્યમાં આવેલી ટોગો પહાડીઓ સરેરાશ 60 મી. ઊંચાઈ ધરાવે છે. તેનો સહુથી ઊંચો પર્વત એગો આશરે 120 મી. ઊંચો છે. દક્ષિણમાં એવે નૃજાતિના સ્થાનિક આદિવાસીઓનું વિશેષ પ્રમાણ છે.
અહીંનું પ્રાણીજીવન આફ્રિકાના અન્ય દેશોના જેવું છે. ઓટી નદીમાં મોટા પ્રમાણમાં મગર તથા વિવિધ પ્રકારની માછલીઓ મળે છે. ઉપરાંત ઍન્ટિલોપ, બંદર, સિંહ, હાથી અને જંગલોના વિસ્તારમાં વિવિધ પ્રકારના સાપ જોવા મળે છે.
દેશની વહીવટી ભાષા ફ્રેન્ચ છે. વ્યવહારમાં લોકો પોતાની આદિવાસી ભાષા ઇવે તથા કાબ્રે બોલે છે. લોકો આદિવાસી, ખ્રિસ્તી તેમજ ઇસ્લામ ધર્મના અનુયાયીઓમાં વહેંચાયેલા છે.
27 એપ્રિલ, 1960માં તે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું તે પૂર્વે 1922–45 દરમિયાન તે લીગ ઑવ્ નૅશન્સના રક્ષિત રાજ્ય તરીકે અને 1945 60 સુધી રાષ્ટ્રસંઘનો આદેશિત પ્રદેશ હતો.
દેશની નૅશનલ કૉન્ફરન્સે(રાષ્ટ્રીય સભાએ), ઑગસ્ટ 1991માં પ્રમુખની મોટાભાગની સત્તા વચગાળાના વડાપ્રધાનને સોંપી છે.
ઇતિહાસ : 17મી સદીથી 19મી સદી સુધી આશંતિ જાતિના લોકો ટોગોલૅન્ડ પર હુમલા કરીને ત્યાંના આદિવાસી લોકોને પકડીને તેઓ યુરોપિયનોને ગુલામો તરીકે વેચી દેતા હતા. ઈ. સ. 1884થી જર્મનીના રક્ષિત રાજ્ય તરીકે તેનો આર્થિક વિકાસ થયો અને પાટનગર લોમ બાંધવામાં આવ્યું. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં, બ્રિટન અને ફ્રાંસે જર્મની પાસેથી ટોગોલૅન્ડ કબજે કર્યું. ઈ. સ. 1922માં તેને બે સત્તા વચ્ચે વિભાજિત કરવામાં આવ્યું. 1942માં તે યુ.એન. ટ્રસ્ટ ટેરિટરી બન્યું. 1957માં બ્રિટિશ ટોગોલૅન્ડ ઘાનાનો એક પ્રદેશ બન્યું. 1960માં ફ્રેન્ચ ટોગોલૅન્ડને રિપબ્લિક ઑવ્ ટોયો-ટોગોના પ્રજાસત્તાક રાજ્ય તરીકે સ્વતંત્રતા મળી. 1961માં સિલ્વેનસ ઓલિમ્પિયો તેનો પ્રથમ પ્રમુખ બન્યો. 1963માં તેની હત્યા કરવામાં આવી અને પછી નિકોલસ ગ્રુનીત્સ્કી પ્રમુખ બન્યો; પરન્તુ 1967માં લશ્કરના ઇયાડેમાએ તેની સત્તા ઉથલાવી. 1972માં ઇયાડેમા પ્રમુખ બન્યો. 1979માં નવા બંધારણ મુજબ ટોગોને એકપક્ષી રાજ્ય માન્ય કર્યું. 1986માં ઇયાડેમા પુન: પ્રમુખપદે ચૂંટાયો. લોકશાહીની તરફેણમાં તોફાનો થયા બાદ 1991માં ઇયાડેમાએ રાજીનામું આપવું પડ્યું. કોકુ કોફીગો(kokou koffigoh)એ વચગાળાની સરકારનું નેતૃત્વ સંભાળ્યું. કોફીગોની સત્તા ઉથલાવી નાખવાના પ્રયાસો કરતાં ઇયાડેમાના વફાદાર સૈનિકોમાં અશાંતિ ચાલુ રહી. 1992માં નવા બંધારણનો અમલ શરૂ થયો. 1993માં ઇયાડેમા ચૂંટણીમાં જીત્યો. 1994માં વિરોધીઓનો સંઘ ચૂંટણી જીતવાથી પ્રમુખ ઇયાડેમાએ જોડાણવાળી સરકારની રચના કરી. 1998માં ચૂંટણીમાં હિંસા થઈ, પણ ઇયાડેમા પ્રમુખ તરીકે જીત્યો. 2002માં બંધારણમાં સુધારો કર્યો, જેથી ઇયાડેમા ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે. પછીની 2003ની ચૂંટણીઓ તે જીત્યો. મે, 2004માં પ્રમુખ ઇયાડેમાએ વિરોધ પક્ષના સભ્યો સહિત 500 કેદીઓને માફી આપી. 38 વર્ષ સુધી ટોગો પર શાસન કરનાર ઇયાડેમા 5 ફેબ્રુઆરી, 2005ના રોજ મરણ પામ્યો. તેના પુત્ર ફોરેનાસિંગબેને પ્રમુખપદ આપવાથી દેશમાં સખત વિરોધ થયો. મે, 2005ની ચૂંટણીમાં નાસિંગબે પ્રમુખ ચૂંટાયો. પ્રમુખની ચૂંટણી, તકરાર અને હિંસાથી બચવા હજારો ટોગોવાસીઓ પડોશી દેશોમાં નાસી ગયા હતા. તેમાંના 25,000 નિરાશ્રિતો મે, 2007માં પણ પાડોશી દેશોના કૅમ્પમાં રહેતા હતા. ઈ. સ. 2008માં ટોગોને આફ્રિકન ડેવલપમેન્ટ બૅન્ક, ફ્રાન્સ, જર્મની, યુરોપીય સંઘ, યુનિસેફ અને વર્લ્ડ બૅન્કે આર્થિક અને સામાજિક યોજનાઓ વાસ્તે સારી એવી રકમો આપી. 2008ના જુલાઈ અને ઑગસ્ટમાં ધોધમાર વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યાં અને પુષ્કળ નુકસાન થયું. 2010માં ટોગોમાં થનારી પ્રમુખની ચૂંટણીની તૈયારીઓ 2009થી શરૂ થઈ. પૂર્વ રક્ષામંત્રી પેટ્ચા નાસિંગબે કેટલાક લશ્કરી અધિકારીઓ સાથે મળીને સરકાર ઉથલાવવા પ્રયાસ કરતો હતો. એવા આરોપ હેઠળ 15મી એપ્રિલના રોજ તેની ધરપકડ કરવામાં આવી.
ગિરીશ ભટ્ટ
જયકુમાર ર. શુક્લ