ટૉરિસેલીનું પ્રમેય (Torricelli’s theorem) : ઇવાન્જેલિસ્તા ટૉરિસેલીએ 1643માં પ્રવાહીની ઝડપ અંગે શોધેલો સંબંધ, જે તેમના નામ ઉપરથી ટૉરિસેલીના નિયમ, સિદ્ધાંત કે સૂત્ર તરીકે પણ ઓળખાય છે. ગુરુત્વબળની અસર નીચે કોઈ ટાંકીમાંના છિદ્ર(opening)માંથી વહેતા પ્રવાહીની ઝડપ v સંયુક્ત રીતે, પ્રવાહીની સપાટી અને છિદ્રના મધ્યબિંદુ વચ્ચેના લંબ અંતર ‘h’ના વર્ગમૂળ અને ગુરુત્વ-પ્રવેગના બમણા મૂલ્ય ‘2g’ના વર્ગમૂળના સમપ્રમાણમાં છે.
[ પૃથ્વીની સપાટી આગળ g = 9.8 મીટર/ સેકન્ડ2 છે. ]
ટાંકીના પાણીની સપાટીથી h અંતરે આવેલા છિદ્રમાંથી વહેતા પાણીના વહેણની ઝડપ, ફક્ત ગુરુત્વબળની અસર નીચે જ [હવાની અસરોને અવગણીને] તેટલા જ ઊર્ધ્વ અંતરથી મુક્ત પતન કરી રહેલા પાણીનાં ટીપાંએ પ્રાપ્ત કરેલી ઝડપ જેટલી છે. બહિર્વાહ(efflux)ની ઝડપ વહેણની દિશા ઉપર આધારિત નથી; છિદ્રની દિશા ઉપરની તરફ, નીચેની તરફ કે સમક્ષિતિજ હોય તોપણ છિદ્ર આગળના બિંદુએ ઝડપ આ સૂત્ર દ્વારા મળે છે.
એરચ મા. બલસારા