ટોરેનિયા : વનસ્પતિના દ્વિદળી વર્ગના સ્ક્રોફ્યુલારિયેસી કુળની નાની, શોભનીય (ornamental) શાકીય પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણ કટિબંધીય એશિયા અને આફ્રિકામાં થયેલું છે. તેની લગભગ 20 જેટલી જાતિઓ છે. તે પૈકી ભારતમાં 16 જેટલી જાતિઓ થાય છે અને બહુ થોડી વિદેશી જાતિઓને પ્રવેશ અપાયો છે, જે પ્રાકૃતિક બની છે. તે ભેજ અને છાંયડાવાળી જગાઓએ સારી રીતે ઊગે છે. તેનું વર્ધીપ્રજનન કટકારોપણ દ્વારા કરી શકાય છે.

T. fournieri Linden એકવર્ષાયુ છે અને દક્ષિણ વિયેટનામમાંથી લાવેલી ટોરેનિયાની સૌથી સુંદર જાતિઓ પૈકીની એક ગણાય છે. તે ગુજરાતની આબોહવામાં મોટેભાગે ચોમાસામાં સારી થાય છે અને આછા ભૂરા રંગનાં પુષ્પોથી વનસ્પતિ ભરાઈ જાય છે. ક્યારેક પીળાશ પડતી કે તદ્દન સફેદ રંગનાં પુષ્પોવાળી ઉપજાતિઓ પણ નીકળી આવે છે. કૂંડામાં પણ તે સારી રીતે ઊછરી શકે છે.

T. asiatica બહુવર્ષાયુ જાતિ છે. બાકી બધી રીતે ઉપરની જાતિને મળતી આવે છે. આ જાત બહુવર્ષાયુ હોવા છતાં એને મોસમી તરીકે ઉગાડવામાં આવે તો વધારે ખીલે છે.

ટોરેનિયાની બધી જાતો ‘હગિંગ બાસ્કેટ’માં ખૂબ સુંદર રીતે ખીલી ઊઠે છે.

મ. ઝ. શાહ