ટૉરિસેલી, ઇવાન્જેલિસ્તા

January, 2014

ટૉરિસેલી, ઇવાન્જેલિસ્તા (જ. 15 ઑક્ટોબર 1608, ફાયેન્ઝા રોમાગાના, ઇટાલી; અ. 25 ઑક્ટોબર 1647, ફ્લૉરેન્સ) : બૅરોમીટરની શોધ કરનાર ઇટાલિયન ભૌતિકશાસ્ત્રી તથા જેમનું ભૌમિતિક કાર્ય સંકલન(integral calculus)નો  વિકાસ કરવામાં સહાયભૂત નીવડ્યું હતું તે ગણિતશાસ્ત્રી. ગૅલિલિયોના લખાણમાંથી પ્રેરણા મેળવી, યંત્રશાસ્ત્ર ઉપર ગતિને લગતો ‘દ મોતુ’ નામનો પ્રબંધ (treatise) લખ્યો, જેનાથી ગૅલિલિયો પ્રભાવિત થયા હતા. 1641માં ટૉરિસેલીને ફ્લૉરેન્સ આવવાનું આમંત્રણ મળ્યું. અહીં તેમણે ગૅલિલિયોના જીવનના છેલ્લા ત્રણ માસ દરમિયાન તેમના મંત્રી તથા

ઇવાન્જેલિસ્તા ટૉરિસેલી

સહાયક તરીકે સેવા આપી. ત્યાર પછી ‘ફલૉરેન્ટિન એકૅડેમી’માં ગૅલિલિયોના અનુગામી તરીકે ગણિતના પ્રાધ્યાપકપદે તેમની નિયુક્તિ થઈ. બે વર્ષ બાદ, ગૅલિલિયોના સૂચન અનુસાર 1.22 મીટર લાંબી કાચની નળીમાં પારો ભરીને તેને એક વાડકીમાં ઊંધી વાળી. તેમણે જોયું કે નળીમાંથી થોડોક પારો બહાર વહી ગયો અને નળીમાંના પારાની ઉપરની જગ્યામાં શૂન્યાવકાશ ઉદભવ્યો હતો. ઘણાં બધાં અવલોકન બાદ તેમણે તારવ્યું કે વાતાવરણના દબાણના ફેરફારોને કારણે દિનપ્રતિદિન પારાના સ્તંભની ઊંચાઈમાં ફેરફાર થયો હતો. તેમનાં આ તારણોને તેમણે પ્રસિદ્ધ કર્યાં નહિ, કારણકે તે સમયે તેઓ ગતિમય ચક્રની ધાર ઉપરના કોઈ બિંદુ વડે રચાતા ભૌમિતિક વક્ર ‘સાઇક્લૉઇડ’(cylcoid)ની ગણતરી સહિતના, શુદ્ધ ગણિતના અભ્યાસમાં વ્યસ્ત હતા. તેમના ‘ઑપેરા જોમિત્રિકા’ (1644) નામના પુસ્તકમાં ટૉરિસેલીએ દ્રવ ગતિ (fluid motion) અને પ્રક્ષિપ્ત ગતિ(projectile motion)નો પણ સમાવેશ કરેલો છે.

એરચ મા. બલસારા